રંગ અને વાર્નિશ-ઉદ્યોગ : દીવાલો, ધાતુઓ તથા લાકડાની બનેલી વસ્તુઓ વગેરેના પૃષ્ઠ ભાગને સુશોભન સાથે આરક્ષણ બક્ષતાં વિવિધ પ્રકારનાં આચ્છાદનોને લગતો ઉદ્યોગ. તેમાં રંગ ઉપરાંત વાર્નિશ અને પ્રલાક્ષ(lacquer)નો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે રંગ અથવા પેઇન્ટ એ પાતળા પ્રવાહીથી માંડીને અર્ધઘન (semisolid), લાહી (લેપ) (paste) જેટલી શ્યાનતા (viscosity) ધરાવતું એકસમાન રીતે પરિક્ષેપિત (dispersed) મિશ્રણ હોય છે. જરૂર પડ્યે તેને યોગ્ય દ્રાવકમાં પરિક્ષેપિત કરી વસ્તુની સપાટી પર લગાડવામાં આવે છે, જે સુકાઈ જતાં આશરે 0.8 મિમી. જાડાઈના આવરણનો લેપ છોડી જાય છે.

પ્રાગ્ઐતિહાસિક સમયમાં આશરે 20,000 વર્ષ પહેલાં યુરોપમાં વનસ્પતિ તથા માટીનું પાણી કે પ્રાણીજ તેલમાં દ્રાવણ બનાવી ગુફાઓ રંગાઈ હોવાનું જાણવામાં આવ્યું છે. ઈ. પૂ. 2000નાં વર્ષોમાં ભારતથી આયાત કરેલ આજના જેવા જ રંગો વડે ઇજિપ્ત(હાલના યુનાઇટેડ આરબ રિપબ્લિક)માં કબરો રંગવામાં આવતી હતી; પરંતુ તે રંગો બરછટ (course) વર્ણકો, કુદરતી રેઝિન અને જલશોષણ તેલમાંથી તૈયાર કરવામાં આવતા હતા. ઈ. પૂ. 1500થી 1400નાં વર્ષોમાં ક્રીટ, ગ્રીસ તથા રોમન સામ્રાજ્યમાં રંગોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પરંતુ કારીગરોની સાથે તે કલા પણ લુપ્ત થઈ ગઈ હતી. ઈ. સ. 1700ની સદીમાં યુરોપ અને અમેરિકામાં કૉફીના દાણા, ઈંડા તથા વિસ્નેહિત (skimmed) દૂધ વગેરેને પથ્થર પર લસોટી રંગની લૂગદી તૈયાર કરવામાં આવતી હતી. અઢારમી સદીમાં દળવાનાં તથા મિશ્રણનાં યંત્રોની શોધને પરિણામે રંગોના ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ હતી. ત્યારબાદ રાસાયણિક તથા પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગોના વિકાસે વિવિધ સંશ્ર્લેષિત રેઝિનો તથા પ્લાસ્ટિકના પુરવઠામાં ગણનાપાત્ર વૃદ્ધિ કરી રંગ-ઉદ્યોગને આવદૃશ્યક કાચો માલ પૂરો પાડવામાં અગ્રભાગ લીધો હતો.

રંગો સૂક્ષ્મ વર્ણકો (pigments), આવદૃશ્યક ઉમેરકો (additives), લેપન-માધ્યમ (binder) અને દ્રાવક (solvents) અથવા વિરલક(thinner)નું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવે છે. વર્ણકો [દા.ત., ટિટેનિયમ ડાયૉક્સાઇડ (સફેદ), લેડ ક્રોમેટ (પીળો) થેલોસાઇનેમાઇન (વાદળી કે લીલો)] પેઇન્ટને વર્ણ; રક્ષકો (માટી, અભ્રક કે શંખજીરુ અને રસાયણો) તેને તડકો. પાણી, વાયુ, ઉઝરડા, સંક્ષારણ (corrosion) વગેરે સામે આરક્ષણ; રેઝિન તથા બીજાં દ્રાવકો સપાટી સાથે આબંધન તેમજ શુષ્કન (drying) પદાર્થો તેને સુકવણીની સરળતા, ચળકાટ (gloss) તથા કઠિનતા (hardness) બક્ષે છે અને વસ્તુની જીવનાવધિમાં વૃદ્ધિ કરે છે. રંગ-ઉત્પાદન એક વિશિષ્ટ તકનીકી આધારિત રાસાયણિક ઉદ્યોગ છે; જેમાં વિવિધ કાચા માલોનું પેઇન્ટના સંઘટન-સૂત્ર (formula) અનુસાર સંતુલિત (balanced) મિશ્રણ તૈયાર કરી તેને દળવાની ઘંટી(grinding mill)માં બારીક બનાવવામાં આવે છે. ત્યારબાદ તેનું દ્રાવક (પાણી, તેલ કે રેઝિન)માં પરિક્ષેપણ કરી ગ્રાહકની પસંદગી મુજબની ઝાંય (shade) આપવા દ્રાવકો ઉમેરવામાં આવે છે.

રંગોને તેમના ઉપયોગ અનુસાર બે વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ગૃહસુશોભન અથવા સ્થાપત્યના કામ માટેના અને (2) ઔદ્યોગિક કામ માટેના. ગૃહસુશોભનના રંગો ઘરની દીવાલ, છત, ફરસ, બહારની દીવાલો, બારીબારણાં વગેરેને સુશોભિત કરવામાં વપરાય છે. મહત્તમ રંગો પાણી, તૈલી પાયસ (emulsion), પૉલિવિનાઇલ ઍસિટેટ અથવા ઍક્રિલિક રેઝિન મિશ્રિત સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે; જેને પાણી કે સાબુથી ધોઈ શકાય છે. બહારની દીવાલોને આરક્ષણ બક્ષવા વિશિષ્ટ પ્રકારના રેઝિન અથવા અળશીના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

ઔદ્યોગિક રંગો વપરાશ અનુસાર સ્વચાલિત વાહનો માટેના (automotive), સામાન્ય ઔદ્યોગિક, પ્રચુર વપરાશી (heavy duty), સામુદ્રી, વાયુયાન, સંરક્ષણ, રેલવે વગેરે માટેના તરીકે ઓળખાય છે. ગૃહવપરાશનાં ટકાઉ સાધનો (રેફ્રિજરેટર, ધોવાનાં મશીન, મિશ્રક) વગેરે માટે ભઠ્ઠીમાં પકવેલ રંગોનો ઉપયોગ પ્રચલિત છે. કાષ્ઠના ફર્નિચરમાં રંગો નસોમાં શોષાઈ તેના પર પાસ પાડે છે. પછી તેના પર વાર્નિશ કે પારદર્શક રેઝિનનું આવરણ લગાડવામાં આવે છે, જે ઑક્સિજન તથા ભેજને દૂર રાખે છે.

ક્વચિત્ વસ્તુની સપાટીને રંગ બરાબર લાગે (adhesive) તે માટે પ્રારંભક (primer) લગાડવામાં આવે છે. તેવી જ રીતે કેટલીક વાર નીચલું આવરણ (undercoat) ચઢાવ્યા બાદ અંતિમ રંગ ચઢાવવામાં આવે છે; તો કોઈક વાર લાકડાની સપાટી કે દીવાલને સમતલ કરવા પ્લાસ્ટર ઑવ્ પૅરિસ, શંખજીરું વગેરેને તેલ સાથે મિશ્ર કરી પાયસ (emulsion) બનાવી તેને ઉપયોગમાં લેવાય છે. દ્રવ સ્વરૂપના રંગોમાં દ્રાવક-આધારિત રંગો, ઊંચી ઘનતા ધરાવતા રંગો અને દ્રાવક વિહીન વિલેપન રંગોને ગણાવી શકાય.

ભારતમાં રંગ-ઉદ્યોગનો આરંભ 100 વર્ષ પહેલાં 1902માં શાલીમાર પેઇન્ટ ઇન્ડસ્ટ્રિઝે, કોલકાતા નજદીક કારખાનું સ્થાપીને કર્યો હતો. ત્યારબાદ 1920માં ગુડલાસ નૅરોલેક પેઇન્ટ્સ લિમિટેડે મુંબઈમાં, જેન્સન નિકોલ્સન પેઇન્ટ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડે તથા બર્જર પેઇન્ટ્સ લિમિટેડે વિદેશી સહયોગ સાથે કોલકાતામાં અને 1940માં એશિયન પેઇન્ટ્સ લિમિટેડે મુંબઈ નજદીક રંગ બનાવવાનાં કારખાનાંઓની સ્થાપના કરી હતી. 1969 પછી સરકારની લઘુઉદ્યોગોને પ્રોત્સાહન આપતી નીતિઓને પરિણામે સંખ્યાબંધ લઘુ એકમો રંગઉત્પાદન-ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. દેશની ઔદ્યોગિક અને આર્થિક પ્રગતિના ફળસ્વરૂપ રંગોની માગમાં પણ ગણનાપાત્ર વૃદ્ધિ નોંધાઈ હતી. વિશાળ વસ્તીની આર્થિક સ્થિતિમાં સુધારણા સાથે રંગોની વધતી જતી માગ અને નિયંત્રિત આયાત-નીતિને પરિણામે પોતાનો બજાર-હિસ્સો ગુમાવવો ન પડે તે ખ્યાલથી વિશ્વની ટોચની 10 રંગઉત્પાદન-કંપનીઓ; જેવી કે અમેરિકાની ઇ.આઇ. ડુ પોન્ટ, પીપીજી ઇન્ડસ્ટ્રિઝ, યુ.એસ. અમેરિકન કોટિંગ્સ, જાપાનની કાન્સાઇ પેઇન્ટ્સ, નિપોન પેઇન્ટ્સ, ચોકોગુ મરીન પેઇન્ટ્સ, નેધરલૅન્ડ્ઝની બી.યુ.નેધરલૅન્ડ્ઝ, તથા જર્મની, સ્વીડન, ફિનલૅન્ડ, ઑસ્ટ્રેલિયા વગેરેએ ભારતની કંપનીઓ સાથે તકનીકી તથા નાણાકીય સહયોગ કરી વિવિધ પ્રકારના રંગો ખાસ કરીને ઊંચી ગુણવત્તા ધરાવતા વિશિષ્ટ પ્રકારના (સ્વચાલિત વાહનો, સામુદ્રી, વાયુયાન, સંક્ષારણ-પ્રતિકાર માટેના) રંગો   અને આવદૃશ્યક રસાયણો બનાવવાની શરૂઆત કરી હતી.

ભારતમાં રંગોનું ઉત્પાદન 1982માં 1,07,763 મેટ્રિક ટનથી વધીને 2001-2002માં 6,50,000 મેટ્રિક ટન થયું હતું. તેનું શ્રેય ઊંચું જીવનધોરણ, ગતિશીલતાથી આકાર લેતું શહેરીકરણ, ઓછી કિંમતે વિશિષ્ટ રંગોની પ્રાપ્યતા, સરકારની ઉદાર નીતિ વગેરેને આપી શકાય. રાજા ચેલ્લિયાહ સમિતિની ભલામણોને અનુલક્ષીને સરકારે અગાઉ શોખની વસ્તુ (luxury) ગણાતા રંગો પરનો જકાતવેરો 1992-93ના 40.25 ટકામાંથી ક્રમશ: ઘટાડીને 1996-97માં 16 ટકા સુધી પહોંચાડ્યો હતો. તેવી જ રીતે રંગ-ઉત્પાદનને પ્રોત્સાહન આપવા તેમાં વપરાતા 30 % જેટલા કાચા માલની આયાત પરનો વેરો 1991-92ના 150 ટકામાંથી ક્રમશ: ઘટાડીને 1996-97માં 30 ટકા કર્યો હતો. રંગોની માંગ કિંમત આધારિત હોય છે; તેથી કિંમતના ગણનાપાત્ર ઘટાડાએ રંગોની માંગને અનુસરીને ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ પ્રેરી હતી.

2001-2002ના વર્ષમાં ભારતના 10 સંગઠિત એકમો અને આશરે 2,200 લઘુ એકમોએ રૂ. 4,650 કરોડની કિંમતના 6,50,000 મેટ્રિક ટન રંગોનું વેચાણ કર્યું હતું. તેમાં સંગઠિત એકમોનો ફાળો અંદાજે 68 ટકા અને લઘુ એકમોનો 32 ટકા હતો. ગૃહવપરાશના રંગોનું વેચાણ રૂ. 3,500 કરોડ (75 ટકા) અને ઔદ્યોગિક રંગોનું રૂ. 1150 કરોડ (25 ટકા) અંદાજવામાં આવ્યું હતું. વિશ્વની ગૃહવપરાશ અને ઔદ્યોગિક રંગોની સરેરાશ વપરાશ 50 : 50 ગણાય છે. ગૃહસજાવટના રંગોમાં ઇનૅમલ રંગોનો 40 ટકા, ડિસ્ટેમ્પર 16 ટકા, ઇમલ્ઝન 13 ટકા, બહારના રંગો 25 ટકા અને કાષ્ઠ રંગોનો ફાળો 6 ટકા હતો. ઔદ્યોગિક રંગોમાં સ્વચાલિત વાહનોનો 40 ટકા. પરિરક્ષી (protective) 14 ટકા, પાઉડર-આવરણ(powder coating)નો 13 ટકા, સામાન્ય ઔદ્યોગિક દ્રાવકોનો 5 ટકા, સામુદ્રિક રંગોનો 4 ટકા અને બીજા રંગોનો 14 ટકા ફાળો હતો. ભારતીય પેઇન્ટ એસોસિયેશન (Indian Paint Association) ગૃહવપરાશના રંગોમાં વાર્ષિક 7 ટકા અને ઔદ્યોગિક રંગોમાં વાર્ષિક 10 ટકા વૃદ્ધિની 2005ના વર્ષ સુધીની આગાહી કરી છે.

લઘુ એકમો મહદ્અંશે સરળ પ્રક્રિયાવાળા રંગોનું પ્રાદેશિક માંગ અનુસાર ઉત્પાદન કરે છે. તે ઉપરાંત સંગઠિત ઉદ્યોગો પાસેથી તકનીકી મેળવી તેમને માટે નાના જથ્થામાં વિશિષ્ટ પ્રકારના રંગો બનાવી તેમને જ વેચાણ માટે આપે છે.

રંગોની નિકાસના ક્ષેત્રે એશિયન પેઇન્ટ્સ લિમિટેડે ફિજિ, ટોંગા, સોલોમન ટાપુઓ, નેપાલ, વનૌતુ, ઓમાન, મોરિશિયસ, ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકામાં સહઉદ્યોગોની સ્થાપના કરી છે. બર્જર પેઇન્ટ્સ લિમિટેડે રશિયા અને બાંગ્લાદેશમાં રંગોની નિકાસ કરી હતી.

ભારતમાં રંગની માથાદીઠ વપરાશ વર્ષે 650 ગ્રામ અંદાજવામાં આવે છે. તેની સરખામણીમાં ઇન્ડોનેશિયાની 1.2 કિગ્રા., શ્રીલંકા 1.3 કિગ્રા., ચીન 1.55 કિગ્રા., મલેશિયા 8.8 કિગ્રા., સિંગાપુર 26.9 કિગ્રા., થાઇલૅન્ડ 29 કિગ્રા., જર્મની 19 કિગ્રા., અમેરિકા 24.5 કિગ્રા., અને વિશ્વ સરેરાશ 15 કિગ્રા.ની અંદાજવામાં આવી હતી. ભારતમાં રંગોને સજાવટ ઉપરાંત આરક્ષણ માટે આવદૃશ્યક સાધન ગણવાની જરૂર છે. ભારતીય ક્ષારક સંસ્થા (Corrossion Institute of India, Karaikudi) અનુસાર ધાતુઓને લાગતા ક્ષારને કારણે દેશને વાર્ષિક રૂ. 22,000 કરોડનું નુકસાન થાય છે.

હાલમાં કારખાનામાં તૈયાર રંગો વેચવાને બદલે ઉત્પાદક રંગ વગરનું દ્રાવણ તથા વિવિધ રંગો અલગ અલગ વિક્રેતાને પહોંચાડે છે. વિક્રેતાની દુકાનમાંથી જ દ્રાવણ પર ગ્રાહકને મનપસંદ રંગનો પાસ ચઢાવી વેચાણ કરવામાં આવે છે. રંગોનું માનકીકરણ (standardisation) કર્યું હોવાથી ગ્રાહક જે તે રંગની છાયા ફેરફાર વગર મેળવી શકે છે. ભારતમાં હાલ 4,000 પાસ ચઢાવવાનાં યંત્રો સેવામાં છે. તેને પરિણામે વિક્રેતાએ રંગોનો મોટો પુરવઠો સંગૃહીત કરવાની આવશ્યકતા રહેતી નથી.

વાર્નિશ : વાર્નિશ એ કુદરતી શુષ્કન તેલ છે. ધાત્વિક સંયોજનો અને કઠોર રેઝિનનું વિલયન છે. તેનું કાર્ય વસ્તુમાં પરિવર્તન કર્યા વગર તેના પર પારદર્શક સૂક્ષ્મ આવરણ ચઢાવી તેના દેખાવમાં અભિવૃદ્ધિ કરવા સાથે તેનું આરક્ષણ બક્ષવાનું છે. વાર્નિશમાં વપરાતા વર્ણકોનું કાર્ય વસ્તુના ઓપ(ચળકાટ)ને નિયંત્રિત રાખવાનું છે. અપાર-દર્શક રંગોનો અભાવ જ વાર્નિશ અને સામાન્ય રંગો વચ્ચેના તફાવતની પિછાન છે.

‘વાર્નિશ’ નામ લૅટિન શબ્દ વર્નિક્સ (vernix) એટલે અંબર પરથી પડ્યું છે. ઈ. પૂ. 250ના વર્ષ સુધી વાર્નિશમાં અંબર વાપરવામાં આવતું હતું. હાલમાં તે વપરાશમાં હોવા છતાં ઊંચી ગુણવત્તાવાળા, વધુ ચીકાશ, ટકાઉપણું તથા કુમાશવાળા સંશ્ર્લેષિત બહુલકો (synthetic polymers) પણ ઉપયોગમાં લેવાય છે. ઍલ્કિડ રેઝિન(alkyd resin)માંથી બનેલ વાર્નિશના વપરાશમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ છે. વાર્નિશ તેમજ તેલમિશ્રિત રેઝિનોનું તેલ અને રેઝિનના ગુણોત્તર પ્રમાણે; ટૂંકા, મધ્યમ તેમજ લાંબા ગાળાના – એમ વર્ગીકરણ કરવામાં આવે છે. અળસી, ટુંગ (chinawood oil), કરડી (safflower), સૂર્યમુખી (sunflower), સોયા વગેરે તેલો વાર્નિશ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે, પરંતુ ટુંગ તેલ તેની ચીકાશ, કુમાશ અને ટકાઉપણાને કારણે પ્રચલિત બન્યું છે. પરંપરાગત રીતે તો કોંગો (Congo), ડમ્માર (Dammar) અને બાટુ (Batu) તેલનો ઊંચી ગુણવત્તાવાળું વાર્નિશ બનાવવામાં ઉપયોગ થતો હતો; પરંતુ પુરવઠાની તંગી અને ઊંચી કિંમતને પરિણામે રોઝિન, ફીનોલેક્સ, ઇપૉક્સી, યુરિથેઇન વગેરે રેઝિનો વપરાશમાં લેવાયા છે. વાર્નિશનો ઉપયોગ ફર્નિચર, ફરસ, રંગો વગેરે પર પારદર્શક આવરણ ચઢાવવામાં થાય છે.

પ્રલાક્ષ (lacquer) : લાખ, વનસ્પતિ કે રેઝિનના મિશ્રણમાંથી ધાતુ, કાષ્ઠ, રંગકામ વગેરે પર ચઢાવાતો પારદર્શક ચળકતો લેપ.

ચીન અને જાપાન જેવા પૌરસ્ત્ય દેશોમાં લાખના વૃક્ષમાંથી રસ કાઢી સૂકવ્યા બાદ તેમાંથી ઘેરા તપખીરી (dark brown) રંગનું ઘટ્ટ પ્રવાહી તૈયાર કરવામાં આવે છે; જેને યોગ્ય દ્રાવણમાં ઓગાળી ઉપયોગમાં લેવામાં આવે છે. લાખ કે તેના પડવાળી વસ્તુઓ બનાવવાની પરંપરા ઈ. પૂ. 300ના વર્ષમાં ચીનમાં પ્રચલિત થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંથી તેને ઈ. સ. 500ના ગાળામાં જાપાને અપનાવી હતી. ઈ. સ. 1600નાં વર્ષોમાં લાખમાંથી બનાવેલ અથવા લાખના પડવાળી સંદૂકો, પ્યાલા, પડદા વગેરે ચીજોની યુરોપમાં નિકાસ થતી હતી. યુરોપમાં પણ શલ્ક લાખ(shellac)માંથી વસ્તુઓ બનાવવાની શરૂઆત થઈ હતી. લાખને ટર્પેન્ટાઇનમાં ઓગાળી વસ્તુ પર આવરણ ચઢાવવામાં આવે છે. ટર્પેન્ટાઇન ઊડી જતાં વસ્તુ પર લાખનું પડ રહી જાય છે. કુદરતી તત્ત્વોમાંથી બનાવવામાં આવેલ લાખને બ્યૂટાઇલ આલ્કોહૉલ (butyl alchohol) અથવા બ્યૂટાઇલ એસિટેટ(butyl acetate)માં ઓગાળવામાં આવે છે. લાખમાંથી પ્રલાક્ષ બનાવવા માટે ઇથાઇલ આલ્કોહૉલ(ethyle alchohol)નો ઉપયોગ કરવામાં આવે છે. રેઝિનમાંથી બનાવેલ પ્રલાક્ષને સ્પિરિટ વાર્નિશ તરીકે ઓળખવામાં આવે છે. ધાતુ, કાષ્ઠ, કાગળ વગેરેમાંથી બનેલ વસ્તુઓ પર પ્રલાક્ષનું આરવણ ચઢાવી તેનો ઓપ તથા આરક્ષણ બક્ષવા માટે ઉપયોગ કરાય છે. ઍક્રિલિક રેઝિનમિશ્રિત પ્રલાક્ષ પિત્તળ તથા ક્રોમિયમનાં વાસણો, વાહનો વગેરે પર ચળકાટ ચઢાવવા; હવામાન, પાણી અને રસાયણો સામે આરક્ષણ બક્ષવા ઉપયોગમાં લેવાય છે. ચીન અને જાપાનમાં પ્રલાક્ષમાંથી બનાવેલ વાસણો (lacquer ware), રમકડાં અને સંદૂકો અતિસુંદર હોય છે.

જિગીશ દેરાસરી