યોદ્ધા, ચારુમતી

January, 2003

યોદ્ધા, ચારુમતી (જ. 25 જાન્યુઆરી 1912, અમદાવાદ; અ. 30 જાન્યુઆરી 1981, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતમાં મહિલાઓનાં અધિકારો અને કલ્યાણ માટેની લડત અને પ્રવૃત્તિઓનાં અગ્રણી મહિલા કાર્યકર. મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી અમદાવાદમાં 1934માં સ્થપાયેલી મહિલાસંસ્થા ‘જ્યોતિસંઘ’ની સ્થાપનાથી શરૂ કરી આજીવન ચારુમતીબહેને સંસ્થાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન કર્યું. જ્યોતિસંઘના રાહતવિભાગ દ્વારા કૌટુંબિક પ્રશ્નોથી ગ્રસ્ત અને પુરુષપ્રધાન સમાજથી શોષિત-અપમાનિત એવી મહિલાઓના અધિકારોના રક્ષણ માટે તેમણે એક ‘યોદ્ધા’ની જેમ લડત આપી.

ચારુમતી યોદ્ધા

ગાંધીવાદી મહિલા-કાર્યકર મૃદુલાબહેન સારાભાઈના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય-સંગ્રામમાં અને ત્યારપછી સ્ત્રીજાગૃતિ અને કલ્યાણના અનેક પ્રશ્નોમાં તેઓ અગ્રેસર રહ્યાં. સ્વાતંત્ર્ય-આંદોલનમાં પ્રભાતફેરી, રેંટિયાક્લાસ, સ્વદેશીના કાર્યક્રમો તેમજ પરદેશી માલનો બહિષ્કાર જેવી દેશદાઝની પ્રવૃત્તિઓ માટે ચારુમતીબહેને શાળાને તિલાંજલિ આપી લડતમાં ઝંપલાવ્યું. 1981માં ચારુમતીબહેનનું અવસાન થયું ત્યાં સુધી સતત તેમણે જ્યોતિસંઘમાં રહીને પાંત્રીસ હજારથી વધુ કેસોમાં સ્ત્રીઓને કૌટુંબિક કલહ, અપહરણ, બાળલગ્ન, દ્વિપત્ની, છૂટાછેડા, ત્યક્તા, મારઝૂડ, લોહીનો વેપાર, શકમંદ મૃત્યુ  એવા એવા અનેક પ્રશ્નોમાં કાયદાકીય સલાહ અને મદદથી માંડીને પોલીસ-કેસ સુધીની કાર્યવહીમાં સક્રિયતા દાખવી. પોતાની જાતને વારંવાર જોખમમાં મૂકીને પણ તેમણે અનેક મહિલાઓને તેમના અધિકારો અપાવ્યા અને સંકટના સમયમાં રક્ષણ પૂરું પાડ્યું. નારીવાદી આંદોલનો જે જમાનામાં હજુ શરૂ પણ થયાં ન હતાં એવા સમયે ચારુમતીબહેને ગાંધીવાદી વિચારને સ્ત્રી-કલ્યાણ સાથે સાંકળી ગુજરાતમાં નારીવાદી આંદોલનનો પાયો નાંખ્યો.

ગૌરાંગ જાની