યોજિમ્બો : જાપાની ચલચિત્ર. નિર્માણવર્ષ : 1961. શ્વેત અને શ્યામ. ભાષા : જાપાની. દિગ્દર્શક : અકિરા કુરોસાવા. પટકથા : અકિરા કુરોસાવા, યુજો કિકુશિમા, હિડિયો ઓગુની. છબિકલા : કાઝુઓ મિયાગાવા. સંગીત : માસારુ સાટો. કલા-નિર્દેશન અને પોશાક : યોશિરો મુરાકી. મુખ્ય કલાકારો : તોશિરો મિફ્યુન, ઇજિરો ટોનો, સિઝાબુરો કાવાઝુ, ઇસુઝુ યામાડા, તાત્યુયા નાકાડાઈ, કામાટારી ફુઝીવારા.

અમેરિકન વેસ્ટર્ન પ્રકારનાં ચિત્રોને સતત પ્રેરણા આપતા રહેલા આ જાપાની સમુરાઈ ચિત્ર પરથી હૉલિવુડમાં ‘એ ફિસ્ટફુલ ઑવ્ ડૉલર્સ’ ચિત્ર બન્યું હતું. સમુરાઈ તલવારબાજોનાં કથાનકો લઈને ચિત્રો બનાવવા માટે જાણીતા અકિરા કુરોસાવાએ આ ચિત્રમાં હિંસાનું વ્યંગ અને હાસ્ય દ્વારા નિરૂપણ કર્યું છે. બેરોજગાર સાંઝુરો (તોશિરો મિફ્યુન) સમુરાઈ તલવારબાજ છે. તે કામની તલાશમાં શહેરમાં આવે છે. તેની પાસે એક જ આવડત છે, તલવારબાજી. જે ગામમાંથી તે આવ્યો હતો ત્યાં પણ ખેડૂતો અને જુગારીઓ અને ઢોર ચોરનારાઓ વચ્ચેના સંઘર્ષમાં તેણે ખેડૂતોનો પક્ષ લીધો હતો. તે જ્યાં પહોંચે છે તે શહેર પર બે હરીફ ટોળકીઓ આધિપત્ય જમાવવા મથે છે. સાંઝુરોની કાબેલિયતની બંને ટોળીના સરદારોને જાણ થાય છે. પોતાના માણસોને તલવારના દાવપેચ શીખવવા બંને સરદારો સાંઝુરોને કામ આપવા તૈયાર થાય છે. સાંઝુરો બંને ટોળીના માણસોને તલવારબાજી શીખવવા તૈયાર થઈ જાય છે. પણ આ કામ તે એવી સિફતથી કરે છે કે અંતે બંને ટોળીઓનો તે ખાતમો બોલાવી દે છે. જે કેટલાંક જાપાની ચિત્રો દુનિયાભરમાં સફળ થઈ શક્યાં તેમાં આ ચિત્રનો પણ સમાવેશ થાય છે. હિંસાથી ભરપૂર ચિત્ર કઈ રીતે પ્રશિષ્ટ ચિત્રનો દરજ્જો પામી શકે છે તેનું આ ચલચિત્ર સુંદર ઉદાહરણ છે. પોશાકો માટે યોશિરો મુરાકીને ઑસ્કર માટે નામાંકન મળ્યું હતું. દિગ્દર્શક કુરોસાવાએ 1962માં આ ચિત્રની કથાને આગળ વધારતું ચિત્ર ‘સાંઝુરો’ બનાવ્યું હતું.

હરસુખ થાનકી