યોન્જન, જસ, ‘પ્યાસી’

January, 2003

યોન્જન, જસ, ‘પ્યાસી’ (જ. 14 ડિસેમ્બર 1949, સિરિસય ચૉંગટૉગ ટી એસ્ટેટ, જિ. દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી લેખક. નૉર્થ બૅંગૉલ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ.એ. થયા (1980). કુરસેઆગ કૉલેજના નેપાળી વિભાગના સિનિયર લેક્ચરર.

તેમણે અનુવાદક ઉપરાંત દૂરદર્શન, કુરસેઆગ (1976) અને દૂરદર્શન, ગંગટોક(1983)ના સંદેશાવાચક તરીકે કારકિર્દી શરૂ કરી. સાહિત્યિક માસિક ‘દિયાલો’ના સંપાદક. 1993–97 દરમિયાન તેમણે નૉર્થ બૅંગૉલ યુનિવર્સિટીની નેપાળી અકાદમીના સભ્ય તરીકે તથા નેપાળી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની સલાહકાર સમિતિના સભ્ય તરીકે કામગીરી કરી. કે. કે. બિરલા ફાઉન્ડેશનની ભાષાસમિતિના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે.

તેમણે છ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચિઠ્ઠી’ (1978, નવલકથા); ‘એઉટા દેશકો ખોજમા’ (1985, કાવ્યસંગ્રહ); ‘પ્યાસીકા કેહી સમાલોચન’ (1983, વિવેચન); ‘નયા સૂર્યકો પ્રતિક્ષમા’ (1994, નાટક) અને ‘બુદ્ધદેવ બસુ’ (1991, વિવરણ, અનુવાદ)નો સમાવેશ થાય છે.

તેમના સાહિત્યવિષયક સર્જન માટે તેમને  1973માં દિયાલો પુરસ્કાર; 1987માં સ્રષ્ટા પુરસ્કાર; 1994માં આપ્ટુગી પુરસ્કાર તથા ભાનુભક્ત પુરસ્કાર અને દૂરદર્શન પ્લેરાઇટ ઍવૉર્ડથી સંમાનિત કરાયા છે.

બળદેવભાઈ કનીજિયા