યોગશતક : પ્રાકૃત ભાષાની યોગવિષયક રચના. ‘યોગશતક’ આચાર્ય હરિભદ્રસૂરિએ પ્રાકૃત ભાષામાં રચેલી યોગવિષયક 100 ગાથાપ્રમાણ કૃતિ છે. તેમણે યોગવિષયક અન્ય ત્રણ કૃતિઓ ‘યોગર્દષ્ટિ-સમુચ્ચય’, ‘યોગબિંદુ’ અને ‘યોગવિંશિકા’ની રચના પણ કરી છે. તેમના યોગ-વિષયક ગ્રંથોમાં તેમણે મુખ્યત્વે ચાર બાબતો વિશે ચર્ચા કરી છે : (1) યોગમાર્ગના અધિકારી અને અનધિકારી, (2) યોગમાં અધિકાર મેળવવા માટેની પૂર્વતૈયારીનું સ્વરૂપ, (3) અધિકારીઓની યોગ્યતાનુસાર તેમનું વર્ગીકરણ, સ્વરૂપ અને અનુષ્ઠાનનું નિરૂપણ તથા (4) યોગસાધનાના ઉપાયો અને યોગભેદો.

‘યોગશતક’ના પ્રારંભમાં નમસ્કાર પછી નિશ્ચય અને વ્યવહાર યોગનું સ્વરૂપ દર્શાવતાં જણાવવામાં આવ્યું છે કે સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચારિત્રનો આત્મા સાથેનો સંબંધ એ નિશ્ચયયોગ છે. જ્યારે એ ત્રણેયનાં કારણો વ્યવહારયોગ છે. યોગના અધિકારી અને અનધિકારીનો પ્રશ્ન સાંખ્ય અને જૈન પરિભાષાના શ્લેષ દ્વારા નિરૂપાયો છે. યોગાધિકારપ્રાપ્ત સાધક માટે પરપીડા-પરિહાર, દીન-દાન, ગુરુપૂજા-સત્કાર વગેરે લૌકિક ધર્મપાલનનું નિરૂપણ છે.

ચરમાવર્તમાં રહેલા યોગાધિકારીઓનું વર્ગીકરણ તેમજ પ્રત્યેકનાં લક્ષણો પણ અપાયાં છે. જે તે અધિકારીને ઉપદેશવાના વિષયો, તેમજ તેમના અનુષ્ઠાનની વિગતો પણ આલેખાઈ છે. પ્રાપ્ત ભૂમિકાથી ઉપરની ભૂમિકાએ જવા માટે સાધકે કેટલાક સર્વસાધારણ નિયમો પાળવા અંગે તેમજ આંતર-બાહ્ય ઉપાયો વિશે તેમાં વર્ણન છે. જેમ કે સ્વ-આલોચનથી, લોકવાયકાના જ્ઞાનથી અને શુદ્ધ યોગના વ્યાપારથી પ્રવૃત્તિના ઉચિત-અનુચિતપણાનો વિવેક કરવો, ઉત્તરગુણો સ્વીકારવા, સંસારસ્વરૂપ તેમજ રાગદ્વેષ આદિ દોષોનું ચિંતન કરવું, વગેરે આંતરિક ઉપાયો અને ભયાદિરૂપ અકુશલકર્મના નિવારણ માટે ગુરુશરણ, તપ વગેરે બાહ્ય ઉપાયોનો આશ્રય લેવો. આ ઉપાયો વિકસિત ભૂમિકાએ રહેલા સાધકો માટે છે; જ્યારે અન્ય લોકોએ પ્રથમ તો શ્રુત-પાઠ, તીર્થસેવન વગેરે જેવા સ્થૂળ ઉપાયોનો આશ્રય લેવો. શાસ્ત્રના અર્થનું જ્ઞાન થયા પછી તે સાધકે રાગ, દ્વેષ, મોહ જેવા આંતર-દોષોને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવું. ચિત્તની સ્થિરતા માટે રાગ આદિ દોષોનાં વિષય અને પરિણામોનું એકાંતમાં કેવી રીતે ચિંતન કરવું તેનું વિગતે વર્ણન છે. સદવિચારને અનુરૂપ સાધકની આહારાદિ ચર્ચાનું સંક્ષેપમાં આલેખન છે; જેમાં મુખ્યત્વે સર્વસંપત્કરી ભિક્ષાનું સ્વરૂપ દર્શાવાયું છે.

આ રીતે ચિંતન અને આચરણ કરી સાધક અશુભ કર્મનો ક્ષય કરે છે અને ઉત્તરોત્તર ફળદાયી શુભકર્મને બાંધી ક્રમશ: મુક્તિ પામે છે. ‘યોગશતક’નો એ પ્રમુખ વિષય છે. ‘યોગશતક’ અભ્યાસીઓની માનીતી રચના છે.

સલોની નટવરલાલ જોશી