યોગવાસિષ્ઠ : પ્રાચીન ભારતીય અદ્વૈત વેદાન્તના તત્વજ્ઞાનનો મહત્વનો ગ્રંથ. ‘યોગવાસિષ્ઠ’ (નિર્વાણ પ્રકરણ, પૂર્વાર્ધ સર્ગ 13)માં ‘યોગ’ શબ્દના બે અર્થો આપેલા છે : (1) આત્મજ્ઞાનરૂપ યોગ; અને (2) પ્રાણના નિરોધરૂપ યોગ. આ બંને અર્થોવાળા યોગથી યુક્ત વસિષ્ઠે રામને આપેલો બોધ તે ‘યોગવાસિષ્ઠ’ બોધ, અને બોધના પ્રાધાન્યવાળો ગ્રંથ તે યોગવાસિષ્ઠ. વળી, રામચરિતને વર્ણવતા પ્રસિદ્ધ રામાયણને પૂર્વરામાયણ અને યોગવાસિષ્ઠને ઉત્તર રામાયણ પણ કહે છે. યોગવાસિષ્ઠમાં છ પ્રકરણો છે : વૈરાગ્ય (સર્ગ 33), મુમુક્ષુવ્યવહાર (સર્ગ 20), ઉત્પત્તિ (સર્ગ 122), સ્થિતિ (સર્ગ 62), ઉપશમ (સર્ગ 93) અને નિર્વાણ પ્રકરણ (પૂર્વાર્ધ સર્ગ 128 અને ઉત્તરાર્ધ સર્ગ 216 = 344). પ્રસિદ્ધ પૂર્વરામાયણમાં 24 હજાર પદ્યો છે તેમ યોગવાસિષ્ઠમાં 32 હજાર પદ્યો છે (છતાં ક્યાંક ગદ્ય પણ આવે છે; જેમ કે, ત્રીજા ઉત્પત્તિ પ્રકરણ 116–7 પછી સંસ્કૃત ગદ્ય આવે છે).

અર્વાચીન વિદ્વાન શ્રી સુરેન્દ્રનાથ દાસગુપ્ત ‘યોગવાસિષ્ઠ’ને વાલ્મીકિકૃત માનતા નથી. (કુમારસંભવ 4–39 અને યોગવાસિષ્ઠ 3–16–50 આ બંને) પદ્યોના સામ્યને આધારે શ્રી દાસગુપ્ત યોગવાસિષ્ઠના કર્તાને કાલિદાસ પછી(ઈ. સ. 700–800માં) મૂકે છે. આ વિસ્તૃત દાર્શનિક કાવ્ય યોગવાસિષ્ઠનો સમાવેશ તેઓ પુરાણમાં કરે છે, પણ પુરાણનાં લક્ષણો આ ગ્રંથમાં મળતાં નથી. આમ છતાં પ્રાચીન પરંપરા અને ‘યોગવાસિષ્ઠ’ ગ્રંથનું પ્રારંભિક નિરૂપણ આ ગ્રંથને વાલ્મીકિરચિત કહે છે. (વૈરાગ્ય પ્રક. 1, સર્ગ 2). આ ગ્રંથનો વિષય અદ્વૈત વેદાંતનું તત્વજ્ઞાન છે. અદ્વૈત વેદાંતના અત્યંત ગહન તત્વજ્ઞાનને, રસપૂર્ણ વાર્તાઓ દ્વારા સમજાવનારો આ યોગવાસિષ્ઠ ગ્રંથ ખરેખર અપૂર્વ છે. આ ગ્રંથનો અધિકારી પૂર્ણ જ્ઞાની કે પૂર્ણ અજ્ઞાની નથી; પરંતુ જેને એમ લાગે કે હું બંધાયેલો છું અને હું છૂટો થાઉં તેને માટે છે. જેમ પૂર્વમીમાંસાનાં કર્મો યજ્ઞ, દાનાદિ દ્વારા ચિત્તશુદ્ધિ થયા પછી, ઉત્તરમીમાંસા –  બ્રહ્મસૂત્ર ભણવાનો અધિકાર મળે છે, તેમ પ્રસિદ્ધ પૂર્વરામાયણના અભ્યાસ દ્વારા ચિત્તશુદ્ધિ થયા બાદ, ઉત્તર રામાયણ–યોગવાસિષ્ઠ વાંચવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

અગસ્તિ મુનિ સુતીક્ષ્ણ નામના બ્રાહ્મણને કર્મ અને જ્ઞાન બંને દ્વારા પરમપદની પ્રાપ્તિ થાય છે એમ જણાવે છે. વળી વેદમાં ફક્ત ત્યાગ વડે જ અમૃત તત્ત્વ મળે છે અને ‘સંધ્યા’, અગ્નિહોત્ર વગેરે કર્મો જીવે ત્યાં સુધી કરવાં એમ પણ કહ્યું છે, તેથી સંધ્યાદિ કર્મનો ત્યાગ કરનારા કારુણ્ય નામના મુનિને સુરુચિ નામની અપ્સરાએ અરિષ્ટનેમિ નામના રાજર્ષિની વાત કહી. સ્વર્ગમાં ન જવા ઇચ્છતા રાજર્ષિ અરિષ્ટનેમિની વાત અપ્સરા સુરુચિને ઇન્દ્રના દૂતે કહેલી. અંતે ઇન્દ્રે અરિષ્ટનેમિને મહર્ષિ વાલ્મીકિ પાસે જઈ મોક્ષપ્રાપ્તિનો ઉપાય જાણવાનું કહેવાથી તેમણે વાલ્મીકિને આ ઉપાય પૂછ્યો. પરિણામે વાલ્મીકિએ સનત્કુમારના શાપથી અજ્ઞાની બનેલા વિષ્ણુરૂપ રામને ગુરુ વસિષ્ઠે જે ઉપદેશ આપેલો તે અરિષ્ટનેમિને કહ્યો. આમ વસિષ્ઠે રામને આપેલો ઉપદેશ ‘યોગવાસિષ્ઠ’ નામના ગ્રંથમાં રજૂ થયો છે. ‘યોગવાસિષ્ઠ’ ગ્રંથ છ પ્રકરણોનો બનેલો છે.

પ્રથમ ‘વૈરાગ્ય’ પ્રકરણ છે. તેમાં 1,500 પદ્યો છે. પૂર્વે નિર્દેશ કર્યો છે તેમ, ‘યોગવાસિષ્ઠ’નો મુખ્ય સંવાદ વસિષ્ઠ અને રામની વચ્ચે થાય છે. આ સંવાદને વાલ્મીકિ પ્રથમ ભારદ્વાજને અને પછી રાજા અરિષ્ટનેમિને કહે છે. આ જ સંવાદ ઇન્દ્રદૂત, સુરુચિ અપ્સરાની સમક્ષ વર્ણવે છે. વળી, આ જ સંવાદને અગ્નિવેશ્ય પોતાના પુત્ર કારુણ્યને કહે છે અને અગસ્તિ મુનિ આ જ સંવાદને સુતીક્ષ્ણ નામના બ્રાહ્મણને કહે છે. તેમાં વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી રામ પિતા દશરથની અનુજ્ઞા લઈને ભાઈઓ સાથે તીર્થાટન કરતાં કરતાં જગતનું બરાબર નિરીક્ષણ કરીને અયોધ્યામાં પાછા ફર્યા. નગરમાં મહોત્સવ ઊજવાયો. રામ આનંદથી પોતે જોયેલા લોકાચારનું લોકોની સમક્ષ વર્ણન કરતા હતા, પરંતુ થોડા સમય બાદ રામને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેઓ ઉદાસીન બની ગયા. સ્નાનાદિ ક્રિયાઓ પણ કોઈક યાદ અપાવે ત્યારે કરતા. દશરથે વસિષ્ઠને રામની ઉદાસીનતા દૂર કરવાનો ઉપાય શોધવા કહ્યું. આ સમયે વિશ્વામિત્રે અયોધ્યામાં આવીને રાક્ષસોથી યજ્ઞનું રક્ષણ કરવા રામને પોતાની સાથે મોકલવા દશરથને વિનંતી કરી. પુત્ર અત્યંત વહાલો હોવાથી રાજાએ રામને મોકલવાની ના પાડી. વિશ્વામિત્રે રામને સભામાં બોલાવ્યા અને ચિંતાનું કારણ પૂછ્યું. રામ ઉત્તર રૂપે પોતાને ઉત્પન્ન થયેલા વિવેક અને વૈરાગ્યનું વર્ણન કરવા લાગ્યા. આ જગતમાં મનુષ્ય મરવા માટે જન્મે છે. મનુષ્ય આભાસી સુખની વાસનાઓથી ખેંચાઈને સુખ માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેને ક્યાંય સાચું સુખ મળતું નથી. રામ બાલ્ય, તારુણ્ય અને વાર્ધક્ય અવસ્થાઓના દોષો વર્ણવે છે. સ્ત્રી અને સંપત્તિથી મળતાં આભાસી સુખોની નિંદા કરે છે. વસિષ્ઠ, વિશ્વામિત્ર વગેરે સભામાં બેઠેલા મહાત્માઓને પોતાને બોધ આપવા રામ વિનંતી કરે છે. આમ આ પ્રથમ પ્રકરણમાં રામને થયેલા વૈરાગ્યનું નિરૂપણ છે. અહીં એવું સૂચન જણાય છે કે જ્યાં સુધી સંસારનાં સુખો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી મનુષ્ય આત્મજ્ઞાનનો અધિકારી બનતો નથી.

બીજા ‘મુમુક્ષુવ્યવહાર’ નામના પ્રકરણમાં 1,000 પદ્યોમાં પ્રથમ વિશ્વામિત્ર, જનક રાજા પાસે ઉપદેશ લેવા ગયેલા શુકદેવનો વૃત્તાંત વર્ણવે છે અને પછી વસિષ્ઠને રામને બોધ આપવાનું કહે છે. વસ્તુત: અહીંથી વસિષ્ઠ અને રામનો સંવાદ પ્રારંભાય છે. વસિષ્ઠ કહે છે કે પરમાત્મારૂપી અનંત ચૈતન્યસમુદ્રમાંથી અનંતકોટિ બ્રહ્માંડો જન્મે છે અને લીન થયાં કરે છે. સંસારનાં દુ:ખોમાંથી, વાસનાઓમાંથી જેને છૂટવાની ઇચ્છા છે તેણે મહાપુરુષાર્થ કરવો જોઈએ. એક જ ક્રિયાને વારંવાર કરવી તે અભ્યાસ, અને પુરુષાર્થ દ્વારા ઉત્સાહી માનવ વાસનાઓના ધસમસતા પ્રવાહમાંથી બહાર નીકળી શકે છે. વાસનાઓને જીતવાનાં ચાર સાધનો છે : (1) શમ : શુભ-અશુભની પ્રાપ્તિથી હર્ષ કે શોક ન કરવો તે સ્થિતિને શમ (શાંતિ) કહે છે; (2) વિચાર : ‘હું કોણ છું ?’, ‘આ સંસારનું સાચું સ્વરૂપ કેવું છે ?’ – આવો વિચાર કરવાથી બુદ્ધિ તીક્ષ્ણ બને છે; (3) સત્સંગ : ઉત્તમ ચારિત્ર્યવાળા સાધુપુરુષનો સંગ એ સાચા માર્ગને બતાવનારો દીવો છે; (4) સંતોષ : કોઈ પણ સ્થિતિમાં મનને દીન ન થવા દેવું તે સંતોષ છે.

ત્રીજા ‘ઉત્પત્તિ’ નામના પ્રકરણમાં 7,000 પદ્યોમાં કહ્યું છે કે જે મનુષ્ય માને છે કે હું ઉત્પન્ન થયો છું, તે જ વૃદ્ધિ પામે છે અને સ્વર્ગ કે નરક કે મોક્ષ મેળવે છે. ચૈતન્યને–આત્માને ઉત્પત્તિ સાથે કોઈ સંબંધ નથી. જે ઉત્પત્તિને માને છે તેને જ બંધ-મોક્ષ થાય છે. મનમાંથી આ ર્દશ્ય જગત અને દ્રષ્ટા જન્મે છે. મન શાંત થઈ જાય કે મનોનાશ થાય તો ર્દશ્ય જગત અને દ્રષ્ટા જીવ અર્દશ્ય થઈ જાય છે. ‘હું બ્રહ્મ નથી’ – એમ સંકલ્પ કરતાં બંધન થાય છે અને ‘હું ચૈતન્યરૂપ અનંત સમુદ્રથી ભિન્ન નથી’ એમ ર્દઢ સંકલ્પ કરતાં જીવન્મુક્ત થવાય છે. મનને બહિર્મુખ થવા દો તો સૃષ્ટિ દેખાય અને મનને અંતર્મુખ કરો તો સૃષ્ટિ દેખાતી બંધ થાય. આ સિદ્ધાંતને વેદાંતમાં ર્દષ્ટિસૃષ્ટિવાદ કહે છે. કર્મ કરવાથી મનુષ્ય કર્તા કહેવાય છે અને કોઈક કર્તા બને ત્યારે કર્મ રચાય છે. આમ બીજાંકુર ન્યાય પ્રમાણે ચાલ્યા કરે છે (3–95–20). કાગડાનું તાલવૃક્ષ પર બેસવું અને એ જ ક્ષણે તાલફળનું પડવું એવા કાકતાલીય ન્યાયથી (અકસ્માત્) અસીમ ર્દગ્ કે ર્દષ્ટિરૂપ ચૈતન્ય કે ચિતિ શ્ય અને દ્રષ્ટારૂપ બને છે; અને ત્યારે તેનાં ચિત્ત, બુદ્ધિ એવાં પર્યાય-નામો પડે છે (3–96–15). અંધારાને લીધે દોરડામાં સાપનો ભ્રમ થાય અને પ્રકાશ થતાં દોરડાનું સાચું જ્ઞાન થાય ત્યારે સાપ આપોઆપ અર્દશ્ય થઈ જાય છે, તેમ આત્મજ્ઞાન અનુભવમાં આવતાં, ચૈતન્યમાં ભ્રમથી દેખાતું જગત અર્દશ્ય થઈ જાય છે. ર્દગ્ કે ર્દષ્ટિ એ જ ચૈતન્યનું સાચું સ્વરૂપ છે; દ્રષ્ટા અને ર્દશ્ય એ ભ્રાંતિથી દેખાતા વિભાગ છે. આ ઉત્પત્તિ પ્રકરણ(સર્ગ 117 અને 118)માં અજ્ઞાનની અને જ્ઞાનની સાત સાત ભૂમિકાઓ વર્ણવેલી છે.

ચોથા ‘સ્થિતિ’ નામના પ્રકરણનાં 3,000 પદ્યોમાં કહે છે કે મનના સંકલ્પથી જ જગતની સ્થિતિ ટકી રહેવાનું થાય છે. સ્વરૂપ-સ્થિતિ ભુલાય અને મોહ થાય ત્યારે મન કર્તા બને છે અને એમ બનવું એ જ જગતની સ્થિતિનું કારણ છે. દેહ એ હું છું એમ માનવાથી સંસાર ઊભો થાય છે. કર્તાભોક્તા એ સર્વપદાર્થોથી હું જુદો છું. વાળના અગ્ર ભાગના હજારમા ભાગ જેટલો હું સૂક્ષ્મ છું – આમ નિશ્ચય થતાં જ મનુષ્ય સુખદુ:ખથી મુક્ત થાય છે. જે સાધક પરાર્દષ્ટિને  ઉત્તમ ભાવને પામેલો હોય તેને ભોગની ઇચ્છા થતી નથી. સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે એવું જ્ઞાન આપતા પહેલાં શિષ્યને, શમ (મન:સંયમ), દમ (ઇન્દ્રિયસંયમ) વગેરે ગુણોને તેના આચરણમાં મુકાવીને શુદ્ધ કરવો જોઈએ. અજ્ઞાની શિષ્યને વ્યાપકતાનો બોધ આપવાથી અનર્થ થાય છે.

પાંચમા ‘ઉપશમ’ નામના પ્રકરણનાં 5,000 પદ્યોમાં કહ્યું છે કે મનોમય જગતને શાંત કરવા – જગતનો ઉપશમ કરવા મનને શાસ્ત્ર, વૈરાગ્ય અને સંતોના સંગ દ્વારા શુદ્ધ કરવું. ગુરુએ બતાવેલા માર્ગે સગુણ ઈશ્વરનું પૂજન કરવું. શરીરનું બીજ ચિત્ત છે અને ચિત્તનું બીજ પ્રાણચલન તથા વાસના છે. તેથી પ્રાણાયામાદિ કરવાથી અને વાસનાત્યાગથી ચિત્તનો ઉપશમ થાય છે. સુખ-દુ:ખનું અનુસંધાન ન થાય ત્યારે ચિત્તને શાંત થયેલું સમજવું. આપત્તિ કે સંપત્તિ, માંદગી કે મહોત્સવ જેના મુખવર્ણને બદલી ન શકે ત્યારે ચિત્તનો ઉપશમ થયો જાણવો. આ રીતે જીવતાં જીવતાં જ મુક્ત બનેલાના ચિત્તને સત્વ કહે છે. જીવન્મુક્ત મનુષ્ય બાળકોની સાથે બાળક, વૃદ્ધોની સાથે વૃદ્ધ, યુવાનોની સાથે યુવાન અને દુ:ખીજનોની સાથે દુ:ખી બની જાય છે. મનોનાશ, વાસનાક્ષય અને તત્વસાક્ષાત્કાર પરસ્પરનાં સહચારી છે. એક આવે એટલે બીજું હાજર થાય. તૃષ્ણા નામની વનની કૂતરી મનરૂપી દરમાં છુપાઈને રહે છે. તૃષ્ણાથી આઘાત પામેલો મનુષ્ય દીન, ઓજોહીન, સ્વરૂપ ભૂલેલો મૂઢજન ઘોંઘાટ કરે, રડે અને પડે. તૃષ્ણા કાળી નાગણ જેવી છે તેથી વિચાર દ્વારા જે મનુષ્યે જરાક પણ સ્વચિત્તને કાબૂમાં લીધું તેણે મનુષ્યજન્મનું ફળ મેળવી લીધું.

છઠ્ઠા ‘નિર્વાણ’ નામના પ્રકરણમાં 14,500 પદ્યો છે. તેમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગ છે. આ પ્રકરણમાં કહ્યું છે કે બ્રહ્મ, જીવ, મન, દેહ અને જગત – આ બધું વસ્તુત: એક જ છે. ચિત્તનિર્વાણને પામેલો મનુષ્ય જે કાર્યો આવી પડે તેમને નિષ્કામ ભાવે કરતો રહે છે. વાસનાનો ક્ષય કરવા પ્રાણનિરોધ કરવો જોઈએ. ચૈતન્યમાત્રનું અનુસંધાન કરવું એ જ સર્વોત્તમ પૂજન છે. શિષ્ય પર કૃપા કરીને તેના દેહમાં કુંડલિનીનું, ષટ્ચક્રના ભેદ દ્વારા બ્રહ્મરંધ્રમાં રહેલા પરમ શિવની સાથે મિલન કરાવી આપે તે સાચો ગુરુ કહેવાય. વળી, આ પ્રકરણમાં આ ગ્રંથના અભ્યાસ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ ગ્રંથનાં આખ્યાનોનું વેદની જેમ નિત્ય અધ્યયન કરવું. જીવનમાં સમભાવ કેળવવો. જનકરાજાએ નગરી બળી જવાના સમયે અને ઉત્સવના પ્રસંગે સમભાવ રાખ્યો હતો. તત્વજ્ઞ પુરુષે ન તો મરવાની કે ન તો જીવવાની ઇચ્છા કરવી અને યથાપ્રાપ્ત વ્યવહાર કરતા રહેવું. ઉપદેશના અંતે રામે વસિષ્ઠને કહ્યું કે ‘મારો મોહ નષ્ટ થયો છે, હું વ્યવહારનાં કાર્યો કરીશ અને છતાં વ્યવહારના સંપર્કથી થતા સંતાપથી દૂર રહીશ.’

‘યોગવાસિષ્ઠ’ પરની ટીકાઓમાં અદ્વયાનંદની ‘વાસિષ્ઠ રામાયણ- ચન્દ્રિકા’, આનંદબોધેન્દ્ર સરસ્વતીની ‘તાત્પર્યપ્રકાશ’ ટીકા, ‘રામદેવ અને સદાનંદ’ની સંસ્કૃતમાં લખાયેલી ટીકાઓ ઉપલબ્ધ છે. ‘યોગવાસિષ્ઠ તાત્પર્યસંગ્રહ’ નામની પણ એક ટીકા છે. માધવ સરસ્વતીએ ‘પદચંદ્રિકા’ ટીકા લખી છે. આ ‘યોગવાસિષ્ઠ’ ગ્રંથના કેટલાક સંક્ષેપો પણ મળે છે, ‘બૃહદ્યોગવાસિષ્ઠ’, ‘લઘુયોગવાસિષ્ઠ’, ‘યોગવાસિષ્ઠશ્લોકા:’, ‘યોગવાસિષ્ઠસંક્ષેપ’, ‘યોગવાસિષ્ઠસાર’ વગેરે. આ ટીકાઓ ઉપર અનુટીકાઓ પણ મળે છે. આ વિપુલ સંસ્કૃત ટીકાસાહિત્યને જોતાં, અદ્વૈત વેદાંતની પરંપરાના સાહિત્યમાં ‘યોગવાસિષ્ઠ’ ગ્રંથની ઉપાદેયતા સમજાય છે. હાલ મહા. વાસુદેવ લક્ષ્મણ પણશીકરે સંપાદિત કરેલો ‘તાત્પર્યપ્રકાશ’ ટીકા સહિત ‘યોગવાસિષ્ઠ’ ગ્રંથ પ્રાપ્ય છે.

વળી, આ ‘યોગવાસિષ્ઠ’ ગ્રંથના અનેક ભાષાઓમાં અનુવાદો થયેલા છે. આ ગ્રંથનું પ્રથમ ગુજરાતી ભાષાંતર મુંબઈના પ્રસિદ્ધ વૈદ્યરાજ પ્રભુરામ જીવનરામે કર્યું હતું. આ જ ભાષાંતરની આવૃત્તિને, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે બે ભાગોમાં પ્રકાશિત કરી. આ ગ્રંથનો અનુવાદ પંજાબી ભાષામાં પણ થયો હતો. પં. ઠાકુરપ્રસાદ શર્માએ, મૂળ સંસ્કૃત પાઠ સાથે, હિન્દીમાં અનુવાદ કરેલ છે. કોલકાતા(કલકત્તા)ના બિહારીલાલ મિત્રે આ ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ કરેલ છે. આ ‘યોગવાસિષ્ઠ’ ગ્રંથનો ફારસી ભાષામાં પણ અનુવાદ થયેલો છે. તદુપરાંત વિદ્યારણ્યસ્વામીએ ‘જીવન્મુક્તિવિવેક’માં અને શ્રી નીલકંઠે મહાભારતની ટીકામાં આ ગ્રંથનો મહિમા ગાયો છે.

અદ્વૈત વેદાંતના ગહન તત્વજ્ઞાનને, આટલાં બધાં આખ્યાનો, ર્દષ્ટાંતો અને તર્કો-યુક્તિઓ દ્વારા સ-રસ રીતે પ્રતિપાદિત કરનારો, ‘યોગવાસિષ્ઠ’ ગ્રંથ એક અપૂર્વ ગ્રંથ છે.

લક્ષ્મેશ વ. જોશી