યોગરાજ ગૂગળ : એક આયુર્વેદિક ઔષધિ. ‘યોગરાજ ગૂગળ’ના વિવિધ અનેક પાઠ જોવા મળે છે. જેમાં ભસ્મો ઉમેરી હોય તે ‘મહાયોગરાજ’ અને જેમાં ભસ્મો ન હોય તે ‘લઘુયોગરાજ’. લઘુયોગરાજના પણ ‘આયુર્વેદ નિબંધમાળા’ કે ‘રસતંત્રસાર’નો પાઠ તથા ‘આર્યભિષક્’માં આપેલ ‘બોપદેવશતક’વાળો એમ બે પાઠ છે. અત્રે બોપદેવશતકનો ‘આર્યભિષક્’માં આપેલ પાઠ આપ્યો છે. આ ‘લઘુયોગરાજ’નો પાઠ ‘મહાયોગરાજ’ કરતાં વધુ સૌમ્ય હોઈ બધાંને નિર્ભયતાથી આપી શકાય છે.

પાઠદ્રવ્યો : વાવડિંગ, ધાણા, હિંગ, ગજપીપર, કાળી પાટ, જીરું, અતિવિષ, લીંડીપીપર, પીપરીમૂળ, ચવક, ચિત્રકમૂળ, સૂંઠ, અજમોદ, મોરવેલ, વજ, રેણુકબીજ (નગોડનાં બીજ), કપિલો, ભારંગમૂળ, ઇંદ્રજવ, ધોળો સરસડો તથા કડુ – આ બધી સામગ્રી સમાન વજને લઈ ચૂર્ણ બનાવાય છે. તેના વજનથી બમણું ત્રિફળા ચૂર્ણ ઉમેરવામાં આવે છે. તેના કુલ વજનથી ત્રણગણો શુદ્ધ કરેલો ગૂગળ લેવાય છે.

રીત : પ્રથમ ખાંડણીમાં ગૂગળ નાખી, તેમાં થોડું થોડું ચોખ્ખું ઘી નાખી તેને ખૂબ ખાંડવામાં આવે છે. ગાંગડા ટિપાઈ જાય  તે નરમ પડે પછી તેમાં થોડું થોડું તૈયાર ચૂર્ણ ઉમેરતા જઈ, ખાંડવામાં આવે છે. એમ 3 દિવસ સુધી ગૂગળમાં ઘી તથા ચૂર્ણ નાંખી, ખાંડીને બધું એક રસ કરીને વટાણા જેવડી ગોળીઓ બનાવાય છે.

માત્રા : દર્દીને દરરોજ 2થી 4 ગોળી દિનમાં બે વાર રોગાનુસાર અનુપાન સાથે અપાય છે.

અનુપાન : યોગરાજ ગૂગળની ગોળીઓ વાયુદોષનાં તમામ દર્દોમાં મહારાસ્નાદિ ક્વાથ સાથે, ઉદર(પેટ)રોગમાં પુનર્નવાદિ ક્વાથ સાથે, નેત્રરોગમાં ત્રિફળાના ઉકાળા સાથે, કમળામાં ગોમૂત્ર સાથે, સોજામાં પુનર્નવાદિ ક્વાથ કે ગાયના મૂત્ર સાથે, શ્વેતકુષ્ઠ(સફેદ ડાઘ)માં લીમડાના ઉકાળા સાથે, શૂળમાં મૂળાના રસ કે ગરમ પાણી સાથે અને ઉંદરના ઝેરમાં પાટલાના મૂળના ઉકાળા સાથે આપવી વધુ લાભપ્રદ છે.

ઉપયોગ : વાયુ અને કફદોષપ્રધાન દર્દોમાં યોગરાજ ગૂગળ આયુર્વેદમાં ખૂબ વપરાતી ઔષધિ છે. તેના નિયમિત ઉપયોગથી 80 જાતના વાતરોગ, આમવાત, મૃગી (વાઈ), વાતરક્ત (ગાઉટ), કોઢ, દુષ્ટવ્રણ, હરસ-મસા, ઉદરરોગ  ખાસ કરી કબજિયાત, પ્રમેહ, શુક્રદોષ, નાભિશૂળ, કૃમિ, હૃદરોગ, ક્ષય, ભગંદર અને ઉદાવર્ત જેવા અનેક રોગો અનુપાનભેદથી મટે છે. આ દવાનું 2થી 3 માસ કે જૂના રોગમાં વધુ સમય સેવન કરવાથી લાભ થાય છે. જૂના રોગમાં દવાની ગોળી 2 ના બદલે 3થી 4 પણ લઈ શકાય. આ દવા સૌમ્ય હોઈ નાજુક પ્રકૃતિના કે ગરમીની તાસીરવાળાને તથા બાળકોને પણ નિર્ભયતાથી આપી શકાય છે. આ દવા લેતાં જો કોઈને ગરમીની અસર જણાય તો દવાની ગોળીઓ દૂધ સાથે લેવી હિતાવહ છે.

જેમની પિત્તની પ્રકૃતિ હોય, મોંમાં છાલાં હોય, આંખો કે પેશાબમાં બળતરા હોય અને ગરમીનાં અન્ય દર્દો હોય તેમણે યોગરાજ ગૂગળ ન લેવો જોઈએ.

 બળદેવપ્રસાદ પનારા