યેન્સન, યોહાન્નેસ વિલ્હેમ (Johanness Vilhem Jensen) (જ. 20 જાન્યુઆરી 1873, ફાર્સ, ડેન્માર્ક; અ. 25 નવેમ્બર 1950, કોપનહેગન, ડેન્માર્ક) : ડેનિશ નવલકથાકાર, કવિ, નિબંધકાર અને અનેક પૌરાણિક કથાઓના લેખક. યેન્સનને તેમની અદભુત કાવ્યાત્મક કલ્પનાશક્તિ તેમજ એ સાથે વિશાળ વ્યાપ ધરાવતી બૌદ્ધિક જિજ્ઞાસા અને તાજગીપૂર્ણ સર્જનાત્મક શૈલી માટે 1944નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
યેન્સન એક ખેડૂત અને પશુચિકિત્સકના પુત્ર હતા. તેઓ 1893માં કથૅડ્રલ સ્કૂલ, વિબૉર્ગ, ડેન્માર્કમાંથી સ્નાતક થયા. ત્યારપછી યુનિવર્સિટી ઑવ્ કોપનહેગનમાં ત્રણ વર્ષ મેડિસિનનો અભ્યાસ કર્યો. પોતાના ખર્ચને પહોંચી વળવા માટે તેમણે લેખનપ્રવૃત્તિ શરૂ કરેલી. એ પછી આગળ અભ્યાસ કરવાને બદલે તેમણે સાહિત્યસર્જન કરવાનું પસંદ કર્યું. તેમની સાહિત્યિક, કારકિર્દીની શરૂઆત તેમની Himmerland Stories- (1898-1910)ના પ્રકાશનથી શરૂ થઈ. તેમાં તેમના જન્મસ્થળ ડેન્માર્કમાં લખાયેલી શ્રેણીબદ્ધ વાર્તાઓ છે. તેમની વાર્તાઓ ત્રણ જૂથમાં છે : હિમરલૅન્ડની વાર્તાઓ, તેમના ફાર ઈસ્ટના પ્રવાસોની વાર્તાઓ, જેને તેઓ Denmark’s Kipling કહેતા તેમજ 100 વાર્તાઓ ‘Miths’ના શીર્ષક નીચે પ્રગટ કરી હતી જે 1907-1945 દરમિયાન 9 ભાગમાં પ્રકાશિત થઈ હતી.
1900 અને 1901 દરમિયાન તેમણે તેમની પ્રથમ શ્રેષ્ઠ કૃતિ The Fall of the King’ નામે લખી. જે કિંગ ક્રિશ્ચિયન-IIને કેન્દ્રમાં રાખીને લખેલી ઐતિહાસિક જીવનચરિત્રાત્મક નવલકથા છે. તેમાં સોળમી સદીના લોકમાનસનું પણ આલેખન છે. ત્યારપછી તેમના યુનાઇટેડ સ્ટેટ્સના પ્રવાસને પરિણામે Maolame d Ora (1904) અને The Wheel (1905) પ્રવાસગ્રંથો પ્રકાશિત થયા.
1906માં યેન્સને એક મહત્વની સાહિત્યિક સિદ્ધિ હાંસલ કરી. તેમની કવિતાનો સંગ્રહ Digte 1904-41 પ્રકાશિત થયો. તેમના આ સંગ્રહએ ડેનિશ સાહિત્યમાં ગદ્ય-કવિતાઓનો પરિચય કરાવ્યો. તેમની કવિતાઓ સરળ શૈલીમાં સાદગીપૂર્ણ રીતે સૂક્ષ્મ વિષયવસ્તુની રજૂઆત કરે છે. આ ઉપરાંત યેન્સને કવિતાઓ, નાટકો, માનવવંશશાસ્ત્ર અને ઉત્ક્રાંતિના તત્વજ્ઞાનવિષયક નિબંધો પણ લખ્યાં છે.
યેન્સને ઉત્ક્રાંતિના સિદ્ધાંતને તેમની છ-ક્રમિક નવલકથાઓમાં નિરૂપ્યો છે. જે અંગ્રેજીમાં The Long Journey (1908-22) શીર્ષકથી 2 ખંડોમાં 1938માં પ્રકાશિત થઈ હતી. તેમની આ નવલકથાઓ અત્યંત મહત્વાકાંક્ષી પૌરાણિક મહાકાવ્ય સમાન છે. પ્રાચીન સમયમાં માનવીના ઉદભવથી શરૂ કરીને કોલંબસની અમેરિકાની શોધને આવરી લેતી આ કથામાં કલાપ્રેમી નૃવંશવિજ્ઞાનીની કલ્પના અને કૌશલ્યનો પરિચય મળે છે.
ઊર્મિલા ઠાકર