યેનિસે (Yenisei) (નદી)

January, 2003

યેનિસે (Yenisei) (નદી) : સાઇબીરિયામાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 71° 50´ ઉ. અ. અને 82° 40´ પૂ. રે. તે જેનિસે (Jenisei) નામથી પણ ઓળખાય છે. આ નદી દક્ષિણ સાઇબીરિયાના સાયન પર્વતોમાંથી નીકળી ઉત્તર તરફ 4,093 કિમી.ના અંતર સુધી વહે છે અને આર્ક્ટિક મહાસાગરને મળે છે. જ્યાં તે મહાસાગરને મળે છે ત્યાં તે ઓબ્રના અખાતથી પૂર્વમાં આશરે 320 કિમી.ના અંતરે નદીનાળ પ્રદેશ રચે છે. નદીનાળમાં પાણી ભરાયેલાં રહેતાં હોવાથી તેના ઉપરવાસ તરફ 640 કિમી. અંતરે આવેલા ઇગાર્કા બંદર સુધી જહાજો અવરજવર કરી શકે છે. ઇગાર્કા બંદર લાકડાના પીઠા માટે જાણીતું છે.

1960ના દાયકાની શરૂઆતના ગાળા દરમિયાન તત્કાલીન સોવિયેત સરકારે ક્રાસ્નોયાર્સ્ક નજીક મોટું જળવિદ્યુત-મથક બાંધ્યું છે. અહીં નદીને વીંધીને જતા રેલમાર્ગની સગવડ પણ મળી રહે છે. તેના પીઠપ્રદેશમાં મળતાં લાકડાં, કોલસો, સોનું અને ગ્રૅફાઇટ નદીકિનારે લઈ જવાય છે. 1980માં સાયન-શુશેન્સ્ક બંધ તેમજ મોટું જળવિદ્યુત-મથક બાંધ્યાં છે. આ સ્થળ માગોલિયાની સરહદ પર આવેલું છે.

જાહ્નવી ભટ્ટ