યેદીન, પિગેલ (જ. 21 માર્ચ 1917, જેરૂસલેમ; અ. 1984) : ઇઝરાયલના પુરાતત્વવિજ્ઞાની અને લશ્કરી આગેવાન. 1949થી ’52 દરમિયાન ઇઝરાયલના સંરક્ષણ સેનાદળના જનરલ સ્ટાફના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો.
ત્યારબાદ હીબ્રુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1945માં એમ.એ. અને 1955માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1959માં ત્યાં જ પુરાતત્વ-વિજ્ઞાનના પ્રોફેસર તરીકે નિમાયા. ઇઝરાયલમાં તેમણે કેટલાંક ઉત્ખનન-સંશોધન કાર્યો પાર પાડ્યાં. તેમાં ‘હેઝર’ (1955–62), ‘ડેડ સી કેવ્ઝ’ (1960–61) અને ‘મૉસદા’ (1963–65) મહત્વનાં છે. ‘ડેડ સી સ્ક્રોલ્સ’ અંગેના તેમના સંશોધનકાર્યથી તેમને વિશેષ પ્રસિદ્ધિ મળી. ‘ધ મેસેજ ઑવ્ ધ સ્ક્રોલ્સ’ (1957) તેમની ખંતીલી વિદ્વત્તાની પ્રતીતિ કરાવે છે.
1956માં તેમને બૉરિયૅટ ઑવ્ ઇઝરાયલ પ્રાઇઝ અને 1964માં રૉથ્સચાઇલ્ડ હ્યૂમૅનિટિઝ પ્રાઇઝ મળ્યાં હતાં.
પુરાતત્વવિષયક સાહસસંશોધન વિશેની તેમની અન્ય કૃતિઓ છે ‘ધી આઇ ઑવ્ વૉરફેર ઇન બિબ્લિકલ લૅન્ડ્ઝ ઇન ધ લાઇટ ઑવ્ આર્કિયોલૉજિકલ ડિસ્કવરી’ (2 ગ્રંથ) (1963), ‘હૅઝર, ધ રિડિસ્કવરી ઑવ્ અ ગ્રૅટ સિટેડલ ઑવ્ ધ બાઇબલ’ (1975) તથા ઇસ્ટર્નના સહયોગમાં લખેલ ‘જેરૂસલેમ રિવીલ્ડ’ (1976).
મહેશ ચોકસી