યૅલો, રોઝાલિન (જ. 19 જુલાઈ 1921, બ્રૉન્ક્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સન 1977ના નોબેલ પારિતોષિકનાં રૉજર ચાર્લ્સ લુઈ ગિલેમિન તથા ઍન્ડ્રૂ વિક્ટર સ્કેલી સાથેનાં વિજેતા. ઇન્સ્યુલિન જેવા પેપ્ટાઇડ અંત:સ્રાવોના વિકિરણસંલગ્ન પ્રતિરક્ષી આમાપન(radio-immuno assay, RIA)ના કરેલા સંશોધન માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું.
મૂળ પરમાણુનાભિલક્ષી ભૌતિકવિદ્યા(nuclear physics)નાં નિષ્ણાત એવાં આ સન્નારીને વિકિરણ-સમસ્થાનિકો(radio-isotopes)ના અભ્યાસમાં રસ હોવાને કારણે તેઓ સન 1972માં પરમાણુનાભિલક્ષી આયુર્વિજ્ઞાન (nuclear medicine) માટેના ઉપવિભાગમાં જોડાયાં. તેમણે તેમના સહકાર્યકર સૉલોમન બર્સન સાથે બે દાયકા સુધી બ્રૉન્ક્સ વેટેરન્સ એડ્મિનિસ્ટ્રેશન હૉસ્પિટલ અને માઉન્ટ સિનાઈ સ્કૂલ ઑવ્ મેડિસિનમાં કામ કરીને ઇન્સ્યુલિન જેવા પેપ્ટાઇડ-અંત:સ્રાવોનું RIA પદ્ધતિ વડે લોહીમાંનું પ્રમાણ જાણવાની પદ્ધતિ શોધી કાઢી. શરીરમાં આ પ્રકારનાં દ્રવ્યો ઉપરાંત અનેક એવાં જૈવિક દૃષ્ટિએ સક્રિય દ્રવ્યો હોય છે કે જેમનું પ્રમાણ નગણ્ય ગણાય તેટલું ઓછું હોવા છતાં ઘણું મહત્વનું હોય છે.
આ દ્રવ્યો સામાન્ય પદ્ધતિએ માપી શકાતાં નથી. RIA – એ એક અતિ સૂક્ષ્મદર્શી માપનપદ્ધતિ છે, જેના દ્વારા અતિસૂક્ષ્મ પ્રમાણમાં પણ જે દ્રવ્ય હોય તેનું માપ મેળવી શકાય છે. તેમણે શોધ્યું કે શરીરમાંના ઇન્સ્યુલિન સામેનાં પ્રતિદ્રવ્યો બાહ્ય પ્રોટીન દ્રવ્યોને નિષ્ક્રિય કરી શકે છે. તેમણે ભૌતિકશાસ્ત્ર (વિકિરણશીલતા) અને જીવવિજ્ઞાન(પ્રતિરક્ષા, immunity)ના જ્ઞાન અને સિદ્ધાંતોનો સમન્વય કરીને શરીરમાં અતિસૂક્ષ્મ પ્રમાણમાં ઉત્પન્ન થતા અંત:સ્રાવોના ઉદભવ-સ્થાનને નિશ્ચિત કરવાનું તથા તેમની શરીરના પ્રવાહીઓમાંની સપાટી જાણવાનું સરળ બનાવ્યું. તેની મદદથી પુરુષો અને સ્ત્રીઓના અંત:સ્રાવી રોગો તથા ફલનક્ષમતા(fertility)ના વિકારનાં નિદાન અને સારવાર સરળ અને સચોટ બન્યાં છે. આ પદ્ધતિથી શરીરમાં 10–12 ગ્રા. જેટલી અલ્પમાત્રામાં પણ પેપ્ટાઇડ-અંત:સ્રાવ હોય તો તેને માપી શકાય છે. આ પદ્ધતિમાં આવેલા વિકાસથી નિદાન, ચિકિત્સા અને સંશોધનના અનેક નવા માર્ગો ખૂલ્યા છે.
શિલીન નં. શુક્લ