યે વો મંઝિલ તો નહીં

January, 2003

યે વો મંઝિલ તો નહીં : ચલચિત્ર હિંદી, રંગીન; નિર્માણવર્ષ : 1986; નિર્માતા-દિગ્દર્શક : સુધીર મિશ્ર; સંગીત : રજત ધોળકિયા; મુખ્ય કલાકારો : મનોહર સિંહ, હબીબ તનવીર, પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ, આલોકનાથ, રાજા બુંદેલા, સુસ્મિતા મુખરજી.

યુવાનીમાં જોયેલાં સપનાં વર્ષો પછી પણ માત્ર સપનાં જ રહે છે. શોષણખોરોના ચહેરા બદલાય છે; પણ ગરીબાઈ, દમન અને શોષણ એનાં એ જ રહે છે એનું સચોટ નિરૂપણ કરતું આ ચિત્ર યુવાનીથી મિત્રતાની સાંકળે બંધાયેલા ત્રણ વૃદ્ધોની વાત કરે છે. આ ત્રણેય વૃદ્ધ પોતાની યુવાનીની સ્મૃતિઓ તાજી કરવા માટે પોતાના વતન રાજપુર આવે છે. ત્રણેય જણાએ રાજપુરમાં પોતાની યુવાનીનાં વર્ષો વિતાવ્યાં હતાં. રાજપુર જતી વખતે તેઓ રાજપુર હવે કેવું હશે એની જાતજાતની કલ્પના કરતા હતા, પણ ત્યાં જઈને જુએ છે તો રાજપુર એવું ને એવું જ છે. તેમણે રાજપુર માટે જે આશાઓ સેવી હતી તેનાથી સાવ વિપરીત, સામંતશાહી અને જમીનદારી હજી પણ છે જ. હવે તેમની જગ્યાએ ઉદ્યોગપતિઓ આવી ગયા હોય છે. ગરીબોનું શોષણ હજી પણ પહેલાંની જેમ જ થઈ રહ્યું છે. શોષણ કરવાની રીતો પણ એની એ જ છે. રાજપુરની કૉલેજમાં પણ અરાજકતા છે. વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ધ્યેય વિના જે સંઘર્ષ કરી રહ્યા છે, તેની સરખામણી એક વૃદ્ધ આઝાદી પહેલાંના રાષ્ટ્રપ્રેમ-આધારિત વિદ્યાર્થી-રાજકારણ સાથે કરે છે. હવે કૉલેજમાં એક ઉદ્યોગપતિના દીકરાનો આતંક હોય છે. તે પોતાના માથાભારે મિત્રો સાથે વિદ્યાર્થીઓને રંજાડતો હોય છે. રોહિત નામનો એક વિદ્યાર્થી તેનો વિરોધ કરે છે. આ મામલે પોલીસના હસ્તક્ષેપ દરમિયાન ગુંડાઓ એક પોલીસ જવાનની હત્યા કરે છે, જેનો આરોપ રોહિત પર આવે છે. પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા મથતો રોહિત પોલીસથી અને ગુંડાઓથી બચવા ત્રણ વૃદ્ધોના ઘેર આશરો લે છે. આ બધી પરિસ્થિતિ વૃદ્ધોને વધુ ને વધુ હતાશ કરતી રહે છે. તેમને પ્રશ્ન થાય છે કે શું આ બધું જોવા માટે તેમણે તેમની યુવાનીનાં શ્રેષ્ઠ વર્ષોનો ભોગ આપ્યો હતો ?

હરસુખ થાનકી