યેલ યુનિવર્સિટી

January, 2003

યેલ યુનિવર્સિટી : અમેરિકાની ત્રીજી સૌથી પ્રાચીન યુનિવર્સિટી. 1701માં તેની સ્થાપના ‘કૉંગ્રેશનલ મિનિસ્ટર’ના જૂથે કનેક્ટિકટ ખાતે ‘કૉલેજિયેટ સ્કૂલ’ તરીકે કરી હતી. હાર્વર્ડ ખાતે ધાર્મિક વિચારસરણી પ્રત્યે દર્શાવાતી સહાનુભૂતિથી નારાજ થયેલા પ્યૂરિટન નેતા કૉટન મૅથરે એલિડ્ડુ યૅલ નામના ધનાઢ્ય બ્રિટિશ વેપારીને આ નવી સંસ્થા માટે દાન કરવા પ્રેર્યા. તેમની દાનની રકમના પરિણામે એ સંસ્થા ‘યેલ યુનિવર્સિટી’નું નવું નામાભિધાન પામી. પ્રારંભમાં સંસ્થાના અભ્યાસક્રમમાં પ્રશિષ્ટ કૃતિઓનો અભ્યાસ તેમજ રૂઢિચુસ્ત પ્યૂરિટનવાદ પૂરતો જ સીમિત હતો. પુષ્કળ વિવાદ પછી 1908માં વ્યવહારપૂરક કલાઓ તથા વિજ્ઞાનલક્ષી વિષયોના પ્રારંભથી આ યુનિવર્સિટીના અભ્યાસક્રમનું માળખું વૈવિધ્યપૂર્ણ અને વિસ્તૃત બન્યું, પરિણામે સંસ્થામાં બિન-સાંપ્રદાયિક વાતાવરણ સર્જાયું.

યેલ યુનિવર્સિટી

પ્રવેશ આપવાની બાબતમાં યેલ યુનિવર્સિટીમાં પસંદગી માટે ચુસ્ત ધોરણો અપનાવાય છે અને શૈક્ષણિક તેમજ સામાજિક પ્રતિષ્ઠાની બાબતમાં અમેરિકાની શિક્ષણ-સંસ્થાઓમાં તેનું ઘણું ઊંચું સ્થાન છે. 1969 સુધી તેમાં કેવળ પુરુષ-વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાતો, પણ એ વર્ષે સૌપ્રથમ વાર મહિલા-વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો.

યેલ યુનિવર્સિટીના ગ્રંથાલયમાં 60,00,000 પુસ્તકો છે અને અમેરિકાનું તે એક સૌથી મોટું પુસ્તકાલય ગણાય છે. અમેરિકાની કૉલેજોમાં સૌપ્રથમ વાર વિસ્તૃત આર્ટ ગૅલરી ત્યાં સ્થપાઈ. 1832માં કર્નલ જૉન ટ્રમ્બલે અમેરિકાની ક્રાંતિને લગતો પોતાનો ચિત્રસંગ્રહ રાખવા – પ્રદર્શિત કરવા માટે ગૅલરી ઊભી કરવા દાન આપ્યું હતું. પરિણામે આવી વિશાળ ગૅલરીઓની પ્રથા અસ્તિત્વમાં આવી. ત્યાંના ‘પીબડી મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી’માં પ્રાચીન પ્રાણીવિદ્યા, પુરાતત્વવિદ્યા તેમજ માનવવંશવિદ્યાને લગતો ખૂબ મહત્વનો સંગ્રહ સચવાયેલો છે.

મહેશ ચોકસી