યૂરિયા (કાર્બામાઇડ) : કાર્બોનિક ઍસિડનો ડાઇ-એમાઇડ. સૂત્ર : NH2CONH2. મૂત્ર અને અન્ય શારીરિક તરલો(body fluids)માં મળી આવે છે. સસ્તનો અને કેટલીક માછલીઓની પ્રોટીન-ચયાપચયની ક્રિયાની અંતિમ નીપજ યૂરિયા હોવાથી તે મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. એક પુખ્ત વયની વ્યક્તિ 24 કલાકમાં 30 ગ્રા. જેટલો યૂરિયા બહાર કાઢે છે. આ સ્રોતમાંથી જ 1773માં ફ્રેન્ચ રસાયણજ્ઞ હિલેઈર-મારિન રાઉલેએ સૌપ્રથમ યૂરિયા અલગ પાડ્યું હતું. 1828માં જર્મન રસાયણવિદ ફ્રેડરિક વ્હૉલરે એમોનિયમ સાયનેટને ગરમ કરીને આ સંયોજન બનાવ્યું. પ્રયોગશાળામાં સંશ્લેષણ દ્વારા બનાવાયેલો આ પ્રથમ કાર્બનિક પદાર્થ હતો. આજે યૂરિયા મોટા પાયા ઉપર એમોનિયા અને કાર્બન ડાયૉક્સાઇડમાંથી બનાવવામાં આવે છે. પ્રવાહી એમોનિયા અને પ્રવાહી કાર્બનડાયૉક્સાઇડ 100થી 200 વાતાવરણ(1750–3000 psi)ના દબાણે અને 160°–200° સે. તાપમાને પ્રક્રિયા કરી એમોનિયમ કાર્બામેટ (NH4CO2NH2) બનાવે છે, જે નીચા દબાણે (લગભગ 80 psi) અને તાપમાને (130°થી 150° સે.) વિઘટન પામી યૂરિયા અને પાણી ઉત્પન્ન કરે છે. આ વિધિનાં અન્ય રૂપાંતરો પણ છે.
યકૃત(liver)માં જૈવરાસાયણિક પ્રક્રિયાઓના પરિણામે યૂરિયા બને છે. આ પ્રક્રિયાને યૂરિયા-ચક્ર કહે છે. યકૃતમાં બનતો યૂરિયા રક્ત-પ્રવાહ દ્વારા મૂત્રપિંડ(kidney)માં જઈ લોહીમાંથી અલગ પડે છે, જે છેવટે બહાર ફેંકી દેવામાં આવે છે. જો મૂત્રપિંડના કાર્યમાં ક્ષતિ ઉત્પન્ન થાય તો રક્તમાં યૂરિયાનું સંકેન્દ્રણ જોખમી સ્તર જેટલું ઊંચું જાય છે. આ પરિસ્થિતિને યૂરેમિયા (uremia) કહે છે. આવે વખતે લોહીના પારશ્લેષણ (dialysis) વડે યૂરિયા બહાર કાઢી નાખવો પડે છે.
યૂરિયા સફેદ સ્ફટિકો અથવા પાઉડર રૂપે મળે છે. તે લગભગ ગંધવિહીન પણ સ્વાદે સહેજ ખારાશવાળો છે. ઘ. 1.335 અને ગ.બિં. 132.7° સે. છે, પણ ઉકાળતાં તેનું વિઘટન થાય છે. તે પાણી, આલ્કોહૉલ, બેન્ઝીન વગેરેમાં દ્રાવ્ય, ઈથરમાં ઓછો દ્રાવ્ય, જ્યારે ક્લૉરોફૉર્મમાં અદ્રાવ્ય છે.
યૂરિયા આલ્કોહૉલ સાથે પ્રક્રિયા કરી યુરિધેન, જ્યારે મેલોનિક એસ્ટર સાથે બાર્બિટ્યુરિક ઍસિડ સંયોજનો આપે છે. કેટલાક સીધી શૃંખલાવાળા એલિફેટિક હાઇડ્રોકાર્બનો સાથે યૂરિયા સ્ફટિકમય અંતર્ભૂત (inclusion) સંયોજનો બનાવતો હોવાથી આવા હાઇડ્રોકાર્બનોના મિશ્રણના ઘટકોને શુદ્ધ કરવા તેનો ઉપયોગ થાય છે.
યૂરિયાનો મુખ્ય ઉપયોગ ખાતર, ઢોરો માટેના પોષક ખાણ તરીકે, પ્લાસ્ટિક ઉદ્યોગમાં તથા ઔષધોના નિર્માણમાં થાય છે. આ ઉપરાંત તે રાસાયણિક મધ્યવર્તીઓ (chemical intermediates), આસંજકો (adhesives), જ્વાળારોધક (flameproofing) પદાર્થો તેમજ સલ્ફૅમિક ઍસિડ જેવા પદાર્થો બનાવવામાં વપરાય છે. વિસ્ફોટકો- (explosives)ના સ્થિરક (stabilizer) તરીકે પણ તે ઉપયોગમાં લેવાય છે.
જ. પો. ત્રિવેદી