યૂલ, જ્યૉર્જ

January, 2003

યૂલ, જ્યૉર્જ : ડિસેમ્બર 1888માં અલ્લાહાબાદ મુકામે ભરાયેલા ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના ચોથા અધિવેશનના પ્રમુખ. તેઓ કૉલકાતાના આગેવાન બ્રિટિશ વેપારી હતા. તેઓ ભારતના લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાથી તેમને કૉંગ્રેસના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના પ્રમુખપદ હેઠળ ભારતની ધારાસભાઓનો વિસ્તાર કરવો, સનદી પરીક્ષાઓ ભારતમાં અને ઇંગ્લૅંડમાં એકસાથે લેવી, જ્યુરીની પ્રથા દાખલ કરવી, ભારતના લોકોને ઔદ્યોગિક તાલીમ આપવી, વેશ્યાવૃત્તિ નિયંત્રિત કરવી વગેરે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. બ્રિટિશ અધિકારીઓએ આ અધિવેશન ભરતી વખતે અનેક મુશ્કેલીઓ ઊભી કરી હતી; તેમ છતાં તેમાં અગાઉના કરતાં ઘણી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયકુમાર ર. શુક્લ