યૂનુસ હુસેનખાં

January, 2003

યૂનુસ હુસેનખાં (જ. 1929; અ. 1993) : આગ્રા ઘરાણાના અગ્રણી ગાયક અને બંદિશકાર. પિતા ઉસ્તાદ વિલાયતહુસેનખાં મહાન ગાયક તથા બંદિશકાર હતા, જેમની પાસેથી યૂનુસે તાલીમ મેળવી હતી. તેઓ સંશોધક પણ હતા. તેમણે લગભગ એક સો જેટલી ઉત્કૃષ્ટ બંદિશો રચી છે. તેમનો કંઠ કસાયેલો તથા સૂરીલો હતો. આગ્રા ઘરાણાના સંગીતની બધી જ ખૂબીઓનો તેમણે તેમના સંગીતમાં સમાવેશ કર્યો હતો. વધુમાં ઠૂમરી તથા ગઝલની શૈલીના પણ તેઓ નિષ્ણાત હતા.

તેમના મંતવ્ય મુજબ સંગીતની ખયાલ-શૈલીનો આવિષ્કાર દિલ્હીના બાદશાહ મહંમદશાહ રંગીલેના દરબારી સંગીતકાર સદારંગે નહિ, પણ તેરમી સદીમાં અલાઉદ્દીન ખલજીના દરબારી સંગીતકાર અમીર ખુસરોએ કર્યો હતો, પણ સદારંગના સમયમાં ખયાલની શૈલીએ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. આગ્રા ઘરાણા વિશે તેઓ કહેતા કે તેની સ્થાપના તેમના પૂર્વજ સુજાનસિંગ નૌહારે કરી હતી, જેમણે પછીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને ‘હાજી સુજાનખાં’ને નામે ઓળખાયા. તેઓ તાનસેનના સમકાલીન હતા અને અકબરના દરબારી સંગીતકાર હતા. તેઓ ધ્રુપદ શૈલીનું સંગીત ગાતા. તેમણે રચેલા ધ્રુપદો હજુ પણ ગવાય છે. કેટલાક સમય પછી આગ્રા ઘરાણાના ઉસ્તાદ ધધ્ધે ખુદાબક્ષે ખયાલની શૈલી અપનાવી અને ત્યારથી આગ્રા ઘરાણાની ખયાલની શૈલીનો ઉદભવ થયો.

ઉસ્તાદ યૂનુસ હુસેનખાં દરેક રાગ તેના શુદ્ધ સ્વરૂપે ગાતા, જેમાં બોલ-બનાથ, બોલ-બાંટ, લયકારી વગેરે આગ્રા ઘરાણાની વિશિષ્ટતાઓ તેમણે સમાવી હતી. તેમની બંદિશોમાં તેમણે પોતાનું ઉપનામ ‘દર્પણ’ રાખ્યું હતું. બંદિશો તથા રાગોનું તેમનું જ્ઞાન અગાધ હતું. તેમણે ‘લલિતા-સોહની’, ‘હુસૈની ભૈરવ’, ‘નટ-દીપક’ વગેરે રાગોનું સર્જન કર્યું હતું.

તેમણે શરૂમાં દિલ્હી દૂરદર્શનમાં અને પછીથી શાંતિનિકેતનમાં તથા કોલકાતાની સંગીત રિસર્ચ અકાદમીમાં સેવા આપી હતી. સંગીત રિસર્ચ અકાદમી, ખૈરાગઢના ઇન્દિરા સંગીતકલા વિશ્વવિદ્યાલય તથા મુંબઈમાંના સજન મિલાપ સંગીત મંડળ અને સંગીત મહાભારતી તરફથી દસ્તાવેજીકરણ (archives) માટે તેમની ગાયકીનું ધ્વનિમુદ્રાંકન થયું છે, જેમાં જાણીતા રાગો ઉપરાંત અનેક અપ્રચલિત રાગો પણ તેમણે પ્રસ્તુત કર્યા છે.

બટુક દીવાનજી