યુદ્ધ-સામ્યવાદ (war-communism) : સોવિયેત રશિયામાં 1917ની ક્રાંતિ પછી, આંતરવિગ્રહ દરમિયાન સામ્યવાદી નેતા લેનિને અમલમાં મૂકેલ સામ્યવાદનો પ્રયોગ. તેમાં દેશમાં સામ્યવાદી આદર્શ મુજબ વર્ગવિહીન સમાજ રચવાનો પ્રયાસ હતો. તે મુજબ મોરચે લડતા લશ્કરની તથા શહેરોમાંના કામદારોની આવશ્યકતાઓ પૂરી પાડવા વાસ્તે સરકારે રાજકીય તથા આર્થિક પગલાં ભર્યાં. સોવિયેત સરકારે મોટા ઉદ્યોગો પોતાને હસ્તક લીધા હતા. તે પ્રમાણે મધ્યમ તથા નાના ઉદ્યોગો પણ પોતાના અંકુશમાં લીધા. ખાનગી વેપાર પર પ્રતિબંધ મૂક્યો અને સૈનિકો તથા કામદારોને આપવા વાસ્તે અનાજ આપવાની ખેડૂતોને ફરજ પાડી. વપરાશની વસ્તુઓ મેળવવા માટે લોકોને રૅશનકાર્ડ આપવામાં આવ્યાં. દસ લાખ કરતાં વધારે કામદારો રોજી મેળવતા હતા એવાં 4,500 કારખાનાંઓનું ઑક્ટોબર 1920 સુધીમાં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 24 જાન્યુઆરી, 1919ના દિવસે એક હુકમ દ્વારા ખેડૂતોએ રાજ્યને ફરજિયાત આપવાના અનાજનો જથ્થો નક્કી કરવામાં આવ્યો. તે હુકમ માંસ, માખણ તથા અન્ય ચીજોને પણ લાગુ કરવામાં આવ્યો. આ નિશ્ચિત જથ્થો પૂરો પાડવા ખેડૂતોએ પોતાને ખાવા માટે રાખેલ અનાજ પણ આપી દેવું પડતું હતું. તેના બદલામાં ખેડૂતોને કારખાનાંમાં ઉત્પાદિત આવશ્યક માલ ઘણો ઓછો મળતો હતો; તેથી તેમનામાં તીવ્ર અસંતોષ પ્રવર્ત્યો અને તેમને અનાજ ઉગાડવામાં ઉત્સાહ રહ્યો નહિ.
યુદ્ધ-સામ્યવાદ કેટલીક વાર ઉગ્ર સામ્યવાદ (militant communism) નામથી પણ ઓળખાતો હતો. આ પ્રયોગ દરમિયાન ખેડૂતોને અનાજના રૂપમાં વેરા ભરવા પડતા હતા અને કામદારોને પગારને બદલે અનાજ અને આવશ્યક વસ્તુઓ આપવામાં આવતી હતી. આ પદ્ધતિના અમલમાં અનેક મુશ્કેલીઓ આવી. રાજ્યને અનાજનો જથ્થો જરૂરિયાત કરતાં ઘણો ઓછો મળવાથી શહેરોમાં અનાજની ભારે તંગી પ્રવર્તી. શહેરોના લોકોના ટેકા વડે સામ્યવાદીઓ સત્તા ટકાવી રાખતા હતા. શહેરોના કામદારોને ખોરાક, કપડાં તથા ઈંધણ ન મળે તો સરકારના પાયા ડગમગી જાય એવી સ્થિતિ હતી. વળી આ દરમિયાન ફુગાવાને કારણે કાગળનું નાણું નિરર્થક બની ગયું હતું. રૅશનકાર્ડ ઉપર પણ ખોરાકની વસ્તુઓ ઓછી મળતી. લોકોના તીવ્ર અસંતોષને લીધે દેશમાં અનેક હિંસક બળવા ફાટી નીકળ્યા અને તે બધા સામ્યવાદના વિરોધી હતા. સરકારનાં અનાજનાં ગોદામો અને વાહનોમાં લઈ જવાતું અનાજ લૂંટી લેવામાં આવતું. ગુનાખોરી ખૂબ વધી ગઈ.
1921માં સામ્યવાદી પક્ષમાં પણ આ પદ્ધતિનો વિરોધ થયો અને સરકારને ખાતરી થઈ કે પ્રયોગ નિષ્ફળ ગયો છે. સામ્યવાદી પક્ષની દસમી કૉંગ્રેસમાં લેનિને આ નીતિનો હેવાલ આપતાં કબૂલ્યું કે કામદાર-વર્ગની આટલી વ્યાપક અને તીવ્ર ગરીબી કદાપિ નહોતી. નાણાવિહીન અર્થતંત્ર સ્થાપવું, વસ્તુઓમાં વેરા ઉઘરાવવા, વારસા અને જાગીરોની ખાનગી માલિકી નાબૂદ કરવી – આ બધાં કાર્યોના હેતુઓ સિદ્ધ કરવામાં નિષ્ફળતા મળી છે. આખરે યુદ્ધ-સામ્યવાદે પેદા કરેલી અરાજકતામાંથી માર્ગ કાઢવા લેનિને નૂતન આર્થિક નીતિનો અમલ આરંભ્યો.
જયકુમાર ર. શુક્લ