યુદ્ધવિરામ  : યુદ્ધમાં સંડોવાયેલા પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા નિશ્ચિત સમય માટે યુદ્ધની તહકૂબી અંગે થતો કરાર. યુદ્ધવિરામથી યુદ્ધનો અંત આવતો નથી. કારણ કે યુદ્ધના પક્ષકારોમાંથી જ્યારે એક પક્ષનો વિજય થાય છે ત્યારે જ યુદ્ધનો અંત આવે છે એમ કહેવાય. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) અને બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં જર્મનીનો પરાજય થતાં યુદ્ધનો અંત આવ્યો હતો અને તેમ થાય ત્યારે વિજયી થયેલ પક્ષ પરાજિત પક્ષ પર કેટલીક શરતો લાદે છે, જે મહદ્ અંશે લશ્કરી, રાજકીય કે આર્થિક સ્વરૂપની હોય છે; દા.ત., પ્રથમ વિશ્વયુદ્ધ બાદ મિત્રરાષ્ટ્રોએ જર્મની પર નુકસાન-ભરપાઈની કમરતોડ શરતો લાદી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ પણ પરાજિત જર્મની પર, તે ફરી આક્રમણ કરવા માટેની સજ્જતા પ્રાપ્ત ન કરી શકે એ હેતુથી કેટલીક શરતો લાદવામાં આવી હતી. પરંતુ યુદ્ધવિરામ એ કેવળ ટૂંકા ગાળાની, યુદ્ધની કાર્યવાહી તત્પૂરતી બંધ કરવા માટેની સમજૂતી હોય છે; દા.ત., 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે યુદ્ધના પાંચ દિવસ બાદ ચીને એકતરફી યુદ્ધવિરામ જાહેર કર્યો હતો. તેવી જ રીતે 1965માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યા પછી થયેલા યુદ્ધ દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય રાજકીય જનમતને માન આપી એકતરફી યુદ્ધ-તહકૂબી જાહેર કરી હતી અને ત્યારબાદ જાન્યુઆરી 1966માં સોવિયેત સંઘની મધ્યસ્થીથી તાશ્કંદ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય મંત્રણાઓ યોજાઈ હતી. આમ યુદ્ધવિરામથી યુદ્ધ લડી રહેલા પક્ષો વચ્ચે યુદ્ધનાં કારણોના નિરાકરણ અંગે કોઈ સંધિ કે કરાર થતાં નથી, માત્ર યુદ્ધના પ્રદેશ(theatre of war) પૂરતી સશસ્ત્ર કાર્યવાહી થંભાવી દેવામાં આવે છે.

યુદ્ધવિરામ એકતરફી હોઈ શકે, બંને પક્ષો વચ્ચેની સમજૂતીનું પરિણામ હોઈ શકે અથવા આંતરરાષ્ટ્રીય દબાણનું પરિણામ પણ હોઈ શકે. આ બાબત અંગે તાજેતરમાં રાષ્ટ્રસંઘની ભૂમિકા મહત્વની સાબિત થઈ છે.

ઔપચારિક રીતે યુદ્ધની જાહેરાત વગર જ્યારે કોઈ બે અથવા વધુ દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ ફાટી નીકળે છે ત્યારે સંબંધિત પક્ષો વચ્ચે જો કોઈ સમજૂતી થાય તો તેને યુદ્ધવિરામ નહિ, પરંતુ સંઘર્ષવિરામ કહેવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે