યુગ્મક (zygote) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)

January, 2003

યુગ્મક (zygote) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : લિંગી પ્રજનન દરમિયાન શુક્રકોષ (sperm) અને અંડકોષ(ovam)ના સંયોજનથી નિર્માણ થતા ગર્ભ(embryo)ની પ્રાથમિક અવસ્થા.

બે બહુકોષીય સજીવો એક જ જાત(species)ના હોવા છતાં તેમનાં બધાં લક્ષણોમાં સમાનતા હોતી નથી. માનવીનો દાખલો લઈએ. એક વ્યક્તિ શ્યામવર્ણી હોય તો બીજી સાવ ગોરી હોઈ શકે છે. તેમનાં માનસિક લક્ષણોમાં પણ તફાવત જોવા મળે છે. સજીવોનાં આ વિભિન્ન લક્ષણો તેમાં રહેલા જનીન(gene)ને આભારી છે. આ જનીનો ગર્ભધારણ દરમિયાન યાદૃચ્છિક (random) રીતે એકત્ર થાય છે. તેની અસર હેઠળ જન્મ પામતું સંતાન માતા જેવું, પિતા જેવું અથવા બંનેના મિશ્રણ સ્વરૂપે હોઈ શકે છે.

એક પ્રજનકના રંગસૂત્ર(chromosome)માં હાનિકારક લક્ષણ માટે કારણભૂત એવું જનીન હોય તો તે સંતાનમાં ઊતરવાની શક્યતા 50 % જેટલી હોય છે. જો આ લક્ષણ પ્રચ્છન્ન (recessive) સ્વરૂપનું હોય તો તે સંતાનમાં ઊતરવાની શક્યતા નહિવત્ ગણાય છે.

કેટલીક યીસ્ટ જેવા સૂક્ષ્મજીવોના લિંગી પ્રજનનમાં બીજાણુ (spores) મહત્વનો ભાગ ભજવે છે. આવી યીસ્ટમાં રેણુપુટો (ascospores) નામે ઓળખાતા બીજાણુઓ આવેલા હોય છે. તેમનાં રંગસૂત્રો અર્ધસૂત્રી (haploid) હોય છે. તેમને લિંગી જનનકોષો (gametes) સાથે સરખાવી શકાય. તેમના સંયોજનથી નિર્માણ થતા ગર્ભને યુગ્માણુ (zygospore) કહે છે. તેના વિકાસથી નવું યીસ્ટ સંતાન જન્મે છે.

પ્રમોદ રતિલાલ શાહ

મ. શિ. દૂબળે