યુગોસ્લાવિયા

અગ્નિ યુરોપમાં આવેલો પર્વતીય દેશ. તે ‘જુગોસ્લાવિયા’ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે આશરે 42° 00´થી 47° 00´ ઉ. અ. અને 13° 30´ થી 23° 00´ પૂ. રે. વચ્ચેનો (અથવા 19° 00´ ઉ. અ. અને 44° 00´ પૂ. રે. આજુબાજુનો) આશરે 2,55,804 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે બાલ્કન દ્વીપકલ્પમાં એડિયાટ્રિક સમુદ્રના કાંઠા પર આવેલો છે. ‘યુગોસ્લાવિયા’ નામનો અર્થ ‘દક્ષિણી સ્લાવ લોકોની ભૂમિ’ એવો થાય છે. યુગોસ્લાવિયા તેમાં વસતા જુદા જુદા મુખ્ય રાષ્ટ્રીય સમૂહોને કારણે રચાયેલી આંતરિક સીમાઓ મુજબ છ પ્રાદેશિક એકમો(બૉસ્નિયા અને હર્ઝગોવિના, ક્રોએશિયા, મૅસેડોનિયા, મૉન્ટેનીગ્રો, સર્બિયા અને સ્લોવેનિયા)થી બનેલું સમવાયતંત્રી પ્રજાસત્તાક રાજ્ય છે. સર્બિયા બે સ્વાયત્ત પ્રાંતો(વૉઇવદિના અને કોસોવો)નો સમાવેશ કરે છે. વૉઇવદિનાની વસ્તીમાં ઘણી લઘુમતી જાતિઓનો સમાવેશ થયેલો છે. આ બહુરાષ્ટ્રીય સમૂહોમાંથી દેશમાં એક સમૃદ્ધ સંસ્કૃતિપ્રકાર ઊપસી આવ્યો છે, પરંતુ તેની સાથે સાથે વિવિધ સમૂહો વચ્ચે ધર્મ, ભાષા અને રિવાજોમાં ઝઘડાઓ અને કડવાશ પણ ઉદભવ્યાં છે. એ જ કારણે દેશની એકતામાં કેટલીક મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે. યુગોસ્લાવિયામાં મુખ્ય ત્રણ ધર્મો, ત્રણ સત્તાવાર ભાષાઓ અને બે પ્રકારની લિપિઓ જોવા મળે છે.

ભૂપૃષ્ઠ : આ દેશનો ઘણોખરો વિસ્તાર પર્વતોથી છવાયેલો છે. પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ યુગોસ્લાવિયાને મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (i) કંઠાર પટ્ટી, (ii) મધ્યનો ઊંચાણવાળો પ્રદેશ અને (iii) ઉત્તરનાં પેનોનિયન મેદાનો.

યુગોસ્લાવિયા

(i) કંઠાર પટ્ટી : એડિયાટ્રિક સમુદ્ર નજીકની સાંકડી, ખડકાળ ભૂમિપટ્ટી. અહીં કિનારા નજીક 600થી વધુ ટાપુઓ પણ આવેલા છે. કિનારા નજીકના ઘણા ભાગો ઉગ્ર ઢોળાવવાળા પર્વતો અને ભેખડોથી બનેલા છે. અહીંનો કિનારો ઘણી ખાંચાખૂંચીવાળો હોવાથી સંખ્યાબંધ કુદરતી બારાં પણ તૈયાર થયેલાં છે. આ વિસ્તારનાં રમણીય દૃશ્યો તેમજ સૂર્યતાપની અનુકૂળતાવાળો રેતાળ કંઠારપટ દેશમાંથી તથા દુનિયામાંથી હજારો સહેલાણીઓને અહીં દર વર્ષે મુલાકાત લેવા આકર્ષે છે. આ કંઠાર પટ્ટી વિશિષ્ટ પ્રકારના ચૂનાખડકોથી બનેલી છે. લાંબા ગાળાથી ધોવાણ પામતા રહેલા આ ખડકોમાં ગુફાઓ, ડૂબક બખોલો (sink holes) તેમજ ભૂગર્ભજળ-પ્રવાહવાળી નદીઓ રચાઈ છે. ચૂનાખડકોમાં રચાતું વિશિષ્ટ પ્રકારનું સ્થળદૃશ્ય કાર્સ્ટ ભૂમિદૃશ્ય નામથી ઓળખાય છે. આ નામ દરિયાકિનારાના એક ભાગ પરથી પડેલું છે. આમ આખીય કંઠાર પટ્ટી વધુ પ્રમાણમાં ખડકાળ ભેખડોથી અને ઓછા પ્રમાણમાં ફળદ્રૂપ જમીનોથી બનેલી છે.

(ii) મધ્યનો ઊંચાણવાળો પ્રદેશ : કંઠાર પટ્ટી પૂરી થતાં વાયવ્યથી અગ્નિ તરફ વિસ્તરેલી સંખ્યાબંધ પર્વતમાળાઓ શરૂ થાય છે. વાયવ્યમાં જૂલિયન આલ્પ્સ પર્વતમાળા છે. 2,863 મીટર ઊંચાઈ ધરાવતું, યુગોસ્લાવિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ટ્રિગ્લાવ આ હારમાળામાં આવેલું છે. જૂલિયન આલ્પ્સમાં ‘સ્કી’ની રમત માટેનાં વિહારસ્થાનો પણ ઘણાં છે, તેમજ રજાઓ ગાળવા આવનારાઓ માટેનું શિયાળુ રમતોનું મેદાન પણ અહીં જ છે. એડિયાટ્રિક સમુદ્રને સમાંતર દિનારિક આલ્પ્સ પર્વતમાળા પણ આ વિભાગમાં જ છે. તેમાં પણ સંખ્યાબંધ કાર્સ્ટ સ્થળદૃશ્યો (Karst topography) જોવા મળે છે. ફળદ્રૂપ જમીનોનું પ્રમાણ અહીં ઘણું ઓછું છે. અહીં પણ જુદી જુદી ખડકરચનાઓમાં ઘણી ગુફાઓ છે. અહીંની લ્યુબ્લીઅના (Lyublyana) પાસેની પોસ્તૉઇના (Postojna) ખાતે આવેલી ગુફા જગપ્રસિદ્ધ બનેલી છે. પૂર્વ અને અગ્નિકોણી યુગોસ્લાવિયામાં આવેલી પર્વતમાળાઓ રુમાનિયા, બલ્ગેરિયા અને ગ્રીસમાં પણ વિસ્તરેલી છે. દેશનો આ ઊંચાણવાળો વિભાગ કંઠાર પટ્ટી અને પેનોનિયન (Pannonian) મેદાનો વચ્ચે અવરોધરૂપ બની રહેલો છે, પરંતુ એક તરફ ભૂતકાળમાં આ અવરોધોએ દેશને બાહ્ય આક્રમણોથી રક્ષણ પણ પૂરું પાડ્યું છે, તો બીજી તરફ દેશમાં સંદેશાવ્યવહાર તથા વાહનવ્યવહારમાં મુશ્કેલીઓ પણ સર્જી છે. આજે તો હવે ઘણા સડકમાર્ગો અને રેલમાર્ગો પર્વતોમાં પણ બંધાઈ ચૂક્યા છે. આ જ વિસ્તારમાં અવારનવાર ભૂકંપ પણ થતા રહે છે. 1963માં થયેલા ભીષણ ભૂકંપથી આખું સ્કૉપ્એ (Skopje) નગર જમીનદોસ્ત થઈ ગયેલું. એ જ રીતે 1979ના એવા જ ભીષણ ભૂકંપથી દક્ષિણ તરફનાં નગરો અને ગામો તેમજ દક્ષિણની કિનારાપટ્ટીમાં ભયંકર વિનાશ સર્જાયો હતો.

(iii) પેનોનિયન મેદાનો : આ મેદાનો યુગોસ્લાવિયાના મધ્ય ઉત્તર વિભાગમાં પથરાયેલાં છે. કેટલીક નીચી ટેકરીઓને બાદ કરતાં અહીંનો મોટાભાગનો વિસ્તાર લગભગ સમતળ સપાટ છે. દેશની અતિ સમૃદ્ધ ફળદ્રૂપ જમીનો અહીં આવેલી છે. ખેતીની દૃષ્ટિએ આ વિભાગ દેશનો મહત્વનો વિસ્તાર ગણાય છે.

નદીઓ–સરોવરો : ડૅન્યૂબ આ દેશની ઘણી મહત્વની નદી છે. તે હંગેરીમાંથી નીકળીને આ દેશમાં પ્રવેશે છે અને પેનોનિયન મેદાનમાં થઈને વહે છે. ત્યાંથી તે ‘આયર્ન ગેટ’ નામથી ઓળખાતા કોતરમાં થઈને રુમાનિયામાં પ્રવેશે છે. દ્રાવા, મોરાવા, સાવા અને તિસા તેની મુખ્ય શાખાનદીઓ છે. તે જળમાર્ગો તરીકે ઉપયોગમાં લેવાય છે, તેના નદીકાંઠે દેશનાં મુખ્ય શહેરો વસેલાં છે. અહીં અન્ય નદીઓમાં બોસ્ના, દિના, નેરેત્વા, નિસાવા અને વરદારનો સમાવેશ થાય છે. મધ્યના ઊંચાણવાળા પ્રદેશમાં ઠેકઠેકાણે પ્રવાસીઓને આકર્ષિત કરે એવાં સેંકડો નાનાં નાનાં સુંદર સરોવરો પણ આવેલાં છે. શ્કોડરેશ (Shkodres) અથવા સ્કુતારી સરોવર યુગોસ્લાવિયાનું મોટામાં મોટું સરોવર છે, તે આલ્બેનિયામાં પણ વિસ્તરેલું છે. આ ઉપરાંત આલ્બેનિયા સાથેની સરહદ પરનું ઑહરિડ (Ohrid) સરોવર, ગ્રીસ સાથેની સરહદ પરનું દોઇરાન (Doiran) સરોવર તથા ગ્રીસઆલ્બેનિયા સાથેની સરહદ પરનું પ્રેસ્પા (Prespa) સરોવર પણ અગત્યનાં છે.

આબોહવા : કંઠાર પટ્ટીનો પ્રદેશ મંદ પ્રકારની આબોહવા ધરાવે છે. અહીં શિયાળામાં તાપમાન ભાગ્યે જ ઠારબિંદુથી નીચે જાય છે; પરંતુ ઉત્તરના પ્રાદેશિક વિસ્તારમાં પર્વતો પરથી ઠંડા ઝંઝાવાતી પવનો ફૂંકાય છે. ઉનાળા સૂર્યપ્રકાશવાળા, ગરમ અને સૂકા રહે છે. મધ્યના ઊંચાણવાળા વિભાગમાં શિયાળા અતિઠંડા અને હિમવર્ષાવાળા બની રહે છે. ઉનાળાની શરૂઆતમાં જ અહીં ભારે વરસાદ પડે છે. પર્વતોની ખીણોમાં ઉનાળા હૂંફાળા રહે છે, પરંતુ ખીણોમાંથી ઉપરના ઢોળાવો પર જતાં ઠંડીનું પ્રમાણ ક્રમશ: વધતું જાય છે. પેનોનિયન મેદાનોમાં ‘કોસાવા’ નામથી ઓળખાતા અતિઠંડા પવનો ફૂંકાય છે. અહીં ઉનાળા સૂકા અને અતિ ગરમ હોય છે. તાપમાન ક્યારેક તો 38° સે. જેટલું પહોંચે છે. વસંત અને શરદ ઋતુમાં ભારે વરસાદ પડે છે, આ કારણે ક્યારેક ડૅન્યૂબ અને તેની સહાયક નદીઓમાં પૂર પણ આવે છે. પૂરને કારણે ક્યારેક તારાજી પણ થાય છે.

અર્થતંત્ર : આ દેશની ધુરા સામ્યવાદીઓને હસ્તક આવ્યા પછી તેમણે સર્વપ્રથમ કાર્ય દેશને ખેતીપ્રધાનમાંથી ઔદ્યોગિક ક્ષેત્રે આગળ લાવવાનું કર્યું. સરકારે વિવિધ આર્થિક કાર્યક્રમો જાહેર કર્યા, ઉદ્યોગોના વિકાસને અગ્રિમતા આપી તથા લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા પ્રયાસો આદર્યા. 1950ના દશકામાં સરકારે પ્રાદેશિક સ્વવહીવટની એક પ્રણાલી ઊભી કરી. તેમાંથી કારખાનાં અને ખાણકાર્યોના વિકાસનાં વ્યક્તિગત સાહસો શરૂ થયાં. સરકારી દોરવણી હેઠળ તેમણે ઉત્પાદન-લક્ષ્ય, કીમતો અને રોજીની વ્યવસ્થાનું નિર્માણ કર્યું.

બીજા વિશ્વયુદ્ધ અગાઉ દેશના અર્થતંત્રનો 50 % ભાગ ખેતી પર આધારિત હતો અને દેશની વસ્તીના આશરે 75 % લોકો ખેડૂતો હતા. તેમાંથી ઔદ્યોગિક વિકાસને પગલે આજે દેશના કુલ ઉત્પાદનમાં ખેતીનો ફાળો માત્ર 10 % જેટલો જ રહ્યો છે તથા ખેડૂતોનું પ્રમાણ 25 % જેટલું રહ્યું છે. ખેતીમાં કામ કરનારાઓની સંખ્યા ઘટી છે અને શહેરોમાં નોકરી કરનારાઓનું પ્રમાણ વધ્યું છે.

કુદરતી સંપત્તિ : યુગોસ્લાવિયાનો આશરે 58 % ભાગ ખેતરોથી બનેલો છે. 35 % ભાગમાં જંગલો આવેલાં છે. ખાણપ્રદેશોમાંથી ઍલ્યુમિનિયમ, ઍન્ટિમની, તાંબું, લોહ, સીસું, જસત, મૅગ્નેશિયમ અને કોલસો મળી રહે છે. પેનોનિયન મેદાનો અને એડ્રિયાટિક સમુદ્ર વિસ્તારમાંથી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મળી રહે છે. કોલસો, તેલ અને વાયુનો ઉપયોગ કરીને ઊર્જા એકમો 50 % વીજળીનું ઉત્પાદન કરે છે, જળવિદ્યુત એકમો 40 % વીજળી આપે છે, બાકીની 10 % વીજળી ઝાગ્રેબ (Zagreb) નજીકના અણુશક્તિ એકમમાંથી મેળવાય છે.

ઉત્પાદન : યુગોસ્લાવિયાનું આશરે 85 % જેટલું ઔદ્યોગિક ઉત્પાદન સમાજવાદી કારખાનાંઓમાંથી થાય છે. બાકીનું 15 % ઉત્પાદન ખાનગી પેઢીઓ કરે છે. મોટાભાગના ઉદ્યોગો સ્લોવાનિયા અને ક્રોએશિયામાં આવેલા છે. તે ઍલ્યુમિનિયમ, મોટરગાડીઓ, સિમેન્ટ, રસાયણો, કાપડ અને કપડાં, લોખંડ-પોલાદ, યંત્રસામગ્રી, ધાતુની અને લાકડાંની પેદાશો તથા પ્રક્રમિત ખોરાકનું ઉત્પાદન કરે છે. પેનોનિયન મેદાનોમાં આવેલાં કારખાનાંમાંથી લોટ, ખાંડ, કાપડ અને તમાકુની પેદાશો તૈયાર થાય છે. કિનારા પર આવેલાં રિજેકા અને સ્પ્લિટ જેવાં શહેરો જહાજ-બાંધકામ માટેનાં કેન્દ્રો છે. ખાનગી ક્ષેત્રે કામ કરતી હુન્નરઉદ્યોગની દુકાનોમાં ટોપલીઓ, શેતરંજીઓ-ગાલીચા, કાષ્ઠકોતરણી તેમજ કલાકારીગરીની ચીજો મળે છે. પરદેશી પ્રવાસીઓની અવરજવર રહેતી હોવાને કારણે હસ્તકલાકારીગરીના ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે. અહીંની આ પ્રકારની ઘણીખરી કલાત્મક ચીજોમાં સ્થાનિક સંસ્કૃતિનાં દર્શન થાય છે.

ખેતી : યુગોસ્લાવિયાની ખેડાણયોગ્ય જમીનોનો આશરે 85 % જેટલો ભાગ ખાનગી ક્ષેત્ર હેઠળ છે. સરકારે અહીં ખાનગી ક્ષેત્ર માટે માત્ર 10 હેક્ટરનાં ખેતરો રાખવાની મર્યાદા મૂકી છે. ખેડૂતો તેમાં મોટેભાગે જૂની પદ્ધતિથી ખેતી કરે છે. સહકારી અને રાજ્યકક્ષાનાં ખેતરો જ મોટા કદનાં રાખી શકાય છે, તેની માલિકી સંપૂર્ણપણે સરકારની હોય છે અને તે બધાં આધુનિક સાધનોથી સજ્જ રાખવામાં આવે છે. તેમાં કામ કરતા લોકોને પગાર આપવામાં આવે છે. તેમાંથી કૃષિપાકોનું વધુ ઉત્પાદન મળી રહે છે.

વેપાર : યુગોસ્લાવિયાના મુખ્ય વેપારી ભાગીદારો રશિયા, ઇટાલી અને જર્મની છે. દેશની મુખ્ય નિકાસી ચીજોમાં ઍલ્યુમિનિયમ, કાપડ અને કપડાં, જંગલપેદાશો, રાચરચીલું, યંત્રસામગ્રી, ધાતુની ચીજવસ્તુઓ, મોટરગાડીઓ અને માંસ છે; જ્યારે આયાતી ચીજોમાં પેટ્રોલિયમ, રસાયણો, લોખંડ-પોલાદ અને બિનવીજળીક યંત્રસામગ્રીનો સમાવેશ થાય છે. અહીં નિકાસ કરતાં આયાત પાછળ વધુ ખર્ચ થાય છે. પ્રવાસનમાંથી થતી આવક, પરદેશ વસતા નિવાસીઓની કમાણી તથા માલની હેરફેર કરતાં જહાજોમાંથી થતી આવક – આ ત્રણેય સ્રોતોમાંથી મળી રહેતા હિસ્સાથી આયાત-નિકાસ સરભર થઈ રહે છે.

વાહનવ્યવહાર : દેશમાં સડકમાર્ગોનું પ્રમાણ મર્યાદિત છે. એડ્રિયાટિક કંઠાર પટ્ટી પરનો ધોરી માર્ગ યુરોપના સારા ગણાતા માર્ગો પૈકીનો એક ગણાય છે. દેશમાં દરેક આઠ વ્યક્તિદીઠ એક વ્યક્તિ મોટરગાડી ધરાવે છે, મોટાભાગના લોકો સાઇકલો અને મોટરસાઇકલો રાખે છે. અહીં મુખ્ય શહેરોને સાંકળતા રેલમાર્ગો આવેલા છે. હવાઈ માર્ગો સરકાર હસ્તક છે. બેલગ્રેડ અને ઝાગ્રેબ ખાતે હવાઈ મથકો આવેલાં છે. રિજેકા, સ્પ્લિટ, બાર અને દુબ્રોવનિક મુખ્ય દરિયાઈ બંદરો છે. ડૅન્યૂબ અને તેની સહાયક નદીઓ જળમાર્ગવ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે.

સંદેશાવ્યવહાર : યુગોસ્લાવિયામાં આશરે 25 જેટલાં દૈનિક પત્રો બહાર પડે છે; તે પૈકી કૉમ્યુનિસ્ટ અને નોવોસ્તી (બેલગ્રેડ) તથા લિસ્ટ-(ઝાગ્રેબ)નો ફેલાવો વિશેષ છે. અહીં વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. બધાં દૈનિક પત્રો સ્વનિર્ભર છે. મોટાભાગનાં સમાચારપત્રો તેમજ સામયિકો સ્થાનિક ભાષામાં જ બહાર પડે છે. રેડિયો અને ટેલિવિઝન સરકાર હસ્તક છે. દેશની પ્રત્યેક પાંચ વ્યક્તિદીઠ એક વ્યક્તિ પાસે ટેલિવિઝન, જ્યારે દરેક કુટુંબ પાસે એક કે બે રેડિયો હોય છે. રેડિયો અને ટેલિવિઝનધારકો પાસેથી સરકાર નાણાકીય આયોજનમાં સહાય થાય એ હેતુથી વાર્ષિક શુલ્ક લે છે.

લોકો : દેશની મોટાભાગની વસ્તી સ્લાવ લોકોથી બનેલી છે. 1998ના અંદાજ મુજબ દેશની કુલ વસ્તી 83,94,507 કરોડ જેટલી છે. આશરે 85 % લોકો વસ્તીક્રમાનુસાર સર્બ, ક્રોએટ્સ, બૉસ્નિયન મુસ્લિમ, સ્લોવેનીઝ, મૅસિડોનિયન અને મૉન્ટેનીગ્રિન સમૂહોથી બનેલા છે. અન્ય રાષ્ટ્રોના અહીં વસતા લોકોમાં આલ્બેનિયન, હંગેરિયન, બલ્ગેરિયન, ઇટાલિયન, જર્મન, જિપ્સી, સ્લોવાક અને તુર્કોનો સમાવેશ થાય છે. દક્ષિણ પોલૅન્ડ અને રશિયામાંથી છઠ્ઠા સૈકા દરમિયાન સ્લાવ સમૂહોએ પોતપોતાના એક નેતા અને પોતાની સંસ્કૃતિ સહિત બાલ્કન દ્વીપકલ્પમાં સ્થળાંતર કરવાનું શરૂ કરેલું. જુદા જુદા સમૂહો (વિશેષે કરીને સર્બ અને ક્રોએટ્સ) વચ્ચેના સંબંધો પહેલેથી જ કડવાશભર્યા રહ્યા છે.

દેશની આશરે 83,94,507 વસ્તી પૈકીના લગભગ 50 % લોકો શહેરોમાં રહે છે. શહેરોની સંખ્યા પણ ઉદ્યોગોના વધવા સાથે વધતી ગઈ છે. બેલગ્રેડ અને ઝાગ્રેબની વસ્તી અનુક્રમે 15 લાખ અને 7.5 લાખ જેટલી છે. અન્ય શહેરોમાં સ્કોપ્એ, સારાજિવો, લ્યુબ્લીઅના, નોવી સાદ, સ્પ્લિટ, નિઝ અને પ્રિસ્તિના મુખ્ય છે.

યુગોસ્લાવિયામાં સર્બો-ક્રોએશિયન, સ્લોવેનિયન અને મૅસિડોનિયન જેવી અન્યોન્ય સંબંધિત ત્રણ સત્તાવાર ભાષાઓ અને બે જાતની લિપિ છે. સર્બો-ક્રોએશિયન ભાષાનાં પણ સર્બિયન અને ક્રોએશિયન જેવાં બે અલગ અલગ સ્વરૂપો છે. સર્બો-ક્રોએશિયન વધુમાં વધુ બોલાતી ભાષા છે. સર્બ, ક્રોએટ્સ, બૉસ્નિયન અને મૉન્ટેનીગ્રિયન લોકો આ ભાષાનો ઉપયોગ કરે છે. અન્ય રાષ્ટ્રોમાંથી આવેલા સમૂહો તેમની પોતાની ભાષા બોલે છે. દરેક સમૂહને વેપારમાં, શિક્ષણમાં કે અદાલતમાં પોતાની ભાષાનો ઉપયોગ કરવાની છૂટ છે. મોટાભાગના લોકો એક કરતાં વધુ ભાષાઓ જાણે છે અને બોલે છે. પૂર્વ યુરોપના મોટાભાગના લોકો કરતાં યુગોસ્લાવિયાના લોકોનું જીવનધોરણ પ્રમાણમાં ઊંચું છે. ઘણાંખરાં કુટુંબો મોટરગાડી, ટેલિવિઝન તેમજ બીજી ઘણી મોજશોખની ચીજવસ્તુઓ ધરાવે છે. અહીં નાગરિકોની તબીબી સંભાળ નિ:શુલ્ક રીતે લેવાય છે. કારીગરોને નિવૃત્તિવેતન મળે છે. ઘણાખરા શહેરીઓ આધુનિક ફ્લૅટમાં રહે છે, બીજા ઘણા જૂના પ્રકારના ફ્લૅટ કે ઘરોમાં રહે છે. મોટાભાગનાં કુટુંબોમાં પતિપત્ની બંને પૂર્ણ સમયની નોકરી કરતાં હોય છે; સરકાર તેમનાં નાનાં બાળકોની સંભાળ રાખે છે. ગ્રામીણ લોકો શહેરો તરફ સ્થળાંતર કરતા થયા હોવાથી શહેરોમાં આવાસોની તંગી ઊભી થઈ છે. નવાં મકાનો અને ફ્લૅટ બંધાતાં જતાં હોવા છતાં આવાસોની માંગને પહોંચી વળાતું નથી. ગ્રામીણ લોકો પથ્થર કે લાકડામાંથી બનાવેલાં ઘરોમાં રહે છે. પ્રદેશભેદે તેમનાં ઘરોનાં કદ અને બાંધણી અલગ અલગ પ્રકારનાં હોય છે. દેશનાં આશરે 75 % ઘરો વીજળીની સુવિધા ધરાવે છે. શહેરીઓ પશ્ચિમી ઢબનો અને ગ્રામીણો તેમનો પરંપરાગત પોશાક પહેરે છે, જોકે હવે તો તેમાં પણ ફેરફારો થયા છે. વિસ્તારભેદે લોકોની ખોરાકી ટેવો અલગ અલગ છે. લોકો દારૂ અને કૉફી પીએ છે. તેમનું રાષ્ટ્રીય પીણું જરદાળુની બ્રાન્ડી છે. ‘કાફે’ના નામથી જાણીતાં અહીંનાં કૉફીગૃહો લોકો માટે એકબીજાંને મળવાનું સ્થળ બની રહેલાં છે. લોકો મનોરંજન માટે ફિલ્મોમાં, થિયેટરોમાં, ઑપેરામાં કે કૉન્સર્ટમાં જાય છે. સૉકર અને સ્કી અહીંના લોકોની પ્રિય રમતો છે.

ધર્મ : યુગોસ્લાવિયાના ગ્રામીણ લોકજીવનમાં ધર્મને વિશેષ મહત્વ અપાય છે. દેશના આશરે 40 % લોકો (મુખ્યત્વે મૅસિડોનિયનો, મૉન્ટેનીગ્રિનો અને સર્બિયનો) ઇસ્ટર્ન ઑર્થોડૉક્સ ચર્ચમાં માને છે, 30 % લોકો (ક્રોએટ્સ અને સ્લોવેનીઝ) રોમન કૅથલિક છે અને 10 % લોકો મુસ્લિમો છે. ઘણાં વર્ષ માટે અહીંની સરકારે લોકોમાં ધર્મની અસર ઘટે એવા પ્રયાસો કરેલા, પરંતુ 1985થી ધર્મસ્વાતંત્ર્યની છૂટ મુકાઈ છે.

શિક્ષણ : દેશના આશરે 90 % લોકો લખી-વાંચી જાણે છે. શિક્ષણ અહીં નિ:શુલ્ક છે. 7થી 14 વર્ષીય બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. પ્રાથમિક શિક્ષણ લીધા પછી વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કે માધ્યમિક શાળાઓમાં જવાની છૂટ છે. દેશમાં આશરે 20 જેટલી યુનિવર્સિટીઓ છે. અહીંના શિક્ષકો પાસે સરકારી નીતિઓને સહકાર આપવાની અપેક્ષા રાખવામાં આવે છે.

કલા : યુગોસ્લાવિયામાં વિવિધ રાષ્ટ્રીય સમૂહોની સેંકડો વર્ષોથી ચાલી આવતી પોતપોતાની સમૃદ્ધ લોકપરંપરા છે. અહીં પોશાકો, નૃત્યો, ગીત-સંગીત, દંતકથાઓ અને હુન્નર પણ પરંપરાગત ચાલ્યાં આવે છે. લેખકો, સંગીતકારો, કલાકારો વિવિધ પરંપરાઓને પોતાની કલા અને કૃતિઓમાં ઉતારે છે. લગભગ ઓગણીસમી સદી સુધી તો અહીંના ઘણાખરા લોકોને લખતાંવાંચતાં જ આવડતું ન હતું, પરંતુ વંશવારસે કલાનો કસબ જળવાતો હતો અને ત્યાં સુધી તો ધર્મશાસ્ત્રોમાં જ સાહિત્ય બંધાયેલું હતું. વીસમી સદીમાં સાહિત્યના વિવિધ પ્રકારો વિકસ્યા. લેખકો પશ્ચિમી યુરોપીય તેમજ રશિયાઈ શૈલી અપનાવતા ગયા; તેમ છતાં રૂઢિચુસ્ત કલાકારોએ તેમની કૃતિઓમાં લોકવારસાને સ્થાન આપવાનું ચાલુ રાખ્યું.

1945માં સામ્યવાદીઓ સત્તા પર આવ્યા અને અહીંના લેખકોનાં પ્રકાશનો પર અંકુશ મૂક્યો. આ અંકુશ લાંબો ચાલ્યો નહિ, 1950ના દશકાથી લેખકોને સ્વતંત્રતા મળી. વીસમી સદીના ખ્યાતનામ લેખક ઇવો ઍન્ડ્રિકને સાહિત્યક્ષેત્રે 1961નો નોબેલ પુરસ્કાર મળ્યો. વીસમી સદીના અન્ય જાણીતા લેખકોમાં ઈવાન કૅન્કર, ડોબ્રિકા કોસિક, ઓસ્કર ડૅવિકો, મિરોસ્લાવ ક્રલેઝા તથા ઓટોન ઝ્યુપેનસિકનો સમાવેશ થાય છે.

મધ્યકાલીન યુગમાં નિર્માણ પામેલાં ઘણાં સર્બિયન ચર્ચ ભિત્તિચિત્રોથી સુશોભિત જોવા મળે છે. આ ચિત્રો જ અગાઉની કલાના પુરાવારૂપ છે. ઓગણીસમી સદીની શરૂઆતથી અહીંના મોટાભાગના ચિત્રકારો પશ્ચિમી યુરોપીય કલાને અનુસરતા આવ્યા છે. તાલીમ પામ્યા વિનાના કેટલાક ચિત્રકારોનાં ચિત્રો પણ ઘણાં વખણાયાં છે. વીસમી સદી દરમિયાન ઈવાન મેસ્ત્રોવિક અહીંના ખ્યાતનામ શિલ્પકાર થઈ ગયા. તેમની ધાર્મિક તેમજ દેશભક્તિના રંગવાળી કેટલીક કલાકૃતિઓ દુનિયાભરમાં ઉચ્ચ કક્ષાની ગણાઈ છે. યુગોસ્લાવિયામાં ઠેકઠેકાણે તેમનાં શિલ્પો જોવા મળે છે.

ઇતિહાસ : દસમી અને અગિયારમી સદીઓ દરમિયાન સર્બિયા બિઝૅન્ટાઇન સામ્રાજ્યથી મુક્ત થયું. 1217માં સ્વતંત્ર સર્બિયન રાજ્યની સ્થાપના થઈ. ચૌદમી સદીના મધ્યભાગ સુધીમાં આ રાજ્ય પૂર્ણપણે વિકાસ પામ્યું. 1389માં કોસાવો યુદ્ધમાં ઑટોમન તુર્ક લશ્કરે સર્બિયન સૈન્યને પરાજિત કર્યું અને સમગ્ર વિસ્તાર તુર્કી પ્રાંતમાં રૂપાંતર પામ્યો. નૈર્ઋત્યમાં આવેલો માત્ર મૉન્ટેનીગ્રો વિસ્તાર આ રૂપાંતરથી બચી ગયો હતો, જ્યારે વાયવ્યમાં આવેલાં ક્રોએશિયા અને સ્લોવાનિયા હબ્સબર્ગ સામ્રાજ્યનો ભાગ બની ગયાં.

1815માં તુર્કી શાસન વિરુદ્ધના બળવાને કારણે સર્બિયાએ સ્વતંત્રતા મેળવી. 1878માં બલ્ગેરિયા અંગેના યુદ્ધમાં રશિયન સૈન્યે તુર્કોને હરાવ્યા. 1912–13નાં બાલ્કન યુદ્ધો દરમિયાન તુર્કી અને બલ્ગેરિયાને ભોગે સર્બિયાએ પોતાનો વિસ્તાર વધાર્યો. 1918માં હેબ્સબર્ગ સામ્રાજ્યના અંકુશ નીચેનાં ક્રોએશિયા અને સ્લોવાનિયા સર્બિયા સાથે જોડાયાં. મૉન્ટેનીગ્રો પણ સર્બિયામાં જોડાયું.

1929માં આ ઘટકોએ નવું નામ ‘યુગોસ્લાવિયા’ (દક્ષિણના સ્લાવ લોકોની ભૂમિ) સ્વીકાર્યું. આ સમયે ક્રોએશિયન ફેડરાલિસ્ટોના વધતા વિરોધને કારણે રાજા ઍલેક્ઝાંડર પહેલાએ સર્બિયન પ્રભુત્વવાળી લશ્કરી સરમુખત્યારશાહીની સ્થાપના કરી. 1934માં રાજા ઍલેક્ઝાંડરની હત્યા થતાં તેનો પુત્ર પીટર (બીજો) શાસક બન્યો. આ તબક્કે યુગોસ્લાવિયા પર નાઝી જર્મની અને ફાસીવાદી ઇટાલીનો પ્રભાવ વધ્યો. 1941માં જર્મનીએ યુગોસ્લાવિયા પર આક્રમણ કર્યું અને રાજા પીટર ઇંગ્લૅન્ડ ભાગી ગયો. માર્શલ ટીટો અને જનરલ ડ્રાઝા મિલાસોવિચ દ્વારા જર્મનોનો પ્રતિકાર કરવામાં આવ્યો. એક અંદાજ મુજબ 9,00,000 યુગોસ્લાવિયાવાસીઓ તેમાં માર્યા ગયા. 1943માં ટીટોએ બૉસ્નિયામાં કામચલાઉ સરકાર સ્થાપી.

યુગોસ્લાવિયાનું સંસદભવન

1945માં બીજા વિશ્વયુદ્ધને અંતે યુગોસ્લાવિયન ફેડરલ પીપલ્સ રિપબ્લિકના સ્વરૂપે ત્યાં સામ્યવાદી બંધારણનો આરંભ થયો અને માર્શલ ટીટોએ સરકાર રચી. 1948માં સોવિયેત રૂસના વધતા આધિપત્યના વિરોધ સાથે પક્ષમાં વિભાજન થયું. 1953માં માર્શલ ટીટો પ્રમુખ બન્યા અને 1961માં તેમના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય તખ્તા પર બિનજોડાણવાદી લડતનો આરંભ થયો. 1980માં ટીટોના અવસાન સાથે યુગોસ્લાવિયામાં સામૂહિક નેતૃત્વ સાથે સામ્યવાદી પક્ષનું શાસન ચાલુ રહ્યું.

આ અરસામાં યુગોસ્લાવિયા વંશીય રમખાણોમાં ફસાયું, જેમાં વાંશિક બહુમતી ધરાવતા સર્બિયાનું પ્રભુત્વ હતું. દરમિયાન રાષ્ટ્રવાદી અને લોકપ્રિય નેતા સ્લોબોદાન મિલાસોવિચ પક્ષના અને સરકારના નેતા બન્યા. સર્બિયા અને બૉસ્નિયામાં વંશીય ભેદભાવોને ઉત્તેજન મળ્યું અને ત્યાં વાંશિક ધોરણે કત્લેઆમ ચાલી. વધુમાં 1988થી યુગોસ્લાવિયા આર્થિક તકલીફોથી ઘેરાવા લાગ્યું. સર્બિયા, કોસાવો અને બૉસ્નિયામાં કટોકટી લાદવામાં આવી.

1991થી આ વાંશિક રમખાણો ગૃહયુદ્ધમાં બદલાઈ ગયાં. સર્બિયન પ્રમુખ મિલાસોવિચ વિરુદ્ધ દેખાવો યોજાયા. યુગોસ્લાવિયામાં દમનચક્ર ચાલ્યું. બીજી બાજુ સ્લોવાનિયા અને ક્રોએશિયાએ સ્વતંત્રતાની જાહેરાત કરી, જેને 1992માં અમેરિકાએ માન્યતા આપી અને તે ન્યૂ ફેડરલ રિપબ્લિક ઑવ્ યુગોસ્લાવિયા જાહેર થયું; પરંતુ તેને બાહ્ય માન્યતા ન મળી અને યુનોનું સભ્યપદ નિલંબિત થયું. એ જ રીતે આલ્બેનિયાએ રિપબ્લિક ઑવ્ કોસાવો ઘોષિત કર્યું, જે માન્ય ન રહ્યું. 1994માં યુગોસ્લાવિયાએ બૉસ્નિયાના સર્બો વિરુદ્ધ સરહદી નાકાબંધી કરી. 1995માં બૉસ્નિયા અને હર્ઝગોવિના વચ્ચે ડેયટન પીસ એકૉર્ડ (Dayton Peace Accord) જાહેર થતાં બૉસ્નિયા અને ક્રોએશિયાનું અલગ અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું. સર્બિયા સામેના આર્થિક પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા. 1996થી સર્બિયા અને ક્રોએશિયા વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા તેમજ મિલાસોવિચ જૂથે સંસદીય ચૂંટણીઓમાં સફળતા મેળવી. આ સમગ્ર કાળ દરમિયાન અમેરિકા તથા સામ્યવાદતરફી શાસન અને મિલાસોવિચ અપ્રિય રહ્યાં. તેમણે અમેરિકાનો ભારે સામનો કર્યો હતો. છેલ્લા દાયકામાં યુગોસ્લાવિયાના છ ટુકડા થયા છે, જેમાં બૉસ્નિયા અને હર્ઝગોવિના, ક્રોએશિયા, મૅસિડોનિયા, મૉન્ટેનીગ્રો, સર્બિયા (કોસાવો સહિત) અને સ્લોવાનિયાનો સમાવેશ થાય છે.

આ દરમિયાન યુગોસ્લાવિયામાં મિલાસોવિચ વિવાદાસ્પદ બન્યા હતા. 1998 પછી વિપક્ષોએ પ્રમુખ મિલાસોવિચ વિરુદ્ધ ચળવળ ચલાવી, 18 પક્ષોનો સંગઠિત મોરચો રચ્યો. 2,000માં પ્રજાની માંગને માન આપી નવી ચૂંટણીઓ યોજાઈ, જેમાં મિલાસોવિચની હાર થતાં 7મી ઑક્ટોબર 2000ના રોજ તેમણે રાજીનામું આપ્યું. તે પછી વોજિસ્લાવ કોસ્તુનિકા નવા પ્રમુખ બન્યા અને સરમુખત્યારશાહી વિરુદ્ધ લોકશાહી પરિબળો વિજયી નીવડ્યાં.

મિલાસોવિચ પર યુદ્ધના ગુનાનો તથા હજારો આલ્બેનિયનોને મોતને ઘાટ ઉતારી દેવાનો આક્ષેપ મુકાયો અને 600 મૃતકોની યાદી આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી. પરિણામે જુલાઈ 2001માં ઉપર્યુક્ત કારણોસર મિલાસોવિચને આંતરરાષ્ટ્રીય અદાલતને સુપરત કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય જગતમાં ભારે વિવાદ પેદા કરનારી આ અભૂતપૂર્વ ઘટના છે.

ગિરીશભાઈ પંડ્યા

રક્ષા મ. વ્યાસ