યુગોસ્લાવ સાહિત્ય : યુગોસ્લાવિયા(હાલ સોશિયાલિસ્ટ ફેડરલ રિપબ્લિક ઑવ્ યુગોસ્લાવિયા)ની મુખ્ય ભાષાઓ સર્બિયન, ક્રોએશિયન, સ્લોવેનિયન, મૅસિડોનિયન, આલ્બેનિયન અને હંગેરિયન ઉપરાંત અન્ય અલગ સમુદાયોની 20 જેટલી સત્તાવાર ભાષાઓમાં રચાયેલું સાહિત્ય. આ એક દેશમાં રહેતા વિવિધ ભાષાઓ બોલનારાઓ પોતપોતાની પરંપરાઓને જાળવી રહ્યા છે. સર્બિયન અને ક્રોએશિયન સાહિત્યની મૂળભૂત ભાષા એક છે, પરંતુ સર્બ લોકો લખવામાં સાયરિલિક અને ક્રોઍટો લૅટિન મૂળાક્ષરોનો ઉપયોગ કરે છે. સ્લોવેનિયન ભાષા મોટેભાગે લૅટિનની નજીકના મૂળાક્ષરોમાં લખાય છે. સૌથી જૂનું સ્લાવિક સાહિત્ય તે ધાર્મિક દસ્તાવેજોનું મૅસિડોનિયન અને સ્લોવીન લેખકોએ કરેલ નવમી સદીના સાહિત્યના અનુવાદરૂપ છે. પછીના મધ્યકાલીન સર્બ લેખકોના સર્જનમાં સંતો, રાજવીઓ અને ધર્માધ્યક્ષોનાં જીવનચરિત્રો તથા ઇતિહાસ અને બાયઝૅન્ટાઇન ગ્રીક સાહિત્યમાંથી કરેલા અનુવાદોનો સમાવેશ થાય છે. પંદરમી સદીમાં તુર્કોએ સર્બિયા પર વિજય મેળવ્યો ત્યારે સાહિત્યસર્જન લગભગ નહિવત્ થયેલું. મધ્યકાલીન ક્રોએશિયન સાહિત્યમાં ધાર્મિક લખાણો, ઇતિહાસ, કાયદો અને થોડીઘણી કવિતા મળે છે. આ સમયમાં સ્લોવીન અને મૅસિડોનિયન પ્રજાઓ બીકની મારી કંઈ પણ સર્જન કરતી ન હતી.

ઇટાલીના રેનેસાંસની અસર તળે ક્રોએશિયન સાહિત્ય સોળમી-સત્તરમી સદીમાં ડુબ્રોવનિક પ્રજાસત્તાકમાં ખીલી ઊઠેલું. તેમાં કવિ-નિબંધકાર માર્કો મેરુલિસ, નાટ્યકારો મેરિન ઝાસ અને ઈવાન ગુન્ડુલિસ નોંધપાત્ર છે. ગુન્ડુલિસે ‘ઑસ્માન’ (1626) મહાકાવ્ય રચ્યું હતું. પોલૅવાસીઓને તુર્કો સાથે થયેલ સંઘર્ષની એ કથા છે. ડુબ્રોવનિકના પતન પછી સાહિત્યસર્જનમાં ઓટ આવી. પ્રૉટેસ્ટન્ટ ધર્મસુધારણાની સોળમી સદીમાં સ્લોવીન પ્રજાની સાહિત્યિક પ્રવૃત્તિને પ્રિમૉઝ ટ્રુબારે નેતૃત્વ પૂરું પાડ્યું. સ્લોવીન ભાષાને સાહિત્યિક મોભો તેમણે અપાવ્યો, એટલું જ નહિ, શબ્દની શુદ્ધ અથવા સાચી જોડણી માટે આગ્રહ રાખ્યો. સર્બ પ્રજાને સુંદર લોકસાહિત્ય અને મહાકાવ્યો આ સમયમાં મળ્યાં.

અઢારમી સદીમાં દક્ષિણના સ્લાવિક પ્રદેશોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ જોરથી પાંગરતી ગઈ અને તેથી સામાજિક ચેતનાનું નવસંસ્કરણ થયું. ઑસ્ટ્રિયા-હંગેરીના વૉવૉડિના નામે ઓળખાતા પ્રદેશમાં રાષ્ટ્રીય અસ્મિતા ઊભરી આવી. આ તે જ પ્રદેશ હતો, જ્યાં તુર્કોને ભગાડીને હજારો સર્બ લોકોએ સ્થળાંતર કર્યું હતું. રાણી મારિયા થેરેસા અને તેમનો પુત્ર જોસેફ ઉત્તમ શાસકો હતાં. તેમના રાજ્યકાળ દરમિયાન સર્બ લોકોએ ધર્મ અને લોકસાહિત્યની મદદથી તેમની સંસ્કૃતિને પુનર્જીવિત કરી હતી. દોસિતેજ ઑબ્રાદોવિસ મઠવાસી સાધુ હતા. તેમણે સમસ્ત યુરોપમાં ભ્રમણ કર્યું હતું. તેઓ રાષ્ટ્રવાદી હતા. એમનાં લખાણોમાં ભરપૂર રાષ્ટ્રપ્રેમ વરતાય છે. ‘ધ લાઇફ ઍન્ડ એડ્વેન્ચર્સ ઑવ્ દિમિત્રી ઑબ્રાદોવિસ’ (1783; અનુ. 1953) તેમની આત્મકથા છે.

ઓગણીસમી સદીમાં થઈ ગયેલા વુક કારાદ્ઝિસ ભાષાશાસ્ત્રી અને લોકકલાવિદ હતા. તેમણે શુદ્ધ જોડણી વિશેના નિયમો ઘડ્યા. સર્બિયન વ્યાકરણની તેમણે રચના કરી. એમણે ખેડૂતો પાસેથી એકઠાં કરેલાં લોકકાવ્યો અને વાર્તાઓનાં સંપાદનો કર્યાં. ધર્મગુરુઓની અને બુદ્ધિશાળીઓની આડંબરી ભાષાને બદલે તેમણે સર્બિયન લોકભાષાનો આદર કર્યો. ભાષાના આ ફેરફારની વાત એક મોટી ક્રાન્તિ હતી. આ બધું યુરોપમાં ફેલાયેલ રાષ્ટ્રવાદના માહોલને આભારી હતું. અહીંથી જ આધુનિક સર્બિયન સાહિત્યની શરૂઆત થઈ. મૉન્ટિનીગ્રોના રાજકુમાર અને બિશપ પીટર પૅટ્રોવિસ નૅગૉઝ આ સમયના ઉલ્લેખપાત્ર લેખકો હતા. એમણે મૉન્ટિનીગ્રિન ભાષાના રાષ્ટ્રીય મહાકાવ્ય સમું નાટક ‘ધ માઉન્ટન રિધ’ (1847) લખ્યું. ક્રોએશિયામાં પ્રસિદ્ધ પ્રકાશક લુદેવિટ ગૅ ઇલીરિયન ચળવળ(1835–1848)ના માર્ગદર્શક નેતા હતા. ક્રોએશિયાની રાજકીય અને સાંસ્કૃતિક સ્વતંત્રતાના તેઓ હિમાયતી હતા. અનેક લેખકોનો સહકાર તેમને સાંપડ્યો. કવિ ઈવાન મૅઝુરેનિસે ‘ધ ડેથ ઑવ સ્મેઇલ  – આગા સૅજીસ’ (1846; અનુ. 1925) નામનું મહાકાવ્ય રચ્યું. ફ્રાન્સ પ્રેઝરને (1800–1849) ‘ધ રિધ ઑવ્ સૉનેટ્સ’ (1834) રચીને સ્લોવેનિયાની રોમૅન્ટિક ચળવળને વેગ આપ્યો.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં રશિયન વાસ્તવવાદ અને પરદેશી સાહિત્યોની અસર તળે સર્બિયન, ક્રોએશિયન અને સ્લોવીન લેખકોએ પોતાના પ્રદેશોના ભાતીગળ પોતનું હૂબહૂ વર્ણન કરીને તત્કાલીન સમાજનું દર્શન કરાવ્યું.

ઇવો એન્રિક

ઓગણીસમી સદીના અંતભાગમાં દક્ષિણનાં સ્લાવિક સાહિત્યોમાં આધુનિકતાવાદે પ્રવેશ કર્યો. આમાં ફ્રાન્સનું પ્રદાન મુખ્ય હતું. આ સમય ‘મૉડર્ના’થી ઓળખાય છે. ઊર્મિકવિતામાં હવે દેશદાઝ અને પ્રેમની લાગણીઓનું સ્થાન વ્યક્તિગત ઊર્મિઓએ લીધું. તેમાં અટપટા વિષયની અભિવ્યક્તિ માટે નવી રીતરસમો અજમાવાતી જોવા મળે છે.

બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયમાં યુગોસ્લાવ સાહિત્ય આંતરરાષ્ટ્રીય બનતું ગયું. 1918 પછી દક્ષિણ સ્લાવના પ્રદેશો એકમેક સાથે રાજકીય રીતે જોડાઈ ગયા, પરંતુ તેમનાં પૃથક્પૃથક્ સાહિત્યોએ નિજી અસ્મિતા જાળવી રાખી હતી. આ સમયમાં વિપુલ સાહિત્યસર્જન થયું. આ જુવાળમાં અનેક પ્રકારોમાં પ્રતિભાઓ ઊભરી. તે સમયના જાણીતા લેખકોમાં ઈવો ઍન્દ્રિક, મિલૉઝ ક્રાન્સ્કી અને મિરોસ્લાવ ક્રીઝ છે. સર્બિયન લેખક ઈવો ઍન્દ્રિકને 1961નું નોબેલ પારિતોષિક તેમની બૉસ્નિયાના જીવનને છતું કરતી કૃતિ ‘ધ બ્રિજ ઑન ધ ડ્રિના’ (1945; અનુ. 1959) નવલકથા માટે મળ્યું હતું. ‘ધ બૉસ્નિયન સ્ટોરી’ (1945; અનુ. 1959) અને ‘ધ વુમન ફ્રૉમ સારાયેવો’ (1945; અનુ. 1959) તેમની બીજી મહત્વની કૃતિઓ હતી. ઍન્દ્રિકે પોતાની કૃતિઓના વિષયવસ્તુની ઝીણવટથી તપાસ કરતાં કરતાં મહાકાવ્યની રચનાશક્તિને કામે લગાડી છે. તેમાં સ્વદેશના ઇતિહાસમાં પ્રતીત થતા પ્રારબ્ધ અને પુરુષાર્થના સંઘર્ષને રજૂ કર્યો છે. મિલૉઝ સર્બિયન નવલકથાકાર છે. મિરોસ્લાવનું નામ ક્રોએશિયન લેખક તરીકે જાણીતું છે.

બીજા વિશ્વયુદ્ધે આ તમામ સાહિત્યોને મોટો વળાંક આપ્યો. 1950–’60 દરમિયાન રાજકીય સભાનતા વધી. લેખકોએ પોતાના આત્માના અવાજને સાંભળ્યો. હવે યુદ્ધ સિવાયના રોજબરોજના બનાવોએ લેખકોનું ધ્યાન ખેંચ્યું. શૈલી-અભિવ્યક્તિના નવા નવા પ્રયોગો સવિશેષ ઊર્મિકવિતામાં થયા. ‘ધ વેઇલિંગ માઉન્ટન’(1957)ના લેખક મિહેલો લેલિક છે. ડેબ્રિકા કૉસિકે અરસપરસના સંબંધવાળી ચતુષ્ક રચના(tetralogy)ને ‘અ ટાઇમ ઑવ્ ડેથ’ (1954–61) શીર્ષક તળે પ્રસિદ્ધ કરી છે. તેમાં સર્બિયન ઇતિહાસ વણાયો છે. મીઝા સેલિમોવિકે ‘ધ ડરવિશ ઍન્ડ ડેથ’ (1966) લખ્યું છે. ગુલામીની સદીઓ બાદ મૅસિડોનિયન સાહિત્ય, સવિશેષ કવિતા, હવે પોતાની ઓળખ આપી શકે તેવું બન્યું છે. મૉન્ટેનીગ્રિન લેખક મિલોવન દિલાસ વિશ્વયુદ્ધ પછીના યુગોસ્લાવ રાજકારણનો ચિતાર આપે છે. તેમના નોંધપાત્ર નિબંધો ‘ન્યૂ ક્લાસ’ (1957), ‘લૅંડ વિધાઉટ જસ્ટિસ’ (1958) અને ‘રાઇઝ ઍન્ડ ફૉલ’(1983; અનુ. 1985)માં સમાવિષ્ટ છે.

1991 અને 1992 દરમિયાન યુગોસ્લાવિયાના સાર્વભૌમત્વવાળાં પાંચ પ્રજાસત્તાક રાજ્યો ક્રોએશિયા, સ્લોવેનિયા, બૉસ્નિયા, હર્ઝગોવિના અને મૅસિડોનિયા બન્યાં છે. બાકીનાં બે, સર્બિયા અને મૉન્ટેનીગ્રો સંયુક્ત રીતે પોતાને ‘ફેડરલ રિપબ્લિક ઑવ્ યુગોસ્લાવિયા’ તરીકે ઓળખાવે છે.

વિ. પ્ર. ત્રિવેદી