યુગલિક : મધ્યકાળમાં ટપાલને એક ગામથી બીજે ગામ લઈ જનાર દોડતો હલકારો. ‘પ્રબંધચિંતામણિ’માં તેમનો અધિકારીમાં સમાવેશ થતો હોવાનું જણાવ્યું છે. તેઓ ઘણું કરીને સરકારી પત્રાદિને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડતા. કુમારપાલના સમય(1143–1174)માં મેરુતુંગ કહે છે કે કુમારપાલની જ્યારે સકળ જૈન સંઘના પ્રમુખ તરીકે વરણી થઈ ત્યારે તેણે બધા જૈન તીર્થોની યાત્રા કરવાનું ઠરાવ્યું અને તે અંગેના સંદેશા બધે પાઠવ્યા. ત્યારે બીજા રાજ્યમાંથી આવેલા બે યુગલિકોએ તેને માહિતી આપી કે દાહલ(વર્તમાન જબલપુર)નો રાજા કર્ણ તેના પર ચડી આવવા નીકળ્યો છે. કુમારપાલ આ સમાચારથી ઉદ્વિગ્ન થયો, પણ હેમચંદ્રાચાર્યે આ સમાચાર જાણતાં ભવિષ્યવાણી કરી કે કર્ણ ગુજરાત પર ચડાઈ કરી શકવાનો નથી, કેમ કે, તે માર્ગમાં જ મૃત્યુ પામવાનો છે. ‘પ્રબંધચિંતામણિ’ અનુસાર રાજા દાહલ હાથી પર સવાર થઈને નીકળ્યો હતો ત્યારે માર્ગમાં તેને ઊંઘ આવતાં અચાનક માર્ગમાં આવેલા વડની વડવાઈમાં તેના ગળાની સાંકળી ભરાઈ જતાં ગળું ટૂંપાઈ જવાથી તે મરી ગયો. આ ઘટનાના સમાચાર પણ કુમારપાલને કેટલાક યુગલિકોએ આપ્યા. એ પરથી જણાય છે કે યુગલિકો કેવળ પત્રવ્યવહારને લાવવા-લઈ જવાની કામગીરી જ નહોતા કરતા, પરંતુ અગત્યની માહિતી સમયસર પહોંચાડવાની કામગીરી પણ બજાવતા હતા. તેઓ એક સ્થળેથી બીજે સ્થળે એકલદોકલ નહિ, પણ જોડી બનાવીને દોડતા. કૌટિલ્યે આ સંદેશાવાહક અધિકારીઓનો ઉલ્લેખ કર્યો નથી. પ્રાચીન ભારતમાં ખાનગી સંદેશા લાવવાનું કામ ‘ચર’ (જાસૂસ) લોકો કરતા. કુમારપાલના વહીવટી તંત્રમાં યુગલિક ઉપરાંત ‘ચર’ લોકો પણ હતા. પોતાના મંત્રી બાહડે અંગત દોલત કેવી રીતે હાંસલ કરી છે તેની ખાનગી તપાસ ચરને સોંપવામાં આવતી. ઇસ્લામકાળમાં યુગલિકો હલકારા નામે ઓળખાયા. તેઓ ટપાલ પહોંચાડવા માટે નિશ્ચિત અંતરે આવેલા ગામે દોડતા જતા અને સામેથી આવતા યુગલિકો સાથે ટપાલની અદલાબદલી કરતા. ઉત્તરકાળમાં જાસૂસીનું કામ પણ તેમના દ્વારા કરાવાતું. કાસદ અને ખેપિયા શબ્દો પણ તેમને માટે પ્રયોજાયા છે.
પ્રવીણચંદ્ર પરીખ