યુગાન્ડા : પૂર્વ-મધ્ય આફ્રિકામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 4° 10´ ઉ. અ.થી 1° 15´ દ. અ. અને 29° 30´ પૂ. રે.થી 35° 00´ પૂ. રે. વચ્ચેનો 2,35,880 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. તે લગભગ બધી બાજુએથી ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે સુદાન, પૂર્વમાં કેન્યા, દક્ષિણે ટાન્ઝાનિયા અને રુઆન્ડા તથા પશ્ચિમે ઝાયર દેશો આવેલા છે. કંપાલા તેનું પાટનગર છે.

યુગાન્ડા

ભૂપૃષ્ઠઆબોહવા : યુગાન્ડાનો ઘણોખરો ભાગ સમુદ્રસપાટીથી આશરે 1,200 મીટરની ઊંચાઈએ આવેલા ઉચ્ચપ્રદેશનું ભૂપૃષ્ઠ ધરાવે છે. પૂર્વ અને પશ્ચિમ સીમાઓ પર ઊંચાણવાળા પ્રદેશો આવેલા છે. પૂર્વમાં 4,321 મીટરની ઊંચાઈ ધરાવતો માઉંટ એલ્ગોન પર્વત છે, જ્યારે નૈર્ઋત્યમાં રુવેન્ઝોરી હારમાળામાં 5,109 મીટરની ઊંચાઈવાળું માર્ઘેરિટા શિખર આવેલું છે. ઉત્તર તરફનો ઘણોખરો ભાગ સવાના(નીચાં વૃક્ષો સહિતની ઘાસભૂમિ)ના પ્રદેશથી બનેલો છે, પરંતુ તેનો કેટલોક ઈશાની ભાગ અર્ધરણ જેવો છે. દેશના દક્ષિણ ભાગમાં ગીચ જંગલો આવેલાં છે. પશ્ચિમના ઊંચાણવાળા વિભાગની અડોઅડ પૂર્વમાં આફ્રિકાની ફાટખીણ પસાર થાય છે. તેમાં આલ્બર્ટ, એડ્વર્ડ અને જ્યૉર્જ સરોવરો આવેલાં છે. દેશનો સમગ્ર અગ્નિભાગ વિક્ટોરિયા સરોવરથી રોકાયેલો છે. વિક્ટોરિયા સરોવરનો ઉત્તર તરફનો લગભગ અર્ધો ભાગ યુગાન્ડામાં આવેલો છે. દક્ષિણ તરફનો બાકીનો અર્ધો ભાગ ટાન્ઝાનિયામાં આવેલો છે. તે દુનિયાનું વિશાળતામાં બીજા ક્રમે આવતું સ્વચ્છ જળનું સરોવર ગણાય છે. આલ્બર્ટ નાઇલ અહીંની મુખ્ય નદી છે. બધાં સરોવરો અને નદીઓ મળીને દેશની ભૂમિનો છઠ્ઠો (18 % જેટલો) ભાગ આવરી લે છે. શ્ર્વેત નાઇલનાં ઉપરવાસનાં જળ યુગાન્ડામાં થઈને વહે છે. ભૂપૃષ્ઠની વિવિધતા ધરાવતું યુગાન્ડા હિમાચ્છાદિત પર્વતો સહિત રમણીય સરોવરો અને ભવ્ય કુદરતી દૃશ્યોથી ભરપૂર છે. અહીંનાં વિશાળ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ઘણાં વન્ય પ્રાણીઓ પણ વિચરતાં જોવા મળે છે.

વિષુવવૃત્ત દેશના દક્ષિણ ભાગમાં થઈને પસાર થાય છે, તેમ છતાં અહીંના ઊંચાઈવાળા ભૂપૃષ્ઠને કારણે તાપમાન નીચું રહે છે. દેશના ઘણાખરા ભાગોમાં દિવસ દરમિયાનનું તાપમાન ભાગ્યે જ 29° સે.થી ઉપર અને રાત્રિ દરમિયાનનું તાપમાન ભાગ્યે જ 16°થી નીચે જાય છે. અહીંના મોટા ભાગના પ્રદેશોમાં વાર્ષિક 1,000 મિમી.થી વધુ વરસાદ પડે છે.

અર્થતંત્ર : યુગાન્ડા ખેતીપ્રધાન દેશ છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં કેળાં, કસાવા, કપાસ, શેરડી, મકાઈ, બાજરી, વાલ, શકરિયાં, ચા અને કૉફીનો સમાવેશ થાય છે. આ બધી પેદાશોના મોટાભાગની નિકાસ કરવામાં આવે છે. દેશમાં ઘણાં ખનિજોના જથ્થા આવેલા છે; પરંતુ તે પૈકી માત્ર તાંબાનાં ખનિજો જ મોટા પાયા પર ખોદી કાઢવામાં આવે છે. કંપાલા નજીક જિંજા ખાતે આવેલો ઓવેન ફૉલ્સ ડૅમ યુગાન્ડાનું મુખ્ય ઔદ્યોગિક મથક હોવા ઉપરાંત આફ્રિકા ખંડનું વિશાળ પાયા પરનું જળવિદ્યુત-મથક પણ છે. કેસેસે નજીક આવેલા કિલેમ્બે ખાતેની તાંબાની ખાણમાંથી તાંબાનાં ખનિજોને જિંજા ખાતે ધાતુશોધન માટે અને ત્યાંથી કેન્યાના દરિયાઈ બંદર મૉમ્બાસા ખાતે લઈ જવાય છે. માલવાહક જહાજો અને મુસાફરી માટેનાં જહાજો વિક્ટોરિયા, આલ્બર્ટ, કીઓગા (kyoga) જેવાં સરોવરોમાં તેમજ આલ્બર્ટ-નાઇલ નદીમાં અવરજવર કરતાં રહે છે. યુગાન્ડામાં લગભગ 6,120 કિમી. લંબાઈના માર્ગો આવેલા છે.

વસ્તી–લોકજીવન : યુગાન્ડાની વસ્તી 2000 મુજબ 2,22,10,000 જેટલી છે. વસ્તીની ગીચતા દર ચોકિમી.દીઠ 81 વ્યક્તિઓની છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું વિતરણ અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. અહીંના મોટાભાગના લોકશ્વેત આફ્રિકીઓ છે. દેશમાં 20થી વધુ જાતિસમૂહો વસે છે. દરેક જાતિસમૂહને પોતાની અલગ ભાષા છે. બધા જ લોકો સમજી શકે એવી કોઈ એક સામાન્ય ભાષા આ દેશમાં નથી. અહીંની સત્તાવાર ભાષા ઇંગ્લિશ છે. બધા જાતિસમૂહો પૈકી ગાન્ડા અથવા બુગાન્ડા જાતિસમૂહ મોટામાં મોટો અને શ્રીમંત છે. તે સમૂહ મધ્ય અને દક્ષિણ યુગાન્ડામાં રહે છે. તેનું સામાજિક અને રાજકીય સંગઠન મધ્ય આફ્રિકી દેશોમાં વધુમાં વધુ વિકસિત કક્ષાનું ગણાય છે. 1967 સુધી તો આ ગાન્ડા જાતિસમૂહને પોતાનો રાજા (કાબાકા) અને પોતાની અલગ સંસદ (લુકિકા) પણ હતાં. મોટાભાગના ગાન્ડા લોકો ખેડૂતો છે. ખેતીનું ઘણુંખરું કામ ગાન્ડા સ્ત્રીઓ જ કરે છે. આ સમૂહના લોકો કાદવ કે જ્વાળામુખી ભસ્મનાં ગચ્ચાંની દીવાલોવાળાં અને સિમેન્ટના પ્લાસ્ટરવાળાં, લોખંડનાં પતરાંવાળાં – છાપરાવાળાં મકાનોમાં રહે છે. ગાન્ડાઓની જેમ જ બીજા ત્રણ જાતિ-સમૂહોને પણ પોતપોતાના અલગ અલગ રાજાઓ હતા. આ સમૂહોના ઘણાખરા લોકો પણ ખેડૂતો જ છે. ઈશાન યુગાન્ડાના કારામોજોન્ગ તેમજ ઉત્તરના સૂકા ભાગોમાં વસતા બીજા જાતિસમૂહો ભરવાડોનું વિચરતું જીવન ગાળે છે. કારામોજોન્ગ પુરુષો તેમના વાળ રંગીન માટી વડે ભાતભાતની પદ્ધતિથી ગૂંથે છે. આ બધા યુગાન્ડાવાસીઓ પરંપરાગત ચાલ્યા આવતા પોતપોતાના ધર્મ પાળે છે; તેમ છતાં દેશના 50 % જેટલા લોકો ખ્રિસ્તી છે. અહીં મુસ્લિમોની લઘુમતી છે. દેશના આશરે 50 % લોકો લખી વાંચી જાણે છે. દેશમાં ચાલી આવતી અશાંતિને કારણે 1970ના દાયકાથી શિક્ષણમાં ઘટાડો થતો ગયો છે. પાટનગર કંપાલામાં મૅકેરેરે યુનિવર્સિટી આવેલી છે.

ઑવેન ધોધ અને બંધ, યુગાન્ડા

ઇતિહાસ : ઈશુ ખ્રિસ્તના જન્મ પછીનાં પ્રથમ સો વર્ષ સુધીમાં આજે જ્યાં યુગાન્ડાનો પ્રદેશ છે, તે ભાગોમાં વસતા તત્કાલીન લોકોએ ખેતીની પ્રવૃત્તિ વિકસાવેલી. તેઓ લોખંડનો ઉપયોગ પણ કરતા હતા. ત્યારપછીથી તેમણે તેમના અગ્રેસરોની નેતાગીરી હેઠળ સરકાર રચેલી. ઈ. સ. 1300 પછી અહીં ઘણી સ્થાનિક સરકારોનું શાસન રહેલું. આ પ્રકારના જૂના શાસકોમાં બુન્યોરો કિટારા(Bunyoro Kitara)નું શાસન મહત્વનું ગણાય છે.

1850ના અરસામાં આરબ વેપારીઓ અહીં આવ્યા. ત્યાં સુધીમાં તો ગાન્ડાઓએ બુગાન્ડા નામનું સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય બનાવી દીધેલું. આ સામ્રાજ્યમાં તેમણે વિશાળ લશ્કર ઊભું કર્યું હતું અને તેમનો સરકારી વહીવટ કુશળ રીતે ચાલતો હતો. 1860 અને 1870ના દાયકાઓમાં ગ્રેટ બ્રિટનના આરોહકો તથા ધર્મપ્રચારકો આવ્યા અને ધીમે ધીમે તેમણે 1894 સુધીમાં યુગાન્ડાને બ્રિટિશ-રક્ષિત રાજ્ય બનાવી દીધું. 1890ના દાયકામાં તેમાં બીજાં ત્રણ રાજ્યોને ભેળવ્યાં અને તેનું એક વિશાળ રક્ષિત સામ્રાજ્ય બનાવ્યું. યુગાન્ડાની આજની સીમાઓ 1926માં નક્કી થયેલી છે. કૉફી અને કપાસના પાકોમાં વૃદ્ધિ થતી ગઈ અને યુગાન્ડાના અર્થતંત્રનો પાયો મજબૂત બન્યો.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) બાદ આફ્રિકાવાસીઓએ યુગાન્ડાના વહીવટમાં મહત્વનો ભાગ ભજવવાનું શરૂ કર્યું, કારણ કે ઘણા ગાન્ડા લોકોને પોતાનો દેશ સ્વતંત્ર થાય એવી ઇચ્છા હતી. સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ. 1950ના દાયકામાં બ્રિટિશ હકૂમત અને બુગાન્ડાના કબાકા(રાજા)ઓ વચ્ચે સંઘર્ષો શરૂ થયા. છેવટે 1962ના ઑક્ટોબરની નવમી તારીખે યુગાન્ડા સ્વતંત્ર બન્યું. ઉત્તર તરફના જાતિસમૂહના એક સભ્ય એપૉલો મિલ્ટન ઓબોટે વડાપ્રધાન બન્યા. નજીકના પ્રદેશો પણ સ્વતંત્ર બન્યા. યુગાન્ડાને વિશિષ્ટ સત્તાઓ મળી.

1963ના ઑક્ટોબરમાં, સર એડવર્ડ મુતેસા બીજા (બુગાન્ડાના કબાકા) પ્રમુખ તરીકે ચૂંટાયા. પરંતુ મુતેસા અને ઓબોટે વચ્ચે ગંભીર મતભેદો ઊભા થયા. 1966માં ઓબોટેએ મુતેસાને પદભ્રષ્ટ કર્યા. નવું બંધારણ જાહેર કર્યું અને ઓબોટે પ્રમુખ બન્યા. સરકારી દળોએ મુતેસાના મહેલ પર હુમલો કર્યો, પરંતુ મુતેસા નાસી ગયા. 1967માં ફરીથી નવું બંધારણ સ્વીકારાયું. દેશ પ્રજાસત્તાક બન્યો. દેશની પરંપરાગત સામ્રાજ્યવાદની વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી. 1971માં યુગાન્ડાના લશ્કરે ઓબોટેને સત્તા પરથી ઉથલાવ્યા અને લશ્કરી રાજ્યની સત્તા ગોઠવી દીધી. લશ્કરી દળોના કમાન્ડર મેજર જનરલ ઈદી અમીન દાદાએ પ્રમુખ તરીકે નવી સરકારનાં સૂત્રો હાથમાં લીધાં. ત્યારે 1972માં દેશમાં વસતા અંદાજે 40,000થી 50,000 એશિયાવાસીઓને યુગાન્ડા છોડી જવાના આદેશો બહાર પાડવામાં આવ્યા. ઘણા એશિયનો તો યુગાન્ડાના નાગરિકો પણ બન્યા ન હતા, પરંતુ તેમણે ધંધાઓ અને ઘણી માલમિલકત વસાવ્યાં હતાં; તે બધું જપ્ત કરવામાં આવ્યું. ઈદી અમીને આ બધું પોતાના વફાદાર સૈનિકોને ઇનામમાં વહેંચી આપ્યું. ઈદી અમીને આ રીતે પોતાની સત્તા મજબૂત બનાવી અને આપખુદ શાસક બની રહ્યા. જેમણે ઈદી અમીનની નીતિઓનો વિરોધ કર્યો એવા યુગાન્ડાના હજારો નિવાસીઓની કતલ કરવામાં આવી.

ઇદી અમીન

1978માં યુગાન્ડા–ટાન્ઝાનિયા વચ્ચેની સરહદની તકરાર સંઘર્ષમાં પરિણમી. 1979માં ઈદી અમીનના વિરોધી યુગાન્ડાવાસીઓની સહાયથી ટાન્ઝાનિયાનાં દળોએ યુગાન્ડાને હરાવ્યું અને અમીનની સરકારને ઉથલાવી દીધી. ઈદી અમીનના વિરોધીઓએ યુગાન્ડાની સરકારનો કબજો લીધો. 1980ના મે મહિનામાં આ નવી સરકારને લશ્કરી દળોએ ઉથલાવી. તેમણે નવી સરકાર રચી. નાગરિકો અને લશ્કરી નેતાઓનું એક પંચ નીમવામાં આવ્યું. 1980ના ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજાઈ. તે દરમિયાન દેશ બહાર ગયેલા ઓબોટે ફરી યુગાન્ડામાં પાછા ફર્યા. તેમનો પક્ષ આ ચૂંટણીમાં વિજયી થયો. ઓબોટે ફરી પાછા સત્તા પર આવ્યા; પરંતુ તેમના પ્રતિસ્પર્ધીઓએ જણાવ્યું કે ઓબોટે દગો કરીને ચૂંટણી જીત્યા છે. તેથી ઓબોટેને કાઢી મૂકવા માટે ગેરીલા યુદ્ધ શરૂ થયું. 1985માં લશ્કરી નેતાઓએ ઓબોટેને ઉથલાવ્યા અને રાષ્ટ્રીય સંસદને વિખેરી નાખવામાં આવી. એ પછી જનરલ ટીટો ઓકેલો પ્રમુખ બન્યા. નૅશનલ રેઝિસ્ટન્સ મુવમેન્ટ (NRM) સક્રિય બની. ઓકેલોને ઉથલાવવા ચળવળ શરૂ થઈ. NRM સંગઠનનાં દળોએ 1986ના જાન્યુઆરીમાં કંપાલા કબજે કરી લીધું. મુસેવેની પ્રમુખ બન્યા. તે વર્ષના અંત સુધીમાં તેમણે યુગાન્ડામાં શાંતિ ફેલાવી, તેમ છતાં ઉત્તર અને પૂર્વ સરહદો પર સંઘર્ષો ચાલતા રહ્યા. દેશને રાજકીય અશાંતિ અને આર્થિક વિટંબણાઓ સહન કરવાની આવી. 1993માં બુગાન્ડાના રાજાને મુદતી રાજવી તરીકે બેસાડ્યા. 1996માં ચૂંટણીઓ યોજાઈ; જેમાં મુસેવેની ચૂંટાઈ આવતાં તેઓ પ્રમુખ બન્યા છે.

ગિરીશભાઈ પંડ્યા