યાહ્યાખાન, મોહમ્મદ

January, 2003

યાહ્યાખાન, મોહમ્મદ (જ. 4 ફેબ્રુઆરી 1917, પેશાવર; અ. 10 ઑગસ્ટ 1980, રાવલપિંડી, પાકિસ્તાન) : પાકિસ્તાનના પ્રમુખ (1969–1971). 1966માં પાકિસ્તાનના લશ્કરના સરસેનાપતિ. ઈરાનના શાસક નાદિરશાહના વંશમાં યાહ્યાખાન જન્મ્યા હતા. પંજાબ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધા બાદ દહેરાદૂનની ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાંથી તે પ્રથમ વર્ગ સહિત સ્નાતક થયા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઇટાલી અને મધ્ય પૂર્વમાં સેવા આપી તથા ભારતના વિભાજન બાદ 1947માં પાકિસ્તાનમાં સ્ટાફ કૉલેજ શરૂ કરી. ભારત સામે કાશ્મીર-યુદ્ધમાં ભાગ લીધા બાદ, તે 34 વર્ષની ઉંમરે પાકિસ્તાનના સૌથી નાની ઉંમરના બ્રિગેડિયર જનરલ, 40 વર્ષની વયે પાકિસ્તાનના સૌથી નાની ઉંમરના સેનાપતિ અને 1966માં સરસેનાપતિ બન્યા. પ્રમુખ અય્યૂબખાનના સમયમાં શેરીઓમાં લડાઈ ફાટી નીકળી ત્યારે યાહ્યાખાન લશ્કરનો હવાલો સંભાળતા હતા. અય્યૂબખાને તેમને પાકિસ્તાનની અખંડિતતા જાળવી રાખવા જણાવ્યું. તેમને લશ્કરી કાયદા(માર્શલ લૉ)ના મુખ્ય વહીવટદાર નીમવામાં આવ્યા. માર્ચ 1969માં અય્યૂબખાને દેશના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું, ત્યારે યાહ્યાખાને પ્રમુખપદ સંભાળ્યું. શેખ મુજીબુર રહેમાનના નેતૃત્વ હેઠળ પૂર્વ પાકિસ્તાનના અવામી પક્ષ અને કેન્દ્ર સરકાર વચ્ચે 1971માં ગંભીર સંઘર્ષ શરૂ થયો. મુજીબુર રહેમાને પૂર્વ પાકિસ્તાન માટે સ્વાયત્તતાની માગણી કરી. તેના જવાબમાં યાહ્યાખાને અવામી પક્ષને કચડી નાખવાનો લશ્કરને હુકમ કર્યો. લશ્કરે ક્રૂરતાપૂર્વક તે હુકમનો અમલ કરવાથી લાખો લોકો સરહદ પાર કરીને નિરાશ્રિતો તરીકે ભારતમાં પ્રવેશ્યા. તેના ફલસ્વરૂપે ભારતે પૂર્વ પાકિસ્તાનમાં લશ્કર મોકલી પશ્ચિમ પાકિસ્તાનના લશ્કરને દૂર હઠાવ્યું. પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ નામથી સ્વતંત્ર દેશ બન્યો અને એક વિશાળ પ્રદેશ ગુમાવવાથી યાહ્યાખાને 20 ડિસેમ્બર 1971ના રોજ રાજીનામું આપ્યું. તેથી પાકિસ્તાનની સત્તાનાં સૂત્રો ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ સંભાળ્યાં અને યાહ્યાખાનને અટકાયતમાં રાખ્યા. પક્ષાઘાતના હુમલાથી બીમાર પડવાથી જુલાઈ 1974માં તેમને મુક્ત કરવામાં આવ્યા. તે પછી તેમણે રાજકારણમાં ભાગ લીધો નહિ.

જયકુમાર ર. શુક્લ