યાસ્પર્સ, કાર્લ

January, 2003

યાસ્પર્સ, કાર્લ (જ. 1883; અ. 1969) : વીસમી સદીના યુરોપીય અસ્તિત્વવાદી વિચાર-આંદોલનના અગ્રણી જર્મન મનોવૈજ્ઞાનિક અને તત્વચિંતક. જોકે, પોતાના અભિગમને અસ્તિત્વવાદી તત્વચિંતન તરીકે ઘટાવવા સામે તેમને વાંધો હતો. 1901થી 1908 સુધી યાસ્પર્સે જર્મનીની હાઇડલબર્ગ, મ્યૂનિક, બર્લિન અને ગૉટિંગન યુનિવર્સિટીઓમાં કાનૂની અને તબીબી વિદ્યાશાખામાં અભ્યાસ કર્યો હતો. એમ.ડી. થયા પછી 1908થી 1915 તેમણે હાઇડલબર્ગ યુનિવર્સિટીના માનસિક દર્દીઓ માટેના ચિકિત્સાલયમાં સ્વૈચ્છિક સેવાઓ આપી હતી. 1921માં હાઇડેલબર્ગ યુનિવર્સિટીમાં તેઓ તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિમાયા હતા. યાસ્પર્સનાં પત્ની યહૂદી હોવાથી હિટલરના તે સમયના યહૂદી-વિરોધી જર્મન શાસનનો તેઓ ભોગ બન્યા હતા. અધ્યાપક તરીકે તેમને તે કારણે છૂટા કરવામાં આવ્યા હતા. તેમનાં પ્રકાશનો ઉપર પણ પ્રતિબંધ મુકાયો હતો. અમેરિકન લશ્કરે હાઇડલબર્ગને 1945માં મુક્ત કર્યું તેથી યાસ્પર્સ દંપતી દેશનિકાલના ફરમાનમાંથી બચી ગયાં હતાં. 1948માં તેમણે સ્વિટ્ઝર્લૅન્ડની બાઝલ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની નિમણૂક સ્વીકારી હતી.

તેમની સત્તર વર્ષની વયે યાસ્પર્સે પ્લેટો, પ્લૉટિનસ, સંત ઑગસ્ટાઇન અને સ્પિનોઝાનો અભ્યાસ કર્યો હતો. તેઓ હેગલ અને કાન્ટથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

ઓગણીસમી સદીના કિર્કગાર્ડ અને નીત્શે જેવા યુરોપીય ચિંતકોને અવગણી શકાય જ નહિ તેવું તેમને જણાયું હતું. જૂના વિચારોનું સતત પુનરાવર્તન કર્યા કરવું એ ખરા અર્થમાં તત્વચિંતન ન ગણાય. તત્વજ્ઞાનના ઇતિહાસને ઊંડાણમાં જાણવાનું યાસ્પર્સની ર્દષ્ટિએ ખૂબ મહત્વનું હતું. જોકે તત્વજ્ઞાન કેવળ વિદ્યાકીય અધ્યયન (academic philosophy) બની રહે તે યાસ્પર્સને મંજૂર ન હતું. યાસ્પર્સ જેનાથી વ્યક્તિગત રીતે પરિચિત હતા તેવી વ્યક્તિઓમાંથી જર્મન સમાજશાસ્ત્રી વેબરથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.

યાસ્પર્સના મુખ્ય ગ્રંથો (અંગ્રેજી શીર્ષકો પ્રમાણે) આ પ્રમાણે છે : ‘સાઇકોપેથૉલોજી’ (1913); ‘સાઇકૉલોજી ઑવ્ વર્લ્ડ-વ્યૂઝ’ (1919); ‘ફિલૉસોફી’ (3 ભાગોમાં, 1932), ‘મૅન ઇન ધ મૉડર્ન એઇજ’ (1949, 1951); ‘યુરોપિયન સ્પિરિટ’ (1947); ‘વે ટુ વિઝડમ’ (1950), ‘ધી આઇડિયા ઑવ્ યુનિવર્સિટી’ (1959); ‘ધ ક્વેશ્ચન ઑવ્ જર્મન ગિલ્ટ’ (1947).

યાસ્પર્સ પ્રમાણે કાન્ટે ચાર મુખ્ય પ્રશ્નો ચિંતન માટે રજૂ કર્યા હતા :

1. હું શું જાણી શકું ?

2. મારે શું કરવું જોઈએ ?

3. મારે શેની આશા રાખવી જોઈએ ?

4. મનુષ્ય શું છે ?

કાન્ટના આ પ્રશ્નો હજી પણ પ્રસ્તુત જ છે. એ સતત પુછાયા કરવા જોઈએ. તેના કોઈ આખરી ઉકેલો મળી ગયા તેવો દાવો કરવો જરૂરી નથી.

યાસ્પર્સના ચિંતનમાં ‘અંતિમ પરિસ્થિતિ’(ultimate situation)નો વિચાર ખૂબ મહત્વનો છે. વ્યક્તિના જીવનમાં સંઘર્ષ, અપરાધભાવ, વેદના, મૃત્યુ વગેરે અનિવાર્ય પરિસ્થિતિઓ આવતી હોય છે. તત્વજ્ઞાનના મુખ્ય પ્રશ્નો જીવનના અનુભવોમાંથી એટલે કે કેટલીક સીમાવર્તી પરિસ્થિતિઓ ઉપરના ચિન્તનમાંથી પ્રાપ્ત થાય છે. મનુષ્ય પરિમિત (finite) છે. તેના અનુભવને, તેના જ્ઞાનને, તેના સત્યને, કે તેનાં મૂલ્યને હમેશાં કોઈ ને કોઈ સીમાઓ હોય છે. જેમ જેમ તે તે ક્ષેત્રોમાં આગળ વધતો જાય તેમ તેમ તેને નવી ને નવી ક્ષિતિજો દેખાતી જાય છે. મનુષ્યનું જીવન સત્યની શોધનો અવિરત પ્રયાસ છે. તેમાં ક્યાંય કોઈ તબક્કે સંપૂર્ણ આખરી સિદ્ધિ મળતી નથી. દરેક પરિસ્થિતિને, દરેક અનુભવને પાર કરતા જવું પડે છે અને દરેકનું અતિક્રમણ કરીને પારગામી(transcendence)ની શોધ ચાલ્યા જ કરે છે.

યાસ્પર્સ વિજ્ઞાનનો ઇન્કાર કરતા નથી. આધુનિક યુગમાં વિજ્ઞાનનો ઇન્કાર થઈ શકે જ નહિ, પરંતુ વિજ્ઞાનની મદદથી જ વિજ્ઞાનની સીમાઓ જાણી શકાય છે. જોકે વિજ્ઞાનની ક્ષિતિજો પણ સતત વિસ્તરતી જાય છે, એટલે તેની આખરી કાયમી સીમાઓ પણ બાંધી શકાતી નથી.

મનુષ્ય અનુભવગમ્ય જ્ઞાનના વિષય તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ તેનું અનુભવગમ્ય જ્ઞેય વિષય તરીકેનું અસ્તિત્વ (empirical existence) છે. ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેની મદદથી જુદે જુદે સ્તરે મનુષ્યનું જ્ઞાન મેળવી શકાય છે. આ વિજ્ઞાનોના સમુચ્ચયથી મળતું સમગ્ર મનુષ્યનું જ્ઞાન પણ વિચારવું જરૂરી છે.

યાસ્પર્સ સમાવેશ-ક્ષેત્ર(encompassing)નો વિચાર આ સંદર્ભમાં રજૂ કરે છે. દરેક મનુષ્યના અનુભવગમ્ય અસ્તિત્વનું સમાવેશ-ક્ષેત્ર તે મનુષ્યનો સમગ્ર રૂપે તેમાં સમાવેશ કરે છે એ અર્થમાં કોઈ આ કે તે વિશેષ વિજ્ઞાન સમગ્ર મનુષ્યને જાણી શકે જ નહિ.

અનુભવગમ્ય અસ્તિત્વ એ મનુષ્યમાં સમાવેશક ક્ષેત્રનો પહેલો પ્રકાર છે. તેનો બીજો પ્રકાર છે – માનવચેતના. મનુષ્ય જે કંઈ અનુભવે છે તે જ તેને માટે સત્ હોય છે, તેની ચેતના જે સ્વરૂપમાં વસ્તુઓનો અંગીકાર કરી શકે તે સ્વરૂપમાં જ વસ્તુઓ ગ્રાહ્ય બને છે; પરંતુ મનુષ્ય જેમ જેમ પોતાની ચેતનાની સીમાઓને જાણતો જાય છે તેમ તેમ એક બીજા અર્થમાં તેની ચેતનાનો વિસ્તાર થતો જાય છે. અજ્ઞાત પ્રત્યે, પારગામી પ્રત્યે, તેનું મન ખુલ્લું થતું આવે છે. વિષયની ચેતનાને બદલે તે ધીમે ધીમે ચેતનાને જ તેનો વિષય બનાવતો જાય છે. આમ બીજા સ્તરે ચેતના પોતે જ એક આવરી લેતું ક્ષેત્ર  encompassing  બને છે.

ત્રીજા સ્તરે યાસ્પર્સ ‘spirit’ને આત્મતત્વને આવરી લેતું ક્ષેત્ર ગણે છે. તેમાં ચેતના અને તેના તમામ વિષયોની સમગ્રતાને આવરી લેવામાં આવે છે. ચેતનાનું સત્ય અને ચેતનામાં ભાસતા જગતનું ક્ષેત્ર એ બધાંનો સંકલિત સ્વરૂપે આ આત્મતત્વની સભાનતામાં સમાવેશ થઈ જાય છે.

સમાવેશક-ક્ષેત્રનાં ત્રણ સ્વરૂપો છે : મનુષ્યનું અનુભવગમ્ય અસ્તિત્વ, તેની ચેતના અને તેનું આત્મતત્વ. મનુષ્યનું સત્ આ ત્રણ રીતે ખરેખર પ્રવર્તે છે.

મનુષ્યનું સત્ જુદી જુદી બાબતોને સમાવતું સત્ છે, પરંતુ મૂળ સત્ પોતે જ સર્વાશ્લેષી સત્ છે. યાસ્પર્સ પ્રમાણે ‘ટ્રાન્સેન્ડન્સ’ – સર્વને પાર કરી જતું તત્વ – હોઈને કાયમી રીતે સુલભ થતું નથી. તેની ગૂઢ લિપિ ઉકેલ્યા કરવાની રહે છે.

મનુષ્યની સતની ઝંખના ફળશે જ એવી ખાતરી તત્ત્વજ્ઞાન કરાવી શકે નહિ. મનુષ્યો પરિસ્થિતિમાં મુકાયેલા હોય છે. તેમાંથી તેમણે પોતાના આધાર વગરના સ્વાતંત્ર્યના ઉપયોગથી માર્ગ કાઢવાનો છે. અસ્તિત્વલક્ષી પસંદગી અને નિર્ણયો કરવામાં શંકા, વ્યગ્રતા, અનિશ્ચિતતા, સંદિગ્ધતા કે નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. આ મૂળભૂત માનવીય પરિસ્થિતિ છે. નિરપેક્ષ જ્ઞાન કે સંપૂર્ણ સ્વ-સાક્ષાત્કાર મનુષ્યને માટે શક્ય નથી. તેથી સહુએ ખુલ્લું મન રાખીને અને બીજા સાથે મુક્ત સંવાદ અને પ્રત્યાયન ચાલુ રાખીને, પોતાને જ સત્ય મળી ગયું છે તેવો દુરાગ્રહ છોડીને, સાર્થક રીતે જીવવાનું રહે છે.

યાસ્પર્સને ખોટી સલામતી આપતાં અને સમસ્યાના તૈયાર ઉકેલો આપતાં ચિંતનતંત્રો માન્ય નથી. પરિમિત મનુષ્યો માટે અપરિમિત સત્ કે અનંતના માર્ગની સફરનો ‘કરુણ અંજામ’ આવે છે, જેને યાસ્પર્સ ‘shipwreck’ કહે છે. આ નિષ્ફળતા પ્રત્યે તત્વજ્ઞાન આપણને સભાન કરે છે. તેની સામે તે રક્ષણ આપતું નથી. પરમતત્વ છે જ અને તેને પ્રાપ્ત કરવાનો માર્ગ પણ નિશ્ચિત છે તેવી નિરાંત યાસ્પર્સ મુજબ તત્વજ્ઞાનમાં પણ નથી હોતી.

હિટલરના નાત્સી શાસન દરમિયાન મોટે પાયે યહૂદીઓની વંશ-હત્યા થઈ હતી. તે સમયે જર્મનોમાં સામૂહિક રૂપે તે અંગેનો પશ્ચાત્તાપ, અફસોસ, દિલગીરી, અસહાયતા અને અપરાધભાવ પ્રવર્તતો હતો.

‘ધ ક્વેશ્ચન ઑવ્ જર્મન ગિલ્ટ’ એ ગ્રંથમાં યાસ્પર્સે દર્શાવ્યું કે જ્યાં સુધી જર્મનો એકબીજા સાથે નિખાલસભાવે  વાતચીત, સંવાદ કે કોમ્યૂનિકેશન નહિ કરે અને સદભાવ અને ખુલ્લું મન નહિ રાખે ત્યાં સુધી અપરાધભાવ અને અફસોસમાંથી તે પ્રજા બહાર આવી શકશે નહિ. સચ્ચાઈપૂર્વકનો સંવાદ, પરસ્પરની સમજણને વધારે તેવી સમાન કક્ષાની ભાગીદારી, બીજાને સાંભળવાની તૈયારી અને બીજાની ર્દષ્ટિએ પ્રશ્નો સમજવાની તૈયારી ન હોય ત્યાં સુધી લોકો દ્વેષબુદ્ધિથી વિભાજિત થતા હોય છે. સંવાદ જ શક્ય નથી તેમ માનવું ખૂબ જોખમી છે. તેનાથી દ્વિમાર્ગી વિચાર-વ્યવહાર અટકી જાય છે. તેના કરતાં વિરોધી માન્યતાઓમાં ક્યાંક સમાનતા શોધવી એ વધુ મહત્વનું કામ છે. યાસ્પર્સના ચિંતનમાં સંવાદ, નિખાલસ વાતચીત કે પ્રત્યાયનનું ખૂબ મહત્વ છે.

મધુસૂદન બક્ષી