યાસ્કાચાર્ય (ઈ. સ. પૂર્વેની આઠમી સદી) : એક પ્રખ્યાત ગ્રંથકાર શબ્દાર્થ શાસ્ત્રી. યારસ્કાર દેશના રહેવાસી હોવાથી તેઓ યારસ્કર પણ કહેવાતા હતા. યાસ્કે પ્રજાપતિ કશ્યપના ગ્રંથ ‘નિઘંટુ’ પર પોતાનો પ્રસિદ્ધ ગ્રંથ ‘નિરુક્ત’ લખ્યો. આ ગ્રંથ વેદોનું તાત્પર્ય સ્પષ્ટ કરનારો સહુથી પ્રાચીન ગ્રંથ મનાય છે. તેઓ પાણિનિ પહેલાં થયેલા છે અને એમને પ્રાચીન ભાષાશાસ્ત્રના આદિ આચાર્ય માનવામાં આવે છે. તેમને મતે જે શબ્દ ભાષામાં પ્રચલિત (લૌકિક) શબ્દો સાથે સામ્ય ધરાવે છે તે જ શબ્દો ખરેખર તો અર્થવાન થાય છે. વૈદિક મંત્રોના અશુદ્ધ ઉચ્ચારણની એમણે ભારે ટીકા કરી છે. તેમને મતે સ્વર અને વર્ણથી ભ્રષ્ટ થયેલ મંત્ર યજમાનનો નાશ કરી નાખે છે. એમણે રચેલા ‘નિરુક્ત’માં વેદોમાં પ્રયોજેલા શબ્દોની વ્યુત્પત્તિ બતાવી છે. વિશિષ્ટ અર્થ રૂપે કેટલાક રૂઢ શબ્દોની વ્યાખ્યા કરી છે. સાથોસાથ પ્રસંગ પડે ભાષાવિજ્ઞાન, વ્યાકરણ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, સાહિત્ય વગેરેને લગતા વિષયોનું પણ પ્રતિપાદન કર્યું છે.

પ્રવીણચંદ્ર પરીખ