યાશિન લેવ (જ. 22 ઑક્ટોબર 1929, મૉસ્કો; અ. 21 માર્ચ 1990, મૉસ્કો) : ફૂટબૉલના રશિયન ખેલાડી. સોવિયેત સૉકરના એક મહાન અને તેજસ્વી ખેલાડી. 1963ના વર્ષના યુરોપિયન ફૂટબૉલર તરીકેનું સન્માન પામનાર એકમાત્ર ગોલકીપર. તેમણે મૉસ્કો ડાઇનમો સંસ્થા તરફથી આઇસ હૉકીના ખેલાડી તરીકે આરંભ કર્યો અને 1951માં સૉકરની રમતમાં ગંભીરતાપૂર્વક ઝંપલાવ્યું; એમાં 1954થી ’67 દરમિયાન યુ.એસ.એસ.આર. માટે 78 કૅપના વિજેતા બન્યા. 1956ની ઓલિમ્પિક રમતોમાં તેઓ સુવર્ણચંદ્રકના વિજેતા નીવડ્યા. 1958થી ’66 દરમિયાન તેઓ 3 વિશ્વકપ-સ્પર્ધામાં રમ્યા અને 1960માં યુ.એસ.એસ.આર.ને યુરોપિયન ચૅમ્પિયનશિપનું વિજેતા બનાવ્યું.

તેઓ ‘બ્લૅક પૅન્થર’ તરીકે પંકાયા હતા. તેમના રમત-કૌશલ્યને પરિણામે તેમની સંસ્થા ‘ડાઇનમો’ રશિયન લીગ સ્પર્ધામાં 5 વાર અને કપની સ્પર્ધામાં 2 વાર વિજેતા બની શકી હતી. આકર્ષક વ્યક્તિત્વ તથા અંગ-કસરતના ખેલ જેવા રમત-પ્રાવીણ્યને કારણે તેઓ રશિયાના સૌથી લોકપ્રિય ખેલાડી બની રહ્યા અને રાજ્ય તરફથી અનેક ‘ઑર્ડર’ તથા ‘ડેકોરેશન’ વડે તેમનું સન્માન કરાયું. તેમની નિવૃત્તિ પ્રસંગે તેમના કપ્તાનપદે ‘ડાઇનમો’ તથા શેષ વિશ્વ(Rest of the World)ના પસંદ કરેલા ખેલાડીઓ વચ્ચે 1971માં લેનિન સ્ટેડિયમ ખાતે તેમની કદર રૂપે સ્પર્ધા યોજવામાં આવી હતી. પછીના જ દિવસે તેઓ ‘ડાઇનમો’ સંસ્થાના મૅનેજર નિયુક્ત થયા. ખેલાડી તરીકેની તેમની ખ્યાતિ અનેક દેશોમાં પ્રસરી હતી. તેમનું પેટના કૅન્સરથી અવસાન થતાં સૉકર-જગતમાં ઘેરો શોક ફેલાયો હતો.

મહેશ ચોકસી