યાલ્ટા પરિષદ : બીજા વિશ્વયુદ્ધ (1939–1945) પછીની વિશ્વવ્યવસ્થા અંગેની વિચારણા હાથ ધરવા માટે યોજાયેલી પરિષદ. કાળા સમુદ્રમાં વસેલા દેશ ક્રીમિયાના હવા ખાવાના સ્થળ યાલ્ટા ખાતે આ પરિષદ 4થી 11 ફેબ્રુઆરી 1945 દરમિયાન મળી હતી. મિત્ર દેશોના ત્રણ માંધાતાઓએ તેમાં સક્રિય ભાગ લીધો હતો. અમેરિકાના પ્રમુખ એફ. ડી. રૂઝવેલ્ટ, ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અને સોવિયેત સંઘના જોસેફ સ્ટાલિન વચ્ચે આ મંત્રણાનો આરંભ થયો હતો. આ પરિષદને કારણે બીજા વિશ્વયુદ્ધના અંત અંગે ભારે આશાવાદ જન્મ્યો હતો. પરિષદની કાર્યસૂચિમાં યુરોપનું વિભાજન અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના બે મુખ્ય બાબતો હતી.

યાલ્ટા પરિષદમાં બ્રિટનના ચર્ચિલ, અમેરિકાના રૂઝવેલ્ટ અને સોવિયેત સંઘના સ્ટાલિન

યુરોપના વિભાજનની બાબત અંગે ભારે તણાવભરી ચર્ચાઓ ચાલતી હતી. આ ચર્ચામાં યુદ્ધના મેદાન પર દર્શાવેલી તાકાત પ્રભાવકારક અને નિર્ણાયક ભાગ ભજવતી. આ સમયે સોવિયેત સંઘ પૂર્વ યુરોપ અને પોલૅન્ડ પર પ્રભુત્વ ધરાવતો હતો અને જર્મની ખાતે બર્લિનમાં પ્રવેશવાની તૈયારીમાં હતો. અમેરિકા અને બ્રિટન જર્મની સુધી પહોંચ્યા નહોતા. મંચુરિયા, ઉત્તર ચીન અને કોરિયામાં એકત્ર થયેલા જાપાની લશ્કરને વિખેરવા (આ ગાળા સુધી હજુ જાપાન પર અમેરિકાએ અણુ-આક્રમણ કર્યું ન હતું) અમેરિકાને સોવિયેત સંઘની મદદ જોઈતી હતી. આથી અમેરિકા સોવિયેત સંઘ સાથે સારા સંબંધો જાળવવાના મુદ્દા પર ભાર મૂકતું હતું.

પૂર્વ યુરોપની ચર્ચામાં પોલૅન્ડના ભાવિ અંગે સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું. પોલૅન્ડમાં સોવિયેત સંઘનું સમર્થન ધરાવતી સરકારને ટેકો આપવાનો નિર્ણય લેવાયો. સાથે મુક્ત ચૂંટણીઓ યોજવાની ઘોષણા થઈ અને સોવિયેત સંઘના પ્રાદેશિક વિસ્તારમાં પોલૅન્ડને ભેળવી દેવાનું નક્કી થયું. વધુમાં પૂર્વ યુરોપમાં સામ્યવાદી શાસન લાદવાની સોવિયેત સંઘની જાહેરાત બહાલ રાખવામાં આવી. બીજું, યુદ્ધ બાદ યુરોપમાં શાંતિ અને વ્યવસ્થા સર્જવા અને પરાજિત દેશોને લોકશાહી સરકારો સ્થાપવામાં મદદ કરવી. ત્રીજું, જર્મનીએ શરણાગતિ જાહેર કરી હોવાથી પ્રારંભે તેને ચાર ભાગમાં વહેંચવાનો મનસૂબો વ્યક્ત થયો. યુદ્ધની નુકસાની પેટે શસ્ત્રો અને અન્ય ખનિજ સંપત્તિ ચૂકવવા જર્મનીને દબાણ કરવાનો પણ નિર્ણય લેવાયો. પરંતુ લાંબી વિચારણાને અંતે જર્મનીના ભાવિ અંગેના મહત્વના નિર્ણયો મુલતવી રાખવામાં આવ્યા. ચોથું, શાંતિસ્થાપક સંગઠન તરીકે જન્મનાર સંયુક્ત રાષ્ટ્ર સંઘનું પ્રાથમિક માળખું વિચારવામાં આવ્યું. સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચનામાં સોવિયેત સંઘને વિશેષ છૂટછાટો આપવામાં આવી, જેમાં તેને સલામતી સમિતિનું સભ્યપદ તથા યુક્રેન અને બાયલોરશિયા પ્રજાસત્તાકોને સામાન્ય સભામાં વિશેષ બેઠકો આપવાની બાબતોનો સમાવેશ થયો હતો.

આ દરમિયાન રશિયાએ જાપાન વિરુદ્ધ યુદ્ધમાં જોડાવાની અમેરિકાને ખાતરી આપી. તેના બદલામાં સોવિયેત સંઘે દક્ષિણ સખાલીન ટાપુનો (1905ના રશિયા–જાપાન યુદ્ધ દરમિયાન રશિયાના સમ્રાટ પાસેથી જાપાને મેળવેલો ટાપુ) અડધો ભાગ અને કુરિલ ટાપુઓ મેળવ્યા. વધુમાં પૉર્ટ આર્થરના ભાડાપટ્ટાના અધિકારો પણ રશિયાએ મેળવ્યા અને મૉંગોલિયા પર સોવિયેત સંઘના અંકુશિત શાસનને માન્યતા મળી.

એક તરફ મિત્ર દેશોના ઉપર્યુક્ત વર્તનથી યાલ્ટા પરિષદથી જન્મેલો આશાવાદ ભ્રામક પુરવાર થયો. ટીકાકારોના મતે પ્રમુખ રૂઝવેલ્ટે પૂર્વ યુરોપ ‘વેચી માર્યું’. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સોવિયેત સંઘને ઘણો વધારે હિસ્સો આપવામાં આવ્યો હતો. ફ્રાંસના પ્રમુખ દ’ગૉલે દાવો કર્યો કે યુરોપના ભાગલા કરી તેને નબળું બનાવી દેવાની એ અમેરિકાની ચાલ હતી. સેનેટર જોસેફ મેકાર્થીએ રૂઝવેલ્ટ પર આક્ષેપ કર્યો કે તેમણે સોવિયેત સંઘને આપેલી છૂટછાટો અમેરિકાનાં હિતો સાથેની છેતરપિંડી હતી.

બીજી તરફ કેટલાક અભ્યાસીઓના મતે આ પરિષદે તત્કાલીન સમસ્યાઓનો પરંપરાગત અને સમતોલ નિવેડો આણ્યો હતો. સોવિયેત સંઘને આપવામાં આવેલી છૂટછાટો તેની મજબૂત લશ્કરી અને રાજકીય વગને અનુરૂપ હતી. આમ યાલ્ટા પરિષદથી પૂર્વ યુરોપને ભાગે ઘણું સહન કરવાનું આવેલું, પરંતુ તેથી શાંતિ પણ નજીક આવી હતી તેનો ઇન્કાર કરી શકાય તેમ નથી. આક્ષેપો–પ્રતિઆક્ષેપોની ઝડીઓ થતાં યાલ્ટા પરિષદ નોંધપાત્ર બની રહી.

યાલ્ટા પરિષદથી સર્જાયેલી પૂર્વ યુરોપ પરના સામ્યવાદી પ્રભુત્વની પરિસ્થિતિ છેક ગોર્બોચોવના આગમન પછી સોવિયેત વિદેશનીતિમાં આવેલા પરિવર્તનને કારણે નાબૂદ થઈ.

રક્ષા મ. વ્યાસ