યારેન : ઑસ્ટ્રેલિયા તેમજ ન્યૂ ગિનીથી ઈશાનમાં આવેલા ટાપુદેશ નાઉરુનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 0° 45´ દ. અ. અને 166° 55´ પૂ. રે.. પૅસિફિક મહાસાગરમાં આવેલા આ ટાપુદેશના જિલ્લાઓ પૈકીનો એક. યારેન નાઉરુના નૈર્ઋત્ય કાંઠા પર આવેલું છે. નાઉરુ અહીંની સત્તાવાર ભાષા છે, તેમ છતાં અંગ્રેજી ભાષાનો પણ અહીં ઉપયોગ થાય છે. અહીં કૅથલિક અને પ્રૉટેસ્ટંટ પંથના ખ્રિસ્તીઓ વસે છે. આ પ્રદેશ વિષુવવૃત્ત પર આવેલો હોવાથી અહીં ગરમ, ભેજવાળી આબોહવા પ્રવર્તે છે. તાપમાન 22°થી 35° સે. વચ્ચેનું રહે છે. ઉષ્ણતાનયનનો વરસાદ બારે માસ પડે છે. અહીં વિષુવવૃત્તીય પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. નાઉરુ પરવાળાંનો ટાપુ છે.

નીતિન કોઠારી