યારીસાહેબ (જ. ઈ. સ. 1668; અ. ઈ. સ. 1723) : બાવરી પંથના દિલ્હી કેન્દ્રના પ્રસિદ્ધ સંત. એમનું વાસ્તવિક નામ યાર મુહમ્મદ હતું. તેઓ સંભવતઃ કોઈ શાહી પરિવાર સાથે સંકળાયેલા હતા. ત્યાંથી ઐશ્વર્યમય જીવન ત્યજીને સંતજીવનનો સ્વીકાર કર્યો. યારીસાહેબના પાંચ શિષ્યો પ્રસિદ્ધ હતા : કેશવદાસ, સૂફીશાહ, શેખન શાહ, હસનમુહમ્મદ અને બૂલાસાહેબ. પહેલા ચાર શિષ્યોનો સંબંધ દિલ્હીના કેન્દ્ર સાથે હતો જ્યારે બૂલસાહેબે પોતાનો પંથ સ્વતંત્રપણે સ્થાપીને એની ગાદી ભુરકૂડા(જિ. ગાઝીપુર)માં રાખી હતી. યારીસાહેબની રચનાઓનો સંગ્રહ ‘રત્નાવલી’ના નામે પ્રસિદ્ધ છે. યારીસાહેબે પ્રેમસાધનાને સાધનાનું કેન્દ્રબિંદુ માનેલ છે. એમની વિચારધારા પર સૂફી સંતોનો પ્રભાવ સ્પષ્ટ વરતાય છે. યારીસાહેબનું કહેવું છે કે ‘અંદર યકીન વિના’ ‘ઇલ્મ’ વ્યર્થ છે. સંસાર મિથ્યા છે. ઈશ્વરમાં આસ્થા રાખો. સત્યને હૃદયપૂર્વક સ્વીકારેલ અને દરિયાસાહેબે પ્રબોધેલા ‘વિહંગમ મત’(યોગમાર્ગ)ને અનુસરો. યારીસાહેબની રચનામાં મિલન અને વિરહનું આધ્યાત્મિક ચિત્ર હૃદયગ્રાહી છે. ભાષામાં અરબી-ફારસીની પ્રબળતા છે. કવિત્ત, સવૈયા, સાખી (દોહા), પદ, ઝૂલણા વગેરે અનેક છંદોનો પ્રયોગ થયો છે.

પ્રવીણચંદ્ર પરીખ