યાદેં (1961) : ઉર્દૂ કવિ અખ્તર-ઉલ-ઈમાન રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1962ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે સાહિત્યિક કારકિર્દીનો આરંભ પરંપરાગત ગઝલ-લેખનથી કર્યો હતો; પણ આ પુરસ્કૃત કાવ્યસંગ્રહમાં એક પણ ગઝલનો સમાવેશ નથી. 1942થી 1961 સુધીના લાંબા ગાળાને આવરી લેતા આ પુસ્તકમાં ‘ગિરદાબ’, ‘તારિક : સય્યારા’ અને ‘આબે જૂ’ જેવા તેમના અગાઉના કાવ્યસંગ્રહોનાં કેટલાંક કાવ્યો તથા બીજાં નવાં કાવ્યો પ્રગટ કરાયાં છે.
તેમનો કાવ્યસંગ્રહ ઉર્દૂ કાવ્યજગતમાં નવી પહેલરૂપ મનાય છે. તેનાથી પ્રતીકાત્મક કવિતાના નવા યુગનું પગરણ થયું. તેમણે વિવિધ કાવ્યરીતિ દ્વારા સામાજિક અન્યાય તથા સાંપ્રત લોકાચારના ઉદ્વેગ પરત્વેનો અંગત પ્રતિભાવ વ્યક્ત કર્યો છે. ‘નઝમ’ એક સળંગ વિચાર-એકમ હોવાનો પરંપરાગત ખયાલ બદલીને તેને સ્વયં પર્યાપ્ત સુસંબદ્ધ ઘટક તરીકે નવો ઓપ આપ્યો. કથનનિર્ભર કે વર્ણનાત્મક કવિતાને બદલે તેમણે પ્રભાવક અર્થસંકેત તથા નાટ્યસહજ પરિસ્થિતિ ધરાવતી કવિતાનો મહિમા કર્યો. તેઓ કેવળ પ્રયોગપરાયણ કે કાવ્યરીતિશોખીન કવિ નથી. તેમના કાવ્યવિષયોમાં સામાજિક વિષમતાનું કંઈક દર્દભર્યું ગાન હોય છે. અભિવ્યક્તિની મૌલિકતા તથા સૂક્ષ્મ સંવેદના બદલ તેમને સાહિત્યક્ષેત્રે મોખરાનું સ્થાન મળ્યું છે. તેમની કવિતાનો નવી કવિ-પેઢી પર ઊંડો પ્રભાવ પડ્યો છે અને તત્કાલીન કાવ્યપ્રવાહથી તદ્દન ભિન્ન એવા નવા પ્રકારનો આસ્વાદ તેમાંથી સૌને મળતો રહ્યો છે.
મહેશ ચોકસી