યાદેં : વિશ્વનું એકમાત્ર એકપાત્રીય ચલચિત્ર. હિંદી, રંગીન. નિર્માણવર્ષ : 1964; નિર્માણસંસ્થા : અજન્ટા આર્ટ્સ; કથા : નરગિસ; પટકથા : ઓમકાર સાહિબ; સંવાદ : અખતર-ઉલ-અમાન; ગીતકાર : આનંદ બક્ષી; છબિકલા : રામચંદ્ર; સંગીત : વસંત દેસાઈ; દિગ્દર્શક : સુનીલ દત્ત; મુખ્ય કલાકારો : સુનીલ દત્ત, નરગિસ.

નિર્માતા–અભિનેતા સુનીલ દત્તે જ્યારે પ્રથમ વાર દિગ્દર્શન પર હાથ અજમાવ્યો ત્યારે તેમણે ચિત્ર બનાવવા માટે જે વિષય પસંદ કર્યો, એમાં કંઈ અસામાન્ય નહોતું; પણ આ સાધારણ વિષયની તેમણે જે અસાધારણ રીતે રજૂઆત કરી તેણે ‘યાદેં’ ચિત્રને નોખી ભાતનું બનાવી દીધું. સુનીલ દત્તે આ ચિત્રમાં પડદા પર માત્ર નાયકને જ દર્શાવ્યો છે અને આખા ચિત્રમાં અંતના એક ર્દશ્યને બાદ કરતાં બીજું કોઈ પાત્ર પડદા પર આવતું નથી. બીજાં પાત્રોની હાજરીનો અહેસાસ પ્રેક્ષકો માત્ર પશ્ચાદભૂમાંથી આવતા અવાજો પરથી જ કરી શકે છે.

ચિત્રનો નાયક અનિલ એક સફળ વ્યાવસાયિક છે. એક સાંજે તે પોતાના ભવ્ય બંગલે આવે છે, ત્યારે જુએ છે તો તેની પત્ની તેમનાં બંને બાળકોને લઈને જતી રહી હોય છે. એકલો પડેલો અનિલ પત્ની શા માટે જતી રહી છે તે જાણે છે. આવું કેમ બન્યું અને બંને જણાંએ આવું શા માટે બનવા દીધું એનું આત્મમંથન કરતો અનિલ જૂની યાદોમાં ખોવાઈ જાય છે. પોતે કયા સંજોગોમાં કઈ રીતે પત્નીને મળ્યો હતો, તેમના પ્રણયના પ્રારંભના દિવસો, કઈ રીતે તેમણે લગ્ન કર્યાં, બંને પુત્રોનો જન્મ, તેમના પ્રથમ જન્મદિનની ઉજવણી, પતિ-પત્ની વચ્ચે નાની-નાની બાબતોમાં પેદા થવા માંડેલી ગેરસમજો, તેને કારણે દાંપત્યજીવનમાં તણાવ, પોતે જેના પરિચયમાં આવીને આકર્ષાયો હતો તે સલમા, પતિ-પત્ની વચ્ચે જે રાત્રિઓ ઝઘડા કરવામાં વીતી હતી એ બધું તે યાદ કરતો રહે છે. તેની આ યાદો પડદા પર માત્ર પ્રતીકોના રૂપમાં, પશ્ચાદભૂમાં આવતા વિવિધ અવાજો વગેરે મારફત વ્યક્ત થતી રહે છે. માણસોની હાજરી બતાવવા માટે બહુ બહુ તો પડદા પર ફુગ્ગા ઊડતા દર્શાવાયા છે.

નાયકની યાદોમાંથી એટલું તો સ્પષ્ટ થાય છે કે તેની પત્ની પાસે ઘર છોડીને જવા માટેનાં પૂરતાં કારણો છે. પણ નાયક જે કંઈ બન્યું એમાં પોતાનો કોઈ વાંક નથી એવું પત્નીની ગેરહાજરીમાં પોતાની જાતને જ સમજાવવા પ્રયાસ કરે છે અને અંતે લગ્નસમયે પત્નીએ પહેરેલા પાનેતરનો ફાંસો બનાવીને છત સાથે બાંધી આપઘાત કરે છે. પુરુષના અહમ્ અને પોતાની જ જાતને ચાહવાની તેની વૃત્તિને દિગ્દર્શકે સુંદર રીતે રજૂ કરી છે. ચિત્રમાં એક મહત્વનો પ્રસંગ તો એ છે કે નાયકે પોતાના પરિવારની પૂરતી સંભાળ રાખી નહોતી; એથી નારાજ થયેલાં કેટલાંક રમકડાં નાયક પર હુમલો કરે છે. આખા ચિત્રમાં પડદા પર બીજું જીવંત પાત્ર નરગિસ અંતે જોવા મળે છે, પણ એય માત્ર ઓળા-સ્વરૂપે.

હરસુખ થાનકી