યાદવો : ભારતયુદ્ધ અગાઉ થયેલા યયાતિ અને દેવયાનીના પુત્ર રાજા યદુના વંશજો. યાદવવંશ મહત્વનો વંશ હતો. યાદવોની વંશાવળી હરિવંશ તથા અગિયાર પુરાણોમાંથી મળે છે; પરંતુ વાયુપુરાણ અને બ્રહ્માંડપુરાણની વંશાવળીઓ સારી રીતે જળવાયેલી છે. શ્રીકૃષ્ણ વાસુદેવે ભારતયુદ્ધમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાથી યાદવો વિશેની માહિતી મહાભારતમાંથી મળે છે. ખાસ કરીને યાદવોનું મથુરાથી સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર, ભારતયુદ્ધમાં તેમનો હિસ્સો તથા યાદવાસ્થળી વિશેની વિગતો મહાભારતમાં આપી છે. ભાગવતપુરાણમાં કૃષ્ણચરિતના સર્વ પ્રસંગોને કાલાનુક્રમે ગોઠવીને રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વૈદિક તથા અનુવૈદિક સાહિત્યમાં યાદવો વિશેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પાણિનિની ‘અષ્ટાધ્યાયી’, કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’, પતંજલિનું ‘મહાભાષ્ય’ તથા કેટલાક જૈન ગ્રંથોમાં પણ યાદવો કે એમની શાખાઓના ઉલ્લેખો કરવામાં આવ્યા છે.

યાદવ કુળમાં અંધકો, સાત્વતો, કુકરો, વૈદર્ભો, શૈનેયો, હૈહયો, ભોજો તથા વૃષ્ણિઓ થયા. આ બધી શાખાઓના પૂર્વજ રાજા યદુ ચંબલ, બેટવા તથા કેન નદીના પ્રદેશ ઉપર રાજ્ય કરતા હતા. મધ્યદેશમાંથી યાદવશાખાઓ નર્મદા નદીની ખીણના પ્રદેશમાં; વિદર્ભ, શૂરસેન, રાજસ્થાન તથા સૌરાષ્ટ્રમાં ફેલાઈ હતી. યદુથી શ્રીકૃષ્ણ વાસુદેવ સુધી યાદવોની 59 પેઢીઓ થઈ. શશબિંદુ, ચૈત્રરથિ, અર્જુન કાર્તવીર્ય, જયામઘ, દશાર્હ, મધુ, ભીમ સાત્વત ઇત્યાદિ જાણીતા યાદવ રાજાઓ થઈ ગયા. રાજા મધુએ શૂરસેન પ્રદેશમાં યાદવોની સત્તા સ્થાપી હતી. તેના વંશજ ભીમ સાત્વતના ચાર પુત્રો ભજમાન, દેવાવૃધ, અંધક તથા વૃષ્ણિ હતા. દેવાવૃધના વંશજો માર્તિકાવત(અલ્વર, જયપુર, જોધપુર)ના ભોજો થયા. અંધકના જ્યેષ્ઠ પુત્ર કુકરના વંશજો કુકરો કહેવાયા. તેમણે મથુરામાં સત્તા સ્થાપી. કુકર વંશના રાજા કંસે યાદવોની અવગણના કરી હતી. શ્રીકૃષ્ણ વાસુદેવના સમયમાં અંધક-વૃષ્ણિઓનાં 11 અગ્રણી કુળો હતાં. વૃષ્ણિકુળના વસુદેવ શૂરના પુત્ર હતા. વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા. તેમની એક પત્ની દેવકીના પુત્ર કૃષ્ણ અને બીજી પત્ની રોહિણીના પુત્ર બલરામ ગોકુળમાં નંદને ત્યાં ઊછર્યા હતા. કૃષ્ણ વાસુદેવે મામા કંસને મારી નાખ્યો. તેથી કંસના સસરા મગધસમ્રાટ જરાસંધે મથુરા પર અનેક વાર આક્રમણો કર્યાં. જરાસંધ સામે ટકી રહેવું મુશ્કેલ બનવાથી યાદવોએ કૃષ્ણ વાસુદેવની આગેવાની હેઠળ પશ્ચિમ તરફ સ્થળાંતર કર્યું, અને યાદવોની હસ્તી ટકાવી રાખી. યાદવોમાં તીવ્ર વિખવાદ પેદા કરનાર સ્યમંતક મણિનો પ્રસંગ દ્વારકામાં બન્યો હતો. આ પ્રસંગ કૃષ્ણની આકરી કસોટીનો હતો. તેનાથી યાદવ અગ્રણીઓમાં ખટરાગ પેદા થયો હતો.

પશ્ચિમ ભારતમાં રહેતા યાદવોનો પ્રભાવ પૂર્વ ભારતના પ્રાગ્-જ્યોતિષપુર સુધી વિસ્તર્યો હતો. કૃષ્ણ વાસુદેવે પ્રાગજ્યોતિષના અભેદ્ય ગઢ પર હુમલો કરી નરકાસુરનો વધ કર્યો અને હજારો બંદીવાન યુવતીઓને મુક્ત કરી હતી. નરકાસુરનો કીમતી ખજાનો કૃષ્ણ દ્વારકામાં લઈ આવ્યા. ઇન્દ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠિરે આરંભેલા રાજસૂય યજ્ઞને સફળતા અપાવવામાં કૃષ્ણે અગત્યનો ભાગ ભજવ્યો હતો. કૃષ્ણની વિચક્ષણ રાજનીતિને કારણે યાદવોના દુશ્મન તથા પાંડવોના માર્ગમાં વિઘ્ન સમાન જરાસંધનો ભીમે દ્વંદ્વયુદ્ધમાં વધ કર્યો. યુધિષ્ઠિરે શરૂ કરેલ રાજસૂય યજ્ઞમાં પ્રથમ અર્ઘ્ય કૃષ્ણને અપાયો, તે એમની રાજકીય પ્રતિષ્ઠા અને મહત્તા દર્શાવે છે. ચેદિરાજ શિશુપાલે કૃષ્ણને અપાતા અર્ઘ્ય સામે વાંધો લીધો. અગાઉ પણ એણે કૃષ્ણની ગેરહાજરીમાં દ્વારવતીને આગ લગાડેલી, પોતાના મામા વસુદેવના અશ્વમેધના અશ્વને લઈને નાસી ગયેલો, એણે રૈવતક પર ભોજ રાજાઓને કેદ કરેલા. આખરે કૃષ્ણે પોતાનું ચક્ર ચલાવી ભરી સભામાં શિશુપાલનો વધ કર્યો.

કુરુક્ષેત્રના યુદ્ધમાં યાદવો પાંડવો અને કૌરવો – એમ બંને પક્ષે વહેંચાયેલા હતા. કૃતવર્મા ભોજોની સેના સહિત દુર્યોધનના પક્ષે રહ્યો. પાંડવપક્ષે વૃષ્ણિવીર ચેકિતાન તથા યુયુધાન સાત્યકિ રહ્યા. યુયુધાન સેનાપતિ હતો. કૃષ્ણ નિ:શસ્ત્ર રહી, પાંડવપક્ષે અર્જુનના સારથિ બન્યા; પરંતુ એમની નારાયણી સેના કૌરવપક્ષે રહીને લડી હતી.

પાંડવોનો મહારથી અર્જુન વિષાદગ્રસ્ત થતાં કૃષ્ણે તેને કર્તવ્યબોધ કરી યુદ્ધ કરવા પ્રોત્સાહિત કર્યો. કૃષ્ણે સમયને અનુરૂપ નીતિ અપનાવી પાંડવોને વિજય અપાવ્યો.

યાદવોનો મોટો દુર્ગુણ પરસ્પર દ્વેષ હતો. તેને કારણે સૌરાષ્ટ્રમાં આવી વસેલા યાદવોનો આંતરવિગ્રહમાં નાશ થયો. ભોજો, વૃષ્ણિઓ, અંધકો, શૈનેયો અંદરઅંદર માર્યા ગયા. થાકેલા અને દુ:ખી કૃષ્ણ એક ઝાડ હેઠળ વિસામો કરતા હતા, ત્યાં જરા નામના પારધીએ દૂરથી હરણ સમજી એમને બાણ માર્યું, પરિણામે કૃષ્ણ વાસુદેવ અવસાન પામ્યા. અર્જુને ત્યાં જઈ દ્વારકાનાં સ્ત્રી-બાળકોને રક્ષણ આપ્યું. બીજે દિવસે વસુદેવ મૃત્યુ પામ્યા. તેમની પાછળ દેવકી, રોહિણી, ભદ્રા અને મદિરા સતી થઈ. અર્જુને વસુદેવ, કૃષ્ણ તથા બલરામના મૃતદેહોનો અંતિમ સંસ્કાર કર્યો. દ્વારકામાં વસતાં સ્ત્રી-બાળકોએ પોતાની મિલકત સાથે અર્જુનના રક્ષણ હેઠળ દ્વારકા છોડી. તે પછી તરત જ સમુદ્રે દ્વારકાને ડુબાડી દીધી. પ્રવાસ દરમિયાન આભીરોએ પંચનદના પ્રદેશમાં અર્જુનને લૂંટ્યો તથા અનેક યાદવ સ્ત્રીઓનું  અપહરણ કર્યું. અર્જુને હસ્તિનાપુર પહોંચ્યા પછી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનો ઇન્દ્રપ્રસ્થની ગાદી પર અભિષેક કર્યો. કૃતવર્માના પુત્રને માર્તિકાવત (વર્તમાન અલ્વર) અને સાત્યકિના પુત્રને સરસ્વતી પ્રદેશના રાજા બનાવ્યા.

જયકુમાર ર. શુક્લ