યાદવાસ્થળી

January, 2003

યાદવાસ્થળી : યાદવો અંદરોઅંદર લડાઈ કરીને નાશ પામ્યા તે પ્રસંગ. મદ અને મદિરા એ બંને યાદવોનાં મુખ્ય દૂષણો હતાં. એ બંનેના નશાથી ભાન ભૂલેલા યાદવ વીરો પ્રભાસપાટણમાં અંદરોઅંદરના વિગ્રહનો ભોગ બની નાશ પામ્યા. શ્રીકૃષ્ણ વાસુદેવે દ્વારકામાં મદ્યનિષેધ કર્યો હતો. એટલે તેઓ પ્રભાસ ગયા અને મદિરાથી ભાન ગુમાવી, સામસામા મુસલ-યુદ્ધ કરી લડી મર્યા. મહાભારતનું મૌસલપર્વ આ યાદવાસ્થળીનો પ્રસંગ આમ વર્ણવે છે : મહાભારતના યુદ્ધ બાદ 36મા વરસે યાદવોનું મૌસલયુદ્ધ થયું. સારણ અને બીજા યાદવ કુમારોએ વિશ્વામિત્ર, નારદ તથા અન્ય ઋષિઓની સાથે મજાક કરી, સાંબને ગર્ભવતી મહિલાનો વેશ પહેરાવી, ભાવિ બાળક વિશે ઋષિઓને પ્રશ્ન પૂછ્યો. ગુસ્સે થયેલા ઋષિઓએ શાપ આપ્યો કે તેને લોખંડનું સાંબેલું (મુસલ) અવતરશે. તેના વડે વૃષ્ણિઓનો નાશ થશે. બીજે દિવસે સાંબેલું અવતર્યું. તેનો ભૂકો કરી સમુદ્રમાં નાખી દેવામાં આવ્યો. તે મુજબ યાદવાસ્થળીનો પ્રસંગ બન્યો. ત્યારબાદ પ્રભાસપાટણ પાસે શ્રીકૃષ્ણ વાસુદેવનો દેહોત્સર્ગ થયો. એમની સૂચના મુજબ દ્વારકામાંના વૃદ્ધજનો તે નગર છોડીને વાનપ્રસ્થ થયા. અર્જુન તેને મળેલા સંદેશા મુજબ દ્વારકા આવી યાદવ સ્ત્રી-બાળકોને લઈ ગયો. યાદવોએ દ્વારકા ખાલી કર્યા બાદ એ આખી નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. આમ મથુરાથી સ્થળાંતર કરીને દ્વારકા ગયેલા યાદવો સૌરાષ્ટ્રના ઇતિહાસમાં નામશેષ થઈ ગયા. આ યાદવાસ્થળી ઈ. પૂ. દસમી સદીના પ્રારંભમાં થઈ હતી એવો વિદ્વાનોના એક વર્ગનો મત છે.

જયકુમાર ર. શુક્લ