યાજ્ઞિક, ઇન્દુલાલ (જ. 22 ફેબ્રુઆરી 1892, નડિયાદ; અ. 17 જુલાઈ 1972, અમદાવાદ) : પ્રજાકીય આંદોલનોના પ્રણેતા અને ગુજરાતના નિ:સ્પૃહ રાજકીય નેતા. પિતા કનૈયાલાલ અને માતા મણિગૌરી. 1903માં 11 વર્ષની વયે જ્ઞાતિની સભામાં અંગ્રેજીમાં વ્યાખ્યાન આપી તેમણે તેમની પ્રતિભાનો ચમકારો દર્શાવ્યો હતો. મુંબઈમાં પ્લેગ ફેલાતો અટકાવવાની જાહેર સેવા દરમિયાન પિતાએ પ્રાણ છોડ્યા ત્યારે તેઓ 11 વર્ષના કિશોર હતા. સ્વપ્રયાસથી અંગ્રેજી શીખેલાં માતા અને કાકાએ તેમના વિકાસમાં રસ દાખવ્યો અને તેમણે શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી. વિવિધ વર્ગોમાં પ્રથમ કક્ષા મેળવી શિષ્યવૃત્તિ દ્વારા તેમણે ભણતરનો ખર્ચ ઉઠાવ્યો અને 14 વર્ષે મેટ્રિકની પરીક્ષા પસાર કરી.
મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર જેવા વિજ્ઞાનના વિષયોનો અભ્યાસ કરી તેઓ 1910માં બી.એ. થયા. ફરી શિષ્યવૃત્તિનો આધાર લીધો અને 1912માં કાયદાના સ્નાતક બન્યા.
1913માં ‘મુંબઈ સમાચાર’માં પત્રકાર તરીકે જોડાઈને કારકિર્દીનો આરંભ કર્યો. વકીલાતના વ્યવસાયમાં ટૂંકા સમય માટે જોડાયા, પણ એ કાર્ય રુચ્યું નહિ. 1914માં શરૂ થયેલા ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં ગાંધીજીના આગમનને આવકારતો અગ્રલેખ લખ્યો. ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને ‘સત્ય’ માસિકો શરૂ કર્યાં, જે 1919માં ગાંધીજીને સોંપી દીધાં. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન પત્રકાર તરીકે મેસોપોટેમિયાનો પ્રવાસ ખેડ્યો. 1922માં ‘યુગધર્મ’ માસિક શરૂ કર્યું અને 1924થી ’28 ‘હિન્દુસ્તાન’ દૈનિક પત્ર ચલાવ્યું. 1941–42માં ‘નૂતન ગુજરાત’ સામયિકનું તંત્રીપદ શોભાવ્યું. પત્રકાર તરીકેની તેમની કારકિર્દી નિર્ભીકતા અને સ્પષ્ટભાષિતાની કાયમી છાપ વ્યક્ત કરતી હતી.
અન્યાય ન સાંખી લેવાનું તેમનું મનોવલણ તેમને સંઘર્ષ કરવા પ્રેરતું. હોમરૂલની ચળવળ હેઠળ તેઓ ગાંધીજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા, કૉંગ્રેસમાં જોડાયા અને 1917માં ભરૂચની બીજી કેળવણી પરિષદ અને ગોધરાની પહેલી રાજકીય પરિષદ યોજી. તેમાં રાષ્ટ્રીય કેળવણી માટેની સંસ્થા રચવા એક સમિતિ ઊભી કરી અને ગૂજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાનાં બી રોપ્યાં. ખેડા સત્યાગ્રહમાં ગામડે ગામડે ફર્યા. 1919ના કાળા કાયદા વિરુદ્ધ થયેલાં તોફાનો શાંત પાડવા સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પ્રવાસ ખેડ્યો. 1920માં ગાંધીજીએ કૉંગ્રેસના સભ્યોને કરોડ રેંટિયા-રૂપિયાનું એલાન આપ્યું ત્યારે તે ફાળો ઊભો કરવાની જવાબદારી એકલપંડે સ્વીકારી તેને સફળતાપૂર્વક પાર પાડી. સવિનય કાનૂનભંગની લડતમાં તેમણે સક્રિય ભાગ લીધેલો.
1925ના અરસામાં ફિલ્મક્ષેત્રે પ્રવેશ્યા અને ‘પાવાગઢનું પતન’ નામની ફિલ્મ પણ ઉતારી; પરંતુ મિત્રોની નજરે આ ક્ષેત્રે તેમની શક્તિઓનો વ્યય જ થવાનો હોવાથી મિત્રોએ વિદેશ મોકલવાની વ્યવસ્થા કરી અને 1930થી ’35નાં વર્ષોમાં પ્રારંભે જર્મની અને પછી ઇંગ્લૅન્ડમાં ટૂંકો વસવાટ કર્યો. તેઓ મેઝીની અને ગૅરિબાલ્ડીનાં જીવનોથી ભારે પ્રભાવિત હતા. ઇંગ્લૅન્ડમાં થોડો સમય આયર્લૅન્ડની સ્વતંત્રતાના પ્રચંડ સમર્થક દ વેલેરા સાથે કામ કર્યું.
1935માં ભારત આવી સ્વાતંત્ર્યની લડતના ભાગ રૂપે તેઓ કિસાનપ્રવૃત્તિમાં જોડાયા. 1943માં હરિજનો અને આદિવાસીઓ માટેની પ્રવૃત્તિ અર્થે ચાર આશ્રમો શરૂ કર્યા, જેમાંનો એક વાત્રક-તટે અમદાવાદ નજીક આવેલા નેનપુર ગામે હતો. ત્યાં 12 વર્ષ સુધી સ્થિર વસવાટ કર્યો. આઝાદીની પ્રાપ્તિ બાદ મૉસ્કો અને વિયેનાનો પ્રવાસ કર્યો. સામ્યવાદી વિચારધારાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા અને ગરીબો માટે કામ કરવાનો નિર્ધાર પાકો કર્યો.
આ સમગ્ર પ્રવૃત્તિઓ દરમિયાન ગાંધીવિચાર પણ તેમને પ્રભાવિત કરતો રહ્યો હતો. જાહેર જીવનમાં નિર્ભીક રહેવું, ઇચ્છિત કાર્યમાં નિષ્ઠાપૂર્વક કાર્યરત રહેવું અને અન્યાય તથા જુલ્મનો સક્રિય પ્રતિકાર કરવો – આ ત્રણ બાબતો તેમના જીવનમંત્રરૂપ બની; આથી જ દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ ત્યારે ગુજરાતને હડહડતો અન્યાય થયો છે, એવી માન્યતાને કારણે તેમનો પુણ્યપ્રકોપ પ્રજ્વલિત થયો અને કૉંગ્રેસ સરકાર વિરુદ્ધ મહાગુજરાત આંદોલનના પ્રચંડ, સર્વોચ્ચ અને સક્રિય નેતા બની રહ્યા. ગુજરાતમાં ‘જનતા પરિષદ’ નામક રાજકીય પક્ષની સ્થાપના કરી. નહેરુનું કરિશ્માતી નેતૃત્વ ચરમ સીમાએ હતું ત્યારે તેમની વિરુદ્ધ સફળ સમાંતર સભા યોજી આ બાબતે ગુજરાતના લોકમિજાજનો પરિચય કરાવ્યો. ‘જનતા સંચારબંધી(કર્ફ્યુ)’નું અનોખું શસ્ત્ર પ્રયોજ્યું અને ગુજરાતની પ્રજાના લાડીલા ‘ચાચા’ બન્યા અને કેન્દ્ર સરકારને તેનો નિર્ણય બદલવાની ફરજ પાડી. ગુજરાતના અલગ રાજ્યની રચના થઈ ત્યારે ગાંધીના સાચા વારસદારને શોભે તેમ નિ:સ્પૃહ બની કોઈ પણ રાજકીય હોદ્દાથી દૂર રહ્યા. ત્યારપછી તેમણે મજૂર સંગ્રામ સમિતિ રચી અને મજૂરપ્રવૃત્તિ તરફ વળ્યા.
‘ફિકરની ફાકી કરે તે ફકીર’નું જીવન જીવનાર આ નેતાએ ક્યારેય કોઈ સરકારી હોદ્દો ધારણ ન કર્યો. સ્વાભિમાની અને ખમીરવંતા આ નેતા અન્યાય સામે આતશ બની ત્રાટકતા તેમજ ચમરબંધી સામેય નમતું ન જોખતા. ચા–ચણા અને ચવાણા પર નભી નોકરી અને ઘરસંસારથી સદાય દૂર રહ્યા. 1957, ’62, ’67 અને ’72માં ચાર વાર સતત સાંસદ રહ્યા.
ઇન્દુલાલની આત્મકથાના ‘જીવનવિકાસ’ (1955), ‘ગુજરાતમાં નવજીવન’ (1955), ‘કારાવાસ’ (1956), ‘જીવનસંગ્રામ’ (1969), ‘કિસાનકથા’ (1971) અને ‘છેલ્લાં વહેણ’ (1973) એ શીર્ષકોથી 6 ભાગ પ્રકાશિત થયા છે, જે ગુજરાતી સાહિત્યને એમના મૂલ્યવાન પ્રદાનરૂપ છે અને જેના માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો. વળી તેમણે ‘માયા’ (1965) નવલકથા અને ‘આશા-નિરાશા’ (1932), ‘રણસંગ્રામ’ (1938), ‘શોભારામની સરદારી’ (1938), ‘વરઘોડો’ (1943), ‘અક્કલના દુશ્મન’, ‘ભોળાશેઠનું ભૂદાન’ જેવાં રાજકીય વિષયવસ્તુવાળાં ભાવનાલક્ષી અને પ્રચારલક્ષી નાટકો પણ આપ્યાં છે. ગાંધીજી સાથેનાં સંસ્મરણો આલેખતી ‘ગાંધીજીના સહવાસમાં’ (પુ. 1, 2 1933, 1934), ‘સત્યાગ્રહ : નિષ્ફળ ને નકામું શસ્ત્ર’ (1933) અને ‘યરોડા આશ્રમ’ (1952) ગ્રંથો ઉપરાંત શ્યામજી કૃષ્ણવર્મા અને લેનિન વગેરેનાં ચરિત્રોના પ્રકાશન દ્વારા આ વ્યક્તિત્વોનો તેમણે ગુજરાતને પરિચય કરાવ્યો. તેમણે ‘કુમારનાં સ્ત્રી રત્નો’ (1926) નામનો અનુભવ-ચિત્રોનો તો ‘શહીદનો સંદેશ’ (1936) નામનો ચરિત્રગ્રંથ પણ આપેલ છે. વળી ‘નાગપુર મહાસભા’ (1921), ‘ગામડાનું સ્વરાજ્ય’ (1933), ‘કિસાન જાહેરનામું’ (1939), ‘સ્વદેશી શા માટે ?’ જેવી પરિચય-પુસ્તિકાઓ પણ આપી છે. ‘રાષ્ટ્રગીત’ (1922) અને ‘મુકુલ’ (1924) તેમના સંપાદિત ગ્રંથો છે. જીવનના અંતિમ તબક્કે તેમણે લગભગ 80 દિવસ સુધી મૃત્યુ સામે ઝીંક ઝીલી હતી. તેઓ જીવનભર સાચા યોદ્ધા બનીને રહ્યા.
રક્ષા મ. વ્યાસ