યાજ્ઞિક, ભરત પ્રેમશંકર

January, 2003

યાજ્ઞિક, ભરત પ્રેમશંકર (જ. 3 નવેમ્બર 1943, મુંબઈ) : નાટ્યકાર, કવિ, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા. તેમણે ઇતિહાસ અને સમાજશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. પછી સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં નાટ્યવિદ્યાની તાલીમ લીધી. પૃથ્વીરાજ કપૂર, પ્રેમશંકર યાજ્ઞિક અને પ્રવીણ જોષી તેમજ હેમુ ગઢવી પાસેથી અભિનય તથા સંગીતની પ્રેરણા મેળવી.

તેમણે આકાશવાણી – રાજકોટમાં કાર્યક્રમ-ઉદઘોષક તરીકે વર્ષો સુધી  સેવા આપી. ત્યાં તેમણે ‘કલાનિકેતન’ નામની સંસ્થાની સ્થાપના કરી અને ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં અનેક નાટકોની રજૂઆત કરી. મુંબઈના ‘વીરપસલી’ નાટકમાં પ્રથમ અભિનય કર્યા બાદ 1955માં ‘જાગતા રહેજો’માં 3 ભૂમિકાઓ ભજવીને વિશ્વભારતી–  રાજકોટનો ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેમણે એકાંકી તેમજ ત્રિઅંકી નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે.

અભિનેતા તરીકેની તેમની યાદગાર ભૂમિકાઓમાં ‘રામવાળો’માં રામવાળો; ‘જાગતા રહેજો’માં પ્રવીણ; ‘જો જો મોડા ના પડતા’માં રાજેન્દ્ર અને હીરાલાલ; ‘છોકરી નોકરી તોબા તોબા’માં જિતેન્દ્ર; ‘તુગલક’માં તુગલક; ‘આંખોની આરપાર’માં ધૃતરાષ્ટ્ર અને ‘મહાપ્રયાણ’માં મહાત્મા ગાંધીની ભૂમિકાઓ ઉલ્લેખનીય છે.

તેમણે નાટક, કવિતા અને વાર્તાક્ષેત્રે ઠીક ઠીક ખેડાણ કર્યું છે. દૂરદર્શન માટે અનેક કથાપ્રસંગો (episodes) લખ્યા છે. ‘મધુર સંગીતના સર્જકો’માં તેમણે સંગીતકારોના વિગતે આપેલ પરિચય બદલ તેમજ શ્રેષ્ઠ દિગ્દર્શન અને અભિનય માટે વિવિધ સંસ્થાઓ તરફથી ચંદ્રકો અને પારિતોષિકો પ્રાપ્ત કર્યાં.

તેમના શ્રેષ્ઠ અભિનયવાળાં એકાંકી અને ત્રિઅંકી નાટકો પૈકી ‘વીર અભિમન્યુ’, ‘પૃથ્વીરાજ ચૌહાણ’, ‘સૈનિક’, ‘ધરતીનાં છોરું’, ‘વન્સમૉર’, ‘છોરુંકછોરું’, ‘શેતલને કાંઠે’ અને ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી’ મુખ્ય છે. છેક 1971થી તેઓ આકાશવાણીની નાટ્યસ્પર્ધાઓમાં ભાગ લેતા રહ્યા છે. તે ઉપરાંત ટેલિવિઝનના અનેક કાર્યક્રમોમાં ઉદઘોષક તરીકે સેવા આપી છે. રાષ્ટ્રીય શાયર મેઘાણીના જન્મશતાબ્દીપ્રસંગે ‘પહાડનું બાળક’નાં લેખન, નિર્દેશન, નિર્માણ અને અભિનય બદલ તેમણે ભારે લોકચાહના મેળવેલી.

આ કલાકારના નાટ્યક્ષેત્રના આવા પ્રદાન બદલ ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમી તરફથી તેમને 1997–98ના વર્ષનો ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા