યાજ્ઞિક, અલકા

January, 2003

યાજ્ઞિક, અલકા (જ. 20 માર્ચ 1966 કોલકાતા) : હિંદી ચલચિત્રોનાં પાર્શ્વગાયિકા. બાસુ ચૅટરજીના દિગ્દર્શન હેઠળ હિંદી ચલચિત્ર ‘હમારી બહૂ અલકા’ માટે એક ગીત ગાઈને તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એ પહેલાં તેઓ ‘પાયલ કી ઝનકાર’ (1979) ચિત્ર માટે પણ કેટલીક પંક્તિઓ ગાઈ ચૂક્યાં હતાં. જોકે એક ગાયિકા તરીકે તેમને પહેલી સફળતા ‘લાવારિસ’(1981)ના લોકપ્રિય ગીત ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ…’ ગાયા પછી મળી હતી.

અલકા યાજ્ઞિક

કૉલકાતામાં વસેલા ગુજરાતી પરિવારનાં અલકા યાજ્ઞિકને સંગીતનો વારસો તેમનાં માતા શુભાબહેન પાસેથી મળ્યો છે. શુભાબહેન પોતે શાસ્ત્રીય ગાયિકા હતાં, પણ ગળાની તકલીફને કારણે તેઓ આ ક્ષેત્રે આગળ ન વધી શક્યાં. દીકરીની આ ક્ષેત્રે લગન જોઈને તેમણે તેને પ્રોત્સાહન આપવા માંડ્યું, જેથી પોતે જે મેળવી ન શક્યાં તે દીકરી મેળવી શકે. કૉલકાતાના સાંસ્કૃતિક માહોલનું પણ તેમાં ઘણું યોગદાન રહ્યું છે. નાની વયે અલકાએ ગાવાનું શરૂ કર્યું હતું. શાળાના કાર્યક્રમોમાં તેઓ ગાતાં અને ઇનામો મેળવતાં. માત્ર 11 વર્ષની ઉંમરે તેઓ કૉલકાતાના આકાશવાણી કેન્દ્રમાં ગાવા માંડ્યાં હતાં અને સુગમ સંગીતની સ્પર્ધામાં ઇનામ પણ મેળવ્યું હતું. કૉલકાતાની કૉલેજમાં જ્યારે તેઓ ગૃહવિજ્ઞાન સાથે બી.એસસી. કરતાં હતાં ત્યારે જ તેમણે મુંબઈમાં ફિલ્મોમાં ગીતો ગાવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હતા. કૉલકાતા રેડિયો પર તેમનું ગીત સાંભળીને જ કૉલકાતામાં રાજ કપૂરની ફિલ્મોના એક વિતરકે અલકાને પોતાની ભલામણ સાથે મુંબઈમાં રાજ કપૂરને મળવાનું કહ્યું. રાજ કપૂરે અલકાને લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને કલ્યાણજી-આણંદજી પાસે મોકલ્યાં, પણ આ બંને સંગીતકાર બંધુઓએ અલકાને તેમનો અવાજ થોડો ઘડાય ત્યાં સુધી રાહ જોવા કહ્યું. જોકે અલકાને પ્રારંભમાં સૌથી વધુ પ્રોત્સાહન આપ્યું સંગીતકાર કલ્યાણજી-આણંદજીએ. આ સંગીતકાર બંધુઓએ અલકાને તાલીમ પણ આપી અને પોતાના સ્ટેજ પરના કાર્યક્રમોમાં તેમને ગાવાની તક પણ આપી હતી.

‘લાવારિસ’ના ગીત બાદ તેમને વધુ ખ્યાતિ ચિત્ર ‘તેજાબ’(1988)ના ગીત ‘એક દો તીન…..’થી મળી. એ પછી તેઓ સતત સફળતાની સીડી ચઢતાં ગયાં. લતા મંગેશકર અને આશા ભોંસલેના યુગ પછી હિંદી ચિત્રોમાં જે પાર્શ્વગાયિકાઓ આવી છે તેમાં સૌથી વધુ સફળતા અલકા યાજ્ઞિકને મળી છે. હિંદી ચિત્રોમાં તમામ ટોચના સંગીતકારો સાથે અને તમામ ટોચની અભિનેત્રીઓ માટે તેમણે અસંખ્ય ગીતો ગાયાં છે. તેમને શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા તરીકે છ વખત ‘ફિલ્મફેર’ ઍવૉર્ડ મળી ચૂક્યા છે, જેમાં ‘એક દો તીન………’ (‘તેજાબ’, 1988), ‘ચોલી કે પીછે ક્યા હૈ…’ (ઇલા અરુણ સાથે, ‘ખલનાયક’, 1993), ‘મેરી મહેબૂબા……’ (‘પરદેસ’, 1997), ‘તાલ સે તાલ મિલા’ (‘તાલ’, 1999), ‘દિલ ને યે કહા હૈ દિલ સે’ (‘ધડકન’, 2000) અને ‘ઓ રે છોરી’ (‘લગાન’, 2001)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને બીજાં નાનાં-મોટાં અનેક પારિતોષિકો મળી ચૂક્યાં છે.

અલકા યાજ્ઞિકનાં કેટલાંક લોકપ્રિય ગીતો : ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ’ (‘લાવારિસ’), ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ’ (‘કયામત સે કયામત તક’), ‘એક દો તીન’ (‘તેજાબ’), ‘ઐસી દીવાનગી’ (‘દીવાના’), ‘ઘૂંઘટ કી આડ સે’ (‘હમ હૈં રાહી પ્યાર કે’), ‘દેખા હૈ પહલી બાર સાજન કી આંખો મેં પ્યાર’ (‘સાજન’), ‘ચોલી કે પીછે ક્યા હૈ ?’ (‘ખલનાયક’), ‘અંખિયાં મિલાઊં કભી, અંખિયાં ચુરાઊં’ (‘રાજા’).

હરસુખ થાનકી