યશોધરા : સિદ્ધાર્થ ગૌતમની પત્ની અને એમના પુત્ર રાહુલની માતા. બૌદ્ધ સાહિત્યમાં એને સુભદ્રકા, બિંબા અને ગોપા પણ કહેલ છે. તેનો અને સિદ્ધાર્થનો જન્મ એક જ દિવસે થયો હતો. 16 વર્ષની વયે તેનું સિદ્ધાર્થ સાથે લગ્ન થયું હતું. યશોધરાને સિદ્ધાર્થથી રાહુલ નામે પુત્ર જન્મ્યો હતો. સિદ્ધાર્થને જીવનની અસારતા જણાતાં તેમણે ગૃહત્યાગ કરીને અધ્યાત્મને માર્ગે જવાનો નિશ્ચય કર્યો અને એક રાત્રે પત્ની યશોધરા અને પુત્ર રાહુલને સૂતાં છોડીને મહાભિનિષ્ક્રમણ કર્યું. ચોરીછૂપીથી પોતાનો અને પોતાના પુત્રનો ત્યાગ થયો અને પતિ રાજ છોડીને વનમાં ચાલ્યા ગયા છે એ જાણીને યશોધરાને આત્મવિલોપન કરવાના વિચાર આવે છે પણ પુત્રના ઉછેરની પોતાની જવાબદારી સમજીને એ વિચારને પડતો મૂકે છે. સિદ્ધાર્થને બોધિજ્ઞાન પ્રાપ્ત થયા પછી બુદ્ધ તરીકે તેઓ પ્રસિદ્ધ થયા અને કપિલવસ્તુમાં આવ્યા. બુદ્ધના સ્વાગતમાં યશોધરા અને રાહુલ ના જોડાયાં. બુદ્ધે પોતે સામે ચાલીને યશોધરાના ખંડ પાસે જઈને ભિક્ષા માગી, ત્યારે યશોધરા ભિક્ષામાં પોતાન પુત્ર રાહુલને અર્પણ કરે છે. પાછળથી પોતે પણ બુદ્ધના શરણે જઈ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.
પ્રવીણચંદ્ર પરીખ