યશોદા : વ્રજના ગોપ જાતિના પ્રમુખ નંદગોપની પત્ની, જેણે બાલકૃષ્ણનું પાલનપોષણ કર્યું હતું. કંસના કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થયો તે સમયે યશોદાએ પણ એક કન્યાને જન્મ આપ્યો હતો. વસુદેવ કૃષ્ણને યશોદા પાસે મૂકીને એ કન્યાને લઈ આવ્યા હતા.

પુરાણો પ્રમાણે પૂર્વજન્મમાં નંદ-યશોદા ક્રમશઃ વસુઓના પ્રમુખ દ્રોણ અને તેની પત્ની ધરા હતાં. તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરેલી કે પૃથ્વી પર જન્મ લેતાં એમને ભગવાનની નિકટતા પ્રાપ્ત થાય. આથી વૃંદાવનમાં ગોપ-ગોપીઓના જન્મ લેતી વખતે દ્રોણ અને ધરાએ નંદ અને યશોદા રૂપે જન્મ લીધો અને કૃષ્ણની બાળલીલાઓ નીરખીને પોતાના જીનનને ધન્ય કર્યું.

પુરાણોમાં વર્ણવાયેલ કૃષ્ણકથામાં યશોદાનું શ્રીકૃષ્ણની વાત્સલ્યમયી માતા રૂપે નિરૂપણ થયું છે. શ્રીમદભાગવતમાં મન, વાણી અને કર્મથી યશોદાનું બાહ્યાન્યન્તર તેના સ્નેહશીલ, સરળ માતૃત્વની પ્રતીતિ કરાવે છે. તે એટલી સરળ હતી કે સહુ કોઈનો વિશ્વાસ કરતી. પૂતનાના કપટ-આચરણમાં પણ એને શંકા થઈ નહોતી. એના વાત્સલ્યની તીવ્રતા અને અખંડપણાનું સહુથી મોટું પ્રમાણ એ હતું કે કૃષ્ણ દ્વારા કરાયેલ અલૌકિક પરાક્રમોથી પ્રભાવિત થઈને તેના પ્રત્યે દૈન્યપૂર્ણ ભક્તિભાવ પ્રગટ કરવાની ચેષ્ટા કરતી નથી તેમ કૃષ્ણનું ગોપીઓ પ્રત્યેનું કિશોરસુલભ પ્રેમાચરણ પ્રત્યે કોઈ ભાવપરિવર્તન કરતી નથી. કૃષ્ણ પર ભારે સંકટ આવે છે ત્યારે કૃષ્ણ એનું તત્કાળ નિરાકરણ કરે છે એ જોઈને યશોદાને ક્યારેક અચરજ થાય છે પણ અંતે એનું માતૃહૃદય કૃષ્ણના કુશળક્ષેમ માટે ચિંતિત, શંકિત અને અધીર બનતું પ્રતીત થાય છે. સૂરદાસે યશોદાના સ્વભાવમાં ચતુરતા અને વિનોદપ્રિયતાનું ઉમેરણ કર્યું છે. યશોદા ક્યારેક શ્યામ અને બલરામને એવું કહીને ચીડવે છે કે તમને તો ગાયો ચરાવવા માટે ખરીદ્યા છે તેથી તમને રાતદિવસ આ કામમાં જોતરું છું. ગોપીઓની કૃષ્ણ પ્રત્યેની માખણચોરી જેવી ફરિયાદોથી યશોદા અકળાય છે ત્યારે કૃષ્ણને ખાંડણિયા સાથે બાંધે છે પણ અંતે એને પોતાના આ ક્રૂર કૃત્ય માટે પસ્તાવો થાય છે. રાધા પ્રત્યે યશોદાનો વ્યવહાર મમતાપૂર્ણ અને સ્નેહભર્યો છે. પહેલી મુલાકાતમાં જ યશોદા રાધાને કૃષ્ણની ભાવિ પત્નીના રૂપમાં કલ્પે છે. પોતે મનોમન પ્રસન્ન થાય છે અને કૃષ્ણ સાથે રાધાને રમવા માટે પ્રોત્સાહિત કરે છે. સૂરદાસે યશોદાના માતૃવાત્સલ્યના ચિત્રણમાં અનેકાનેક ભાવોનો આશ્રય લીધો છે. એમાં સહુથી અધિક મર્મસ્પર્શી ચિત્ર વિરહાવસ્થાનું છે. અક્રૂર સાથે જે સમયે કૃષ્ણ અને બલરામ મથુરા જવા લાગે છે તે સમયે યશોદા અત્યંત દીન થઈને અક્રૂરને જે વિનવણી કરે છે તેમાં એ પ્રગટ થાય છે. કૃષ્ણના વિયોગમાં યશોદાની દીનતાની પરાકાષ્ઠા જોવા મળે છે. તે દેવકે કરુણ સંદેશો મોકલતાં વિનવે છે કે કૃષ્ણની ધાવ રૂપે પણ યશોદાને તેઓ પોતાની સાથે અંગીકાર કરે.

કૃષ્ણકાવ્યના પરવર્તી કવિઓએ યશોદાનું નિરૂપણ કર્યું છે પણ એમાં સૂરદાસ જેવી મૌલિકતાનાં દર્શન થતાં નથી.

પ્રવીણચંદ્ર પરીખ