યશ:પાલ, કવિ

January, 2003

યશ:પાલ, કવિ : मोहराजपराजय સંસ્કૃત નાટકના લેખક. ગુજરાતના શંકરભક્ત રાજા કુમારપાલે (ઈ. સ. 1143 –1172) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ઈ. સ. 1160 (વિ. સં. 1216)માં જૈનધર્મ અંગીકાર કર્યો. ત્યારબાદ થોડાં વર્ષ પછી, કવિ યશ:પાલે આ નાટકની રચના કરી. એ ગુણ-દોષનાં રૂપક-પાત્રો ધરાવતું નાટક છે. આ નાટકમાં કુમારપાલે મોહરાજનો કેવી રીતે પરાજય કર્યો અને કૃપાસુંદરી પ્રાપ્ત કરી તે રૂપકો દ્વારા નિરૂપ્યું છે. રાજા અજયપાલ(ઈ. સ. 1172–1176)ના અમાત્ય કવિ યશ:પાલના આ રૂપકાત્મક નાટકમાં કુમારપાલ જૈન ધર્મના સિદ્ધાંતો સ્વીકારી, મોહ ઉપર જીત મેળવે છે, અને વિવેકચન્દ્ર તથા શાંતિદેવીની દીકરી કૃપાસુંદરી સાથે લગ્ન કરે છે, એવું કથાવસ્તુ છે. આ નાટકમાંથી ગુજરાતની બારમી સદીનું સામાજિક જીવન, રીતરિવાજો, પરંપરાઓ, માન્યતાઓ, વહેમો વગેરેનું આબેહૂબ પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે.

જયકુમાર ર. શુક્લ