યલો બુક, ધ (1894–’97)

January, 2003

યલો બુક, ધ (1894–’97) : આકર્ષક દેખાવનું પણ અલ્પજીવી નીવડેલું અંગ્રેજી સાહિત્યિક સામયિક. પ્રકાશનના પ્રારંભકાળથી જ તેણે અંગ્રેજી સાહિત્યજગતને અરૂઢ પ્રકારના વિષયોને લગતા લેખોથી ભડકાવવા ધાર્યું હતું અને થોડા જ સમયમાં તે નામચીન બની ગયું હતું. સાહિત્ય તેમ કલાને વરેલા આ સામયિકના પ્રકાશક જે. લેર્ન હતા અને તેના તંત્રી હતા હાર્ટલૅન્ડ. તેના પ્રથમ અંક(જેમાં બીજા લેખો ઉપરાંત બીરલોમનો ‘એ ડિફેન્સ ઑવ્ કૉસ્મેટિક્સ’ નામનો નિબંધ પણ છપાયો હતો.)થી જ જાહેર વિવાદ જાગ્યો હતો અને એ ઝંઝાવાત એ સામયિકના 3 વર્ષના આયુષ્યકાળ દરમિયાન પણ શમ્યો ન હતો. આ સામયિકના લેખકોમાં હેન્રી જેમ્સ, એડમંડ ગૉસ, લ ગૅલીન, આર્નોલ્ડ બેનેટ, એચ. જી. વેલ્સ, ડબ્લ્યૂ. બી. યેટ્સ તથા ડાઉસનનો સમાવેશ થતો હતો. આ સૌ પાછળથી નામાંકિત સર્જકો નીવડ્યા હતા.

મહેશ ચોકસી