યલોસ્ટોન નૅશનલ પાર્ક

January, 2003

યલોસ્ટોન નૅશનલ પાર્ક : યુ.એસ.ના વ્યોમિંગ રાજ્યમાં આવેલો દુનિયાનો જૂનામાં જૂનો નૅશનલ પાર્ક. ભૌગોલિક સ્થાન : 44° 30´ ઉ. અ. અને 110° 00´ પ. રે. આ રાષ્ટ્રીય ઉદ્યાન ઘણી બધી કુદરતી અજાયબીઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલો છે. અહીં દુનિયાના કોઈ પણ અન્ય પ્રદેશમાં જોવા મળતા હોય તે કરતાં ઘણી સંખ્યામાં ગરમ પાણીના ફુવારા (geysers) અને ઝરા (hot springs) આવેલા છે. યલોસ્ટોનનાં રમણીય અને આકર્ષક કુદરતી દૃશ્યોમાં ઊંડાં મહાકોતરો, ઘૂઘવાટ કરતા જળધોધ, ઝળહળતાં સરોવરો, સદાહરિત વિશાળ જંગલ-વિસ્તારો અને અસમતળ મેદાનો આવેલાં છે. આ ઉદ્યાન લગભગ 9 લાખ હેક્ટર વિસ્તારને આવરી લે છે. વળી યલોસ્ટોન યુ.એસ.માં આવેલું મોટામાં મોટું વન્ય જીવન અભયારણ્ય (preserve) પણ ગણાય છે. રીંછ, વિશાળ કદનાં હરણ (elk) અને ગૌર (bison) જેવાં પ્રાણીઓ અહીં મુક્ત રીતે વિચરે છે. ઢોલધ્વનિ કરતા હંસ અને શ્વેત પેલિકન જેવાં પક્ષીઓ અહીં તેમના માળા બનાવે છે.

યલોસ્ટોન નૅશનલ પાર્ક

યલોસ્ટોનનું મોટાભાગનું ભૂમિદૃશ્ય પ્લાયસ્ટોસીનકાળ દરમિયાન અહીં વારંવાર થયેલાં જ્વાળામુખી-પ્રસ્ફુટનોથી રચાયેલું છે. આ વિસ્તારના ભૂતળ હેઠળ હજી આજે પણ મૅગ્મા (પીગળેલો ભૂરસ) અસ્તિત્વ ધરાવે છે. આ મૅગ્માને કારણે મળતી ગરમીથી જ ગરમ પાણીના ફુવારા અને ઝરા ઉદભવે છે. અહીં 200થી વધુ ગરમ પાણીના ફુવારા અને હજારો ગરમ પાણીના ઝરા આવેલા છે.

1872માં અહીંની સરકારે યલોસ્ટોન નૅશનલ પાર્કની સ્થાપના કરેલી છે. આ પાર્કને તેની ઉત્તર તરફ વહેતી યલોસ્ટોન નદીના નામ પરથી તેમજ ત્યાં જોવા મળતા પીળા રંગના ખડકો પરથી ‘યલોસ્ટોન નૅશનલ પાર્ક’ નામ અપાયેલું છે. દર વર્ષે લગભગ 20 લાખ લોકો આ પાર્કની મુલાકાત લે છે. મોટાભાગના પ્રવાસીઓ આ પાર્કને વાહનમાં બેસીને જ જોતા જાય છે, માણતા જાય છે અને પસાર થાય છે; પરંતુ બીજા કેટલાક જિજ્ઞાસુઓ ઘોડા પર બેસીને કે પગે ચાલીને ત્યાંના પ્રવાસનો આનંદ માણે છે.

અહીં આવેલી નદીઓ અને સરોવરોમાં માછીમારી કરવાની છૂટ છે. આરામ કરવા તેમજ રોકાવા માટે અહીં શિબિરોની વ્યવસ્થા પણ છે. આ સરોવરોમાં હોડીઓ અને તરાપાઓ દ્વારા ફરવાની પણ સગવડ છે. શિયાળામાં થતી હિમવર્ષાથી અહીં હિમપટ છવાઈ જાય છે. આ હિમપટ પર ફરવા માટેનાં સાધનો પણ અહીં મળી રહે છે.

યલોસ્ટોન નૅશનલ પાર્કએક ભઠ્ઠી : જૂની ભઠ્ઠી પ્રત્યે નવો દૃષ્ટિકોણ : આ યલોસ્ટોન નૅશનલ પાર્ક વિશેષે કરીને ત્યાં વારંવાર નીકળી આવતા ગરમ પાણીના ફુવારા માટે જગપ્રસિદ્ધ છે. દુનિયાભરના અનેક સહેલાણીઓ તેની મુલાકાતે અવશ્ય જાય છે. પ્રવાસીઓ તેના ગરમ પાણીના ફુવારા તથા તેમાંથી જોશબંધ ઊછળતી છોળોમાંથી નીકળતી વરાળ અને પંકનાં તળાવો જોઈને દિઙ્મૂઢ બની જાય છે ! પ્રવાસીઓની આંખો સપાટી પર પ્રદર્શિત થતા આ કુદરતી સૌંદર્ય પર વારી જાય છે, જ્યારે ભૂસ્તરવિદોની આંખો તેની ઉત્પત્તિ માટે કારણભૂત ભૂગર્ભીય ઉષ્માસ્થાનક (hot spot) પર મંડાયેલી રહે છે. પૃથ્વી પરનાં મોટાભાગનાં ઉષ્માસ્થાનકો તો મહાસાગરતળ પર આવેલાં છે, પરંતુ યલોસ્ટોન એક એવું ઉષ્માસ્થાનક છે જે ખંડીય પોપડામાં આવેલું છે. યલોસ્ટોન નૅશનલ પાર્ક હેઠળનો ભૂગર્ભ ઊકળતા ચરુની જેમ ખદબદે છે ! અહીંના પેટાળની ગરમી એક યા બીજી રીતે બહાર આવવા પ્રયત્ન કરે છે. તેના ભૂગર્ભમાં જવાનું તો શક્ય નથી, પરંતુ યલોસ્ટોન નૅશનલ પાર્કની ભૂમિમાં માત્ર 7 કિમી.ની ઊંડાઈ પર રાક્ષસી કદનાં અંશત: ગલન પામેલાં ખડકગચ્ચાં તેમજ પુષ્કળ દાબ હેઠળ રહેલા વાયુનું અસ્તિત્વ જોવા મળે છે ! આનો અર્થ એ થાય કે ત્યાંનો ભૂગર્ભીય વિભાગ ઘણા ઊંડાણ સુધી પીગળેલી અવસ્થામાં છે અને તેથી તે ગમે ત્યારે, ભયંકર વિસ્ફોટ સહિત પ્રસ્ફુટન પામે તેવી સ્થિતિ ધરાવે છે.

સાન ફ્રાન્સિસ્કોમાં તાજેતરનાં થોડાંક વર્ષ અગાઉ યોજાયેલા અમેરિકી ભૂભૌતિકશાસ્ત્રીઓના યલોસ્ટોન નૅશનલ પાર્કના ઉષ્માસ્થાનક પરના પરિસંવાદમાં નૅન્સી હિનમાન નામના ભૂસ્તરશાસ્ત્રીના જણાવ્યા મુજબ, ‘આ યલોસ્ટોન એક એવું ભૂસ્તરીય ઉષ્માસ્થાનક છે; જ્યાં ઊંડાણમાં કાર્યરત આંતરિક પરિબળો પૃથ્વીના પોપડા તરફ ધસી રહ્યાં છે; જે સપાટી-લક્ષણોને મોટા પાયા પર બદલી નાખી શકે તેમ છે.’ યલોસ્ટોન નૅશનલ પાર્કના ગરમ પાણીના ફુવારા, ઊકળતાં પંક-સરોવરો, મૃતપ્રાય જ્વાળામુખો (જ્વાળામુખીઓ) વિશે આજના વૈજ્ઞાનિકોએ તેમનો અભિગમ બદલ્યો છે. તેઓ હવે તેને જુદી જ રીતે મૂલવે છે : પૃથ્વીનો પોપડો ઘણી જાડાઈની ભૂતકતીઓથી બનેલો છે. આ ભૂતકતીઓનું સંચલન થયા કરે છે, તકતીઓ ખસે છે. તેમનું સંચલન થવા માટે આંતરિક ગરમી–ઊર્જાની જરૂર પડે છે. એક સિદ્ધાંત મુજબ, નવા ઉદભવતા જતા મૅગ્માના વિરાટકાય વાટા, શીશાના મુખ પરના આંટા પરથી ઢાંકણું એકાએક જોશબંધ ખૂલે એ રીતે ભૂતકતીની પ્રવહનદિશા તરફ ઊંડાણમાંથી બહાર નીકળી આવે છે, પથરાય છે અને તેમાંથી શંકુઆકારનું સ્વરૂપ રચાય છે.

પૃથ્વી પરનાં મોટાભાગનાં ઉષ્માસ્થાનકો મહાસાગરતળ પર આવેલાં છે; જે હવાઈ ટાપુઓની શૃંખલા જેવી રચનાઓને આકાર આપે છે. પૅસિફિક મહાસાગરમાં આવા તો ઘણા ટાપુઓ છે. ડૉ. હિનમાન કહે છે કે વ્યોમિંગ રાજ્યના આ ઉષ્માસ્થાનકે યલોસ્ટોન જ્વાળામુખ (ગર્ત, પોલાણ, થાળું) રચ્યું છે. આ ગર્ત જ્વાળામુખનું થાળું બની રહેલું છે. એક છેડાથી બીજા છેડા સુધી તેનો વ્યાપ 80 કિમી. જેટલો છે. 6 લાખ વર્ષ અગાઉ જ્યારે તે ફાટ્યું હતું ત્યારે આયોવા અને કૅલિફૉર્નિયા સુધી તેની ભસ્મ ઊતરી આવી હતી; એટલું જ નહિ તેણે સેન્ટ હેલેન્સનો શંકુપર્વત પણ રચ્યો હતો.

ભૂભૌતિકશાસ્ત્રીઓએ આ વિશાળ જ્વાળામુખનો અને આજ સુધી તેમાંથી થયેલાં પ્રસ્ફુટનોનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે આજે પણ આ જ્વાળામુખ સક્રિય છે. તે ઊંડા શ્વાસોચ્છવાસ લે છે, વાયુઓ બહાર કાઢે છે, વાયુઓથી નજીકની વનસ્પતિ તથા વન્ય જીવન મૃતપ્રાય બની જાય છે. આજુબાજુનું ભૂપૃષ્ઠ બદલાય છે. હજી પણ ભવિષ્યમાં તેની ફાટવાની પૂરેપૂરી શક્યતા છે. તેઓ કહે છે કે આ જ્વાળામુખ એક કુદરતી કાર્યશીલ પ્રયોગશાળા છે. એ એક એવી બારી છે, જેમાંથી ભૂગર્ભીય બંધારણનો તાગ મેળવી શકાય તેમ છે : આંતરિક હલનચલન, અંદરના વાયુઓ દાબ હેઠળ કેવી રીતે વર્તે છે વગેરે જાણી શકાય તેમ છે.

ડેનવરમાં આવેલા યુ.એસ. ભૂસ્તરીય સર્વેક્ષણના ભૂસ્તરશાસ્ત્રી ડૉ. કેનેથ પિયર્સ જણાવે છે કે યુરોપિયનો પણ ઓગણીસમી સદીના પ્રારંભમાં યલોસ્ટોન વિસ્તારને ખૂંદી વળેલા, તેનો અભ્યાસ કરેલો ખરો; પરંતુ છેલ્લાં 25 વર્ષના ગાળામાં ભૂસ્તરશાસ્ત્રીઓની સમજમાં ઊતર્યું છે કે યલોસ્ટોન અહીંની ઉત્તર અમેરિકી ભૂતકતીના ઉષ્માસ્થાનક પર આવેલું છે. આ તકતી ઉષ્માસ્થાનક પર સરકે છે. તેનો સરકવાનો વાર્ષિક દર 2.5 સેમી. જેટલો છે. ડૉ. પિયર્સ કહે છે કે ભૂસ્તરશાસ્ત્રીઓએ યલોસ્ટોનથી પશ્ચિમ તરફ વિસ્તરેલી અહીંની અનેક નદીખીણનો અભ્યાસ કરી તારણ કાઢ્યું છે કે ત્યાંથી ઑરેગૉન સુધી વિલુપ્તિ પામેલા જ્વાળામુખીઓની એક શ્રેણી છે, યલોસ્ટોનના જ્વાળામુખને મળતાં આવતાં ઓછામાં ઓછાં નવ જ્વાળામુખો વ્યોમિંગથી ઑરેગૉન સુધીમાં શોધી કાઢવામાં આવેલાં છે. આ પૈકીનું જૂનામાં જૂનું જવાળામુખ 1 કરોડ 60 (કે 70) લાખ વર્ષ જૂનું છે. તે ઑરેગૉનના અગ્નિભાગમાં તથા ઉત્તર નેવાડા તરફ છે. ઇડાહોનું જ્વાળામુખ યલોસ્ટોનથી 160 કિમી. પશ્ચિમ તરફ છે. તે 50 લાખ વર્ષ જૂનું છે. કૅલિફૉર્નિયા ભૂસ્તરીય સર્વેક્ષણના ભૂસ્તરશાસ્ત્રી ડૉ. રૉબર્ટ ક્રિશ્ચિયનસેન કહે છે કે યલોસ્ટોન આજે જે રીતે દેખાય છે તે મુજબ તે 20 લાખ વર્ષથી વધુ જૂનું નથી. તેની રચના ત્રણ પ્રસ્ફુટનોમાં થયેલી છે. આ ત્રણ પ્રસ્ફુટનો પૈકીનું એક પ્રસ્ફુટન પૃથ્વીના સમગ્ર ઇતિહાસમાં કદાચ વધુમાં વધુ પ્રચંડ હતું. આ પ્રસ્ફુટનોએ તત્કાલીન વાતાવરણમાં બધો મળીને 6,400 ઘન કિમી. જેટલો દ્રવ્યજથ્થો બહાર ફેંક્યો હતો. તુલનાત્મક દૃષ્ટિએ જોતાં, માઉન્ટ હેલેન્સમાંથી નીકળેલાં ભસ્મ અને લાવાએ આશરે 4 ઘન કિમી.નો દ્રવ્યજથ્થો એકત્રિત કરેલો. આ વિસ્તારમાં સર્વપ્રથમ પ્રસ્ફુટન પણ પ્રચંડ અને મોટું હતું. 21 લાખ વર્ષ અગાઉ હકલબરી ડુંગરધારનું પ્રસ્ફુટન થયેલું, ત્યારે પશ્ચિમ યુ.એસ. વિસ્તાર પર આશરે એક મીટર જાડાઈનું તો ભસ્મ-આવરણ પથરાયેલું. બીજું પ્રસ્ફુટન આઇલૅન્ડ પાર્ક ખાતે 13 લાખ વર્ષ અગાઉ થયેલું. ત્રીજું પ્રસ્ફુટન લાવા ક્રીક ખાતે 6 લાખ વર્ષ અગાઉ થયેલું, જેને પરિણામે આજનું જ્વાળામુખ (ગર્ત) તૈયાર થયેલું છે. પહેલાં બે પ્રસ્ફુટનોની બંને બાજુઓ પર આ ત્રીજું પ્રસ્ફુટન છવાયેલું છે.

ઉપર પ્રમાણેની ઉપલબ્ધ માહિતીને આધારે એક તર્કમાન્ય/સૈદ્ધાંતિક કલ્પના રજૂ કરવામાં આવી છે : મૅગ્માને ઉપર તરફ ધકેલતું આ એક એવું સાંકડું ભૂંગળું છે, જે છેક 2,900 કિમી. ઊંડાઈએ રહેલા ભૂમધ્યાવરણ–ભૂકેન્દ્રીય સીમા પરથી ચાલ્યું આવે છે, તેણે છેક પોપડા સુધીનું કાણું બનાવ્યું છે. ખંડીય વિભાગમાં તે 32થી 48 કિમી.ની પહોળાઈનું બની રહેલું છે. આ ભૂંગળામાંથી બેસાલ્ટ બંધારણવાળું પીગળેલું પ્રવાહી દ્રવ્ય બહાર તરફ ધસે છે. વચ્ચે આવતા ખડકોને આત્મસાત્ કરીને તેને પોતાનામાં સામેલ કરી દે છે. અત્યંત ગરમીને કારણે તે ખડકોને વિસ્તારે છે અને પોપડાને પાતળો બનાવે છે. પોપડાનો ખડક પીગળીને રાયોલાઇટ પ્રકારનો સિલિકાસમૃદ્ધ પટ બને છે તેમજ તે દાબ હેઠળ પકડાઈ રહેલા વાયુ-બાષ્પના મોટા જથ્થાને પણ મુક્ત કરે છે. વાયુઓ ઉપર તરફ ચઢે છે. વાયુદાબ ઠંડા પડતા, સંકોચાતા, ઊપસેલા વિભાગમાં તડો પાડે છે. આ તડો નીચે તરફના મૅગ્મા-સંચય સુધી વિસ્તરે છે અને વાયુઓના મુક્ત થવાની સાથે સાથે ભરી રાખેલી બંદૂક એકાએક ફૂટે તેમ મૅગ્માનાં પ્રસ્ફુટન થાય છે. વાયુઓના પ્રસ્ફુટનની સાથે સાથે રાખદ્રવ્ય 1,800° સે. તાપમાન સાથે બહાર નીકળી આવે છે. કલાકોમાં તો સેંકડો ઘન કિમી. દ્રવ્ય સેંકડો કિમી.ના વેગથી ફેંકાય છે. વચ્ચે આવતા ખડકદ્રવ્યને પણ ધક્કો મારીને બહાર ફેંકે છે. જૂના જ્વાળામુખની છત દાબના ધક્કાથી તૂટી જાય છે અને ફરીને ગર્ત બની રહે છે. આવા ગર્તમાં મૅગ્મા ભરાતો જઈ ઘૂમટ આકારની રચના તૈયાર થાય છે. વળી અન્ય અનેક લક્ષણો પણ આ સાથે રચાય છે. પ્રવાસીઓ તો માત્ર સપાટી પરનાં લક્ષણો જ આજે જુએ છે.

તાજેતરમાં ઑરેગૉન યુનિવર્સિટીના ભૂભૌતિકશાસ્ત્રી ડૉ. યૂજેન હમ્ફ્રીએ ભૂકંપીય મોજાંનાં લક્ષણો અને વર્તનને આધારે પોકાટેલો નજીકના જૂના ઉષ્માસ્થાનક પરનું પૃથ્વીનું ત્રિપરિમાણવાળું ચિત્ર તૈયાર કર્યું છે. તેમાંથી અંશત: પીગળેલા ખડકવાળા મૅગ્માનાં નાનાં નાનાં સંચયસ્થાનો હોવાની સ્થિતિ જાણવા મળી છે. આ સંચયસ્થાનો યલોસ્ટોન ઉષ્માસ્થાનકથી એકરેખીય શૃંખલારૂપે જોવા મળે છે. આ સંશોધન પરથી હમ્ફ્રીને ઉષ્માસ્થાનકો કેવી રીતે બન્યાં અને સ્થાન બદલતાં ગયાં તેનો ખ્યાલ આવ્યો.

અહીંનું ઉષ્માસ્થાનક પ્રત્યેક 10 લાખ વર્ષે 24 કિમી.ના દરથી ઉત્તર તરફ સ્થળાંતર કરતું રહેશે. સંશોધકો જણાવે છે કે છેવટે તે મૉન્ટાનાના બિલિંગ્સ શહેર નીચે પહોંચી જશે. શહેરને આશરે 900 મીટર જેટલું ઊંચકશે અને પછી તેને ભૂમિમાં ધરબી દેશે. ત્યારપછી તે આગળ વધતું જઈને હડસનના ઉપસાગર તરફ ખસશે. આજે તો યલોસ્ટોનમાં આ ઉષ્માસ્થાનક શ્વાસોચ્છ્વાસની જેમ ઊપસે છે અને ધરબાય છે. અહીં કરેલાં માપનો પરથી તારણ મળ્યું છે કે આ જ્વાળામુખ 1923થી 1985 સુધીમાં આશરે 1 મીટર જેટલું ઊંચકાયું છે. 1985 પછી તે પ્રત્યેક વર્ષે 1થી 1.25 સેમી.ના દરથી નીચે ગયું છે. યલોસ્ટોનનાં સરોવરો અને નદીઓના કિનારા પણ ઊપસ્યા છે અને નીચા ગયા છે. ડૉ. હમ્ફ્રી કહે છે કે છેલ્લાં 9,000 વર્ષોમાં આશરે પાંચ વખત, દરેક વખતે આશરે 7 મીટર જેટલું તે ઊંચકાયું અને ધરબાયું છે. ઉટાહ યુનિવર્સિટીના ભૂભૌતિકશાસ્ત્રી ડૉ. રૉબર્ટ સ્મિથ જણાવે છે કે વર્તમાન ઉપસાવ પરથી એમ તો કહી શકાય નહિ કે તે હમણાં થોડા વખતમાં પ્રચંડ વિસ્ફોટ કરશે, પરંતુ તેની તાજેતરની વિસ્તૃત પ્રક્રિયાનો ઇતિહાસ સૂચવે છે કે કદાચ ત્યાં પેટાળમાં ઊંચા ઉષ્માપ્રવાહો વહે છે. તેથી ભૂકંપો થવાની શક્યતાને નકારી શકાય નહિ. આ કારણે આ વિસ્તાર પર ચાંપતી નજર રાખવાની જરૂર રહે છે. કૅલિફૉર્નિયાના વિસ્તારને બાદ કરતાં યલોસ્ટોન વિસ્તાર ભૂકંપીય રીતે સક્રિય ગણી શકાય.

ડૉ. પિયર્સ કહે છે કે આ ઘટનાઓએ યલોસ્ટોન નૅશનલ પાર્કને દુનિયાભરનું વિશિષ્ટ ભૂમિદૃશ્ય બનાવ્યું છે. જ્વાળામુખ નજીકની સિલિકાસમૃદ્ધ ભૂમિ વનસ્પતિ માટે યોગ્ય નથી, તેમ છતાં અહીંના વિસ્તારમાં લૉજપોલ પાઇન (lodgepole pine) ઊગે છે અને નભી શકે છે. પરિણામે અહીં રણની પરિસ્થિતિ ઉદભવી શકે છે. ગરમ પાણીના સેંકડો ફુવારા, ગરમ પાણીના ઝરા અને ઉષ્માપ્રવર્તક લક્ષણોથી આ વિસ્તાર વિશિષ્ટ બન્યો છે. પ્રવાસીઓને અહીંના ફુવારા જોવા ગમે પણ છે. અહીંથી પાણી ભેદ્ય ખડકોમાં પ્રવેશે છે, ગરમ થાય છે અને નીચેથી દાબ મળતાં ઉપર તરફ ફુવારારૂપે ફેંકાય છે. અહીંનો Morning Glory Pool સરેરાશ 77° સે. જેટલા ગરમ અને તદ્દન સ્વચ્છ જળથી ભરાયેલો રહે છે. તેના મધ્યમાં પરપોટા નીકળતા રહે છે. વર્ષોથી અહીં Old Faithful  Geyser નિયમિત રીતે ફુવારો ઉડાડતો રહે છે, પરંતુ હવે તેણે પોતાની નિયમિતતામાં ફેરફાર કર્યો છે. નીચેનાં ઉષ્માક્ષેત્રોની ઊર્જા તથા પંક-જ્વાળામુખીઓએ ખનિજીય સોપાનો(Mineral Terrace)નું ભૂમિદૃશ્ય પણ રચ્યું છે. કેટલાક ફુવારા અમુક અમુક કલાકને અંતરે ઊડતા રહે છે, તો કેટલાક દસકાઓ પછી ઊડે છે, તો વળી કેટલાક ક્યારે ઉદભવશે તે કહી શકાય તેમ નથી. અહીંના સ્ટીમબોટ ફુવારાના ઊડવાનો ગાળો ખૂબ જ અનિયમિત છે. તે પાંચ દિવસથી માંડીને 50 વર્ષના આંતરે એક વાર ઊડે છે. બિસ્કિટ બેસિનમાંનો બ્લૅક ઓપલ પુલ (હોજ) 1925ની વસંતઋતુમાં ફાટેલો, પરંતુ તે પછી તો તે શાંત રહ્યો છે. ઉપલા થાળામાંનો ‘જાયન્ટ ગીઝર’ 40 વર્ષ સુધી શાંત રહ્યા બાદ હવે સક્રિય બનતો જાય છે. તેમાંથી 53 મીટરની ઊંચાઈ સુધી દઝાડે એવું (scalding) ગરમ પાણી ફેંકાય છે. આમ ખૂબ જ જાણીતા બનેલા અહીંના ઓલ્ડ ફેઇથફુલ ફુવારાએ તેની નિયમિતતા ગુમાવી છે. તે આશરે દર કલાકે ફૂટી નીકળતો હતો. ખડકભેદ્યતા અને જલબાષ્પમાત્રામાં થયેલા ફેરફારને કારણે હવે તેના ગરમ જળ-પ્રસ્ફુટનનો ગાળો દરેક 40 કે 70 મિનિટનો થયો છે.

ચીની ભૂકંપશાસ્ત્રીઓના મંતવ્ય મુજબ આ પ્રકારના ઉષ્ણજલીય વિભાગો પોપડાના સંવેદનશીલ વિભાગો ગણાય છે. 1997માં ડૉ. રોજસ્ટેક્ઝરે યલોસ્ટોન નૅશનલ પાર્કના છ ફુવારાઓમાંના પ્રસ્ફુટનમાં થતા ફેરફારો નોંધવા માટે દીવાસળીના કદનું એક સાધન અહીં ગોઠવેલું. પોપડામાં જ્યારે મોટા ભૂકંપ થવાના હોય ત્યારે ભૂગર્ભમાંનાં પ્રતિબળોની અસરોમાં ફેરફાર થતો હોય છે. તે જ પ્રમાણે આ ફુવારાના વર્તનમાં પણ ફેરફાર થાય છે. ઉપરનું સાધન આવા ફેરફારોની નોંધ કરે છે. આ ફેરફારોની નોંધ પરથી ભૂકંપની આગાહી કરી શકાય છે.

ગરમ પાણી ઉપરાંત જ્વાળામુખમાંથી દરેક વર્ષે ઘણો બધો(10થી 20 ઇંધન ઊર્જા-મથકો ચલાવી શકાય એટલો) કાર્બનડાયૉક્સાઇડ પણ નીકળે છે. આટલા CO2થી તો નાનાં જંગલોમાંનાં કે ભૂમિ પર રહેલાં પ્રાણીઓનું નિકંદન નીકળી જાય. ગરમ જળાશયોમાંથી, સોડાબૉટલમાંથી નીકળતા વાયુની જેમ, ઘણા વાયુઓ પણ નીકળતા રહે છે. આવાં જળાશયોમાં બૅક્ટેરિયા જેવા જીવાણુઓ હાઇડ્રોજન અને ગંધક પર નભે છે. આ જીવાણુઓ પૃથ્વી પરના જૂના જીવાણુઓ ગણાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્રકારનાં જીવનસ્વરૂપો મહાસાગર-તળ પરની મધ્ય મહાસાગરીય ડુંગરધારોમાંથી પણ મળ્યાં છે. યલોસ્ટોન તથા આ ડુંગરધારો વચ્ચેની અગાધ ઊંડી ફાટો ભવિષ્યમાં ભૂગર્ભની અણઊકલી માહિતી મેળવી આપશે એમ મનાય છે.

ગિરીશભાઈ પંડ્યા