યમુનાનગર : હરિયાણા રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 15´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,756 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ રાજ્ય, પૂર્વ અને અગ્નિ તરફ ઉત્તરાંચલ રાજ્ય, નૈર્ઋત્યમાં કર્નલ અને કુરુક્ષેત્ર જિલ્લા તથા પશ્ચિમ તરફ અંબાલા જિલ્લો આવેલા છે. આ જિલ્લાની રચના 1989ના નવેમ્બરની પહેલી તારીખે કરવામાં આવેલી છે.
આબોહવા : આ જિલ્લો ઉપ-ઉષ્ણકલ્પીય ખંડીય મોસમી પ્રકારની આબોહવા ધરાવે છે. અહીંના ઉનાળા ગરમ, શિયાળા ઠંડા અને ચોમાસાનું તાપમાન ચલિત રહે છે. ડિસેમ્બર-જાન્યુઆરીના ઠંડા મહિનાઓમાં ધુમ્મસ જામે છે. શિયાળામાં ક્યારેક વરસાદ-વંટોળની સ્થિતિ પણ પ્રવર્તે છે. વર્ષનો મોટાભાગનો વરસાદ ચોમાસા દરમિયાન પડી જાય છે.
ભૂપૃષ્ઠ–જમીનો–જળપરિવાહ : રાજ્યના આ વિસ્તારમાં શિવાલિકની ટેકરીઓ વિસ્તરેલી છે. ઉત્તર અને ઈશાન તરફ તળેટી-ટેકરીઓનો અસમતળ મેદાની વિભાગ તથા પૂર્વ અને અગ્નિ તરફ યમુના નદીના કાંઠાનો પૂરનાં મેદાનોનો વિભાગ આવેલો છે. જિલ્લાની જમીનો મોટેભાગે ગોરાડુ (ખદર, ભાંગર, માટીવાળી) પ્રકારની છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ ઈશાનથી નૈર્ઋત્ય તરફનો છે.
જિલ્લાની મુખ્ય નદીઓમાં યમુના, સરસ્વતી, ચૌતાંગ, રાક્સી, સોમ્બ અને બોલીનો સમાવેશ થાય છે. અહીંની ભૂગર્ભજળની સ્થિતિ સારી છે. યમુના અહીંથી પસાર થતી કાયમી નદી છે. તે મધ્ય હિમાલયમાં આવેલા જમનોત્રીમાંથી નીકળે છે અને શિવાલિક ટેકરીઓને વીંધીને વહે છે. સોમ્બ અને બોલી નાની નદીઓ છે, તે દાદુપુર નજીક ભેગી થઈને મેહર-માજરા ખાતે યમુનાને મળે છે. રાક્સી, ચૌતાંગ અને સરસ્વતી નદીઓ ટેકરીઓના તળેટીભાગમાંથી નીકળે છે.
ઘરવપરાશ તેમજ સિંચાઈ માટે આ જિલ્લામાં પૂરતો વરસાદ પડે છે. ભૂપૃષ્ઠ ઊંચું છે, આબોહવા સાનુકૂળ રહે છે; તેથી અહીં વનસ્પતિ સારી રીતે ઊગી નીકળે છે. અહીંનાં મુખ્ય વૃક્ષોમાં સીસમ, બાવળ, આંબા, જાંબુડા, પીપળા, લીમડા વગેરેનો સમાવેશ થાય છે. 1963થી જંગલવિસ્તારમાં ખાનગી જમીનો પર તેમજ મુખ્ય માર્ગોની ધારો પર નીલગિરિનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. જંગલોની વનસ્પતિ આ જિલ્લાને મળેલી કુદરતી બક્ષિસ છે, પરંતુ હવે જંગલો કપાતાં જવાથી ઓછાં થયાં છે. અહીં અયનવૃત્તીય સૂકાં ખરાઉ જંગલો અને ઉપઅયનવૃત્તીય જંગલો પણ જોવા મળે છે.
અર્થતંત્ર : જિલ્લાનું અર્થતંત્ર મિશ્ર પ્રકારનું છે.
ખેતી : જિલ્લાની વસ્તીના 50 % લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. ખેત-ઉત્પાદનની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી બિયારણ, ખાતરો, કીટનાશકો, કૃષિસાધનો અને સિંચાઈ-સુવિધાઓ અપાય છે. યાંત્રિક ખેતીને વિશેષ મહત્વ અપાતું જાય છે. ખેતી પછીના ક્રમે પશુપાલન, માછીમારી અને વન્ય પેદાશોને પણ મહત્વ અપાય છે. સિંચાઈ નળકૂપ (tubewells) તેમજ નહેરો મારફતે થાય છે.
જિલ્લાના મુખ્ય પાકોમાં ઘઉં, ડાંગર, મકાઈ, શેરડી, ચણા અને તેલીબિયાંનો સમાવેશ થાય છે. કપાસ, મરચાં, મગફળી, બાજરો, કઠોળ, શાકભાજી અહીંના ગૌણ પાકો છે. જિલ્લાના જુદા જુદા ભાગોમાં ગાયો, ભેંસો અને મરઘાં-બતકાંનું પાલન થાય છે. પશુઓ માટે પશુ-દવાખાનાં તેમજ કૃત્રિમ ગર્ભાધાનની વ્યવસ્થા છે.
ઉદ્યોગો : વીસમી સદીની શરૂઆત સુધી આ જિલ્લો ઔદ્યોગિક ર્દષ્ટિએ પછાત હતો, ત્યારે ઉત્પાદન-પેદાશો ઓછી બનતી હતી. વીસમી સદીના પૂર્વાર્ધમાં યમુનાનગર ખાતે માત્ર પંજાબ પલ્પ ઍન્ડ પેપર મિલ્સ (1929), સરસ્વતી શુગર મિલ્સ (1933) અને ભારત સ્ટાર્ચ ઍન્ડ કેમિકલ્સ (1938) હતાં.
1947માં દેશના ભાગલા પડ્યા પછી આ જિલ્લાએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે. સાહસિક ઉદ્યોગકારોએ કાચો માલ અને યાંત્રિક સુવિધાઓ મળતાં જિલ્લાની સિકલ બદલી કાઢી છે. યમુનાનગર ખાતે જનરલ એન્જિનિયરિંગ કૉર્પોરેશન, હરિયાણા ડિસ્ટિલરી, જમુના ઑટોઇન્ડસ્ટ્રિઝ, કે (Kay) આયર્ન વકર્સ પ્રા. લિ., રેલવે વર્કશૉપ, જગાધરી વર્કશૉપ, ચંદેરપુર વકર્સ જેવા ઉદ્યોગો સ્થપાયા છે. રાજ્યભરનાં 4,843 અધિકૃત કારખાનાંઓ પૈકી 643 (આશરે 16 %) જેટલાં આ જિલ્લામાં આવેલાં છે.
વેપાર : જિલ્લાનાં બિલાસપુર, બુરિયા, છાછરૌલી, ફરાખપુર, જગાધરી, મુસ્તફાબાદ, રાધૌર, સાદૌરા અને યમુનાનગર જેવાં શહેરો/નગરો ખાતે 17 જેટલી બૅંકો, 16 કૃષિ ધિરાણ મંડળીઓ, 26 બિનકૃષિ ધિરાણ મંડળીઓ આવેલી છે. જિલ્લામાં હાથસાળનું કાપડ, ખાદ્યતેલ, ખાંડસરી, ખાંડ, કાગળ, દેશી પગરખાં, ચોખા, માટીનાં પાત્રો, છાણાં, શેતરંજીઓ, ઊની ગાલીચા, સ્ટીલ-ઍલ્યુમિનિયમ અને પિત્તળનાં વાસણો, ખીલા, લોખંડનો માલસામાન, વનસ્પતિ ઘી, ઑટોમોબાઇલની કમાનો, રાચરચીલું વગેરેનું ઉત્પાદન લેવાય છે. ઘઉં, ચોખા, શેરડી, ફળો, ખાદ્યતેલ, શાકભાજી, વનસ્પતિ ઘી, હાથસાળનું કાપડ, ઊની ગાલીચા, દેશી પગરખાં, માટલાં, ખીલા અને દવાખાના માટેના સામાનની નિકાસ તથા કાપડ, કપાસ, દોરા, ઊની ગાલીચાનો કાચો માલ, ખાંડ, વનસ્પતિ ઘીનો કાચો માલ, કાગળ, પોલાદ-ઍલ્યુમિનિયમ, જસત, તાંબા-પિત્તળનાં વાસણો, પોલાદનાં પતરાં, કમાનો, દવાઓ, ઘી, યંત્રો, લોખંડના તાર, ચામડું વગેરેની આયાત કરવામાં આવે છે.
પરિવહન : યમુનાનગર જિલ્લામથક દિલ્હી–અંબાલા–સહરાનપુર બ્રૉડગેજ રેલવેથી જોડાયેલું છે. જિલ્લાનાં બધાં જ મુખ્ય મથકો બસમાર્ગોથી જોડાયેલાં છે. 1, 4, 5 અને 6 રાજ્ય ધોરી માર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે.
પ્રવાસન : યમુનાનગર, બિલાસપુર, બુરિયા, છાછરૌલી, જગાધરી, સાદૌરા, સુઘ, ચાનેતી, બસતિયાનવાલા અહીંનાં મુખ્ય પ્રવાસમથકો છે. વારતહેવારે અહીં મેળા-ઉત્સવો યોજાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 9,82,389 જેટલી છે, તે પૈકી 66 % વસ્તી ગ્રામીણ અને 34 % વસ્તી શહેરી છે. હિન્દી અહીંની મુખ્ય ભાષા છે. મુખ્ય વસ્તી હિન્દુ, શીખ અને મુસ્લિમોની છે; જ્યારે ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધો ઓછા છે. 50 % વસ્તી સાક્ષર છે. જિલ્લામાં શિક્ષણ અને તબીબી સગવડો પ્રમાણમાં સારી છે. 1996 મુજબ, યુનિવર્સિટી સહિત 7 જેટલી કૉલેજો છે.
ઇતિહાસ : આ પ્રદેશમાંથી પથ્થરયુગનાં પાષાણનાં હથિયારો મળી આવ્યાં છે. તે બતાવે છે કે તે સમયે ત્યાં માનવ-વસવાટ હતો. ત્યારબાદ ઈ. પૂ.ની બીજી સહસ્રાબ્દીમાં આર્યોનું આગમન થયું અને તેઓ સરસ્વતી તથા યમુના જેવી પવિત્ર નદીઓના કાંઠે વસ્યા હતા. વેદોની ઋચાઓની આ પ્રદેશમાં રચના થઈ હતી. મહાભારતમાં જણાવ્યા મુજબ આ પ્રદેશ પાંડવો તથા તેમના વારસોના તાબા હેઠળ હતો. ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં આ વિસ્તારમાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો. મૌર્યોના શાસન દરમિયાન અશોકના સામ્રાજ્યમાં તેનો સમાવેશ થયો હતો. સુઘ અને જગાધરી તાલુકામાં ઇન્ડો-ગ્રીક તથા કુષાણોનું શાસન હતું. ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત અને ચન્દ્રગુપ્ત બીજા(વિક્રમાદિત્ય)ના સમયમાં આ પ્રદેશ તેમના સામ્રાજ્યનો ભાગ હતો. નવમીથી બારમી સદી દરમિયાન સાદૌરા, જગાધરી અને કમલલોચન જાત્રાનાં સ્થળો તરીકે પ્રસિદ્ધ હતાં.
મુઘલોના સમયમાં સાદૌરા તથા મુસ્તફાબાદ મહાલો દિલ્હી સૂબાના સરહિંદ સરકાર(જિલ્લા)નો ભાગ હતો. ઓગણીસમી સદીમાં હાલના યમુનાનગર જિલ્લાનાં બુરિયા, જગાધરી દામલા, છાછરૌલી, મુસ્તફાબાદ અને અરણોલી સ્વતંત્ર રાજ્યો હતાં. 1857ના વિપ્લવમાં આ જિલ્લાના લોકોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ભારત સ્વતંત્ર થયા બાદ, પંજાબ રાજ્યમાંથી હરિયાણા રાજ્ય અલગ થયું અને નવેમ્બર 1989માં યમુનાનગરના અલગ જિલ્લાની રચના કરવામાં આવી.
જાહ્નવી ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ