યમુનાપર્યટન (1857)

January, 2003

યમુનાપર્યટન (1857) : મરાઠીમાં શરૂઆતની કેટલીક નવલકથાઓ પૈકીની બાબા પદ્મનજીકૃત નવલકથા. લેખકે 1854માં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો, પરંતુ તેમનાં પત્નીએ તેનો અસ્વીકાર કર્યો અને તેમના પર કૉર્ટમાં કેસ દાખલ કર્યો. કૉર્ટના આ ખર્ચને પહોંચી વળવા બાબાએ આ નવલકથા લખી હોવાનું મનાય છે.

બાબા હિંદુ સમાજમાં સ્ત્રીઓની – ખાસ કરીને વિધવાઓની – સમસ્યાઓમાં ઘણો રસ ધરાવતા હતા. તે સમયમાં વિધવાઓના પુનર્લગ્ન પર પ્રતિબંધ હતો. વિધવાઓએ માથાનું મુંડન કરાવવું પડતું અને તેમના ચારિત્ર્ય પર બારીક નજર રાખવામાં આવતી હતી. વળી તે વિધવાઓ તદ્દન સાદું, ત્યાગી જીવન જીવે તેવી અપેક્ષા પણ રાખવામાં આવતી હતી. આથી બાબાએ તેમના પુનર્લગ્નની હિમાયત કરી અને એ ઉદ્દેશથી ‘યમુનાપર્યટન’ નામક નવલકથાનું સર્જન કર્યું.

યમુના પ્રસ્તુત નવલકથાની નાયિકા છે. તે ગરીબ કુટુંબની અને ખ્રિસ્તી મિશનરી શાળામાં ભણેલી કન્યા છે. તેનાં લગ્ન વિનાયક નામના યુવક સાથે થયેલાં, પરંતુ તે તેના સાસરીપક્ષે દુ:ખી હતી. તેની બહેનપણી ગોદાવરીનો પતિ અવસાન પામતાં માથાના મુંડનની નામોશીમાંથી બચવા ગોદાવરી કૂવામાં પડી મોતને ભેટી. આથી યમુનાને આઘાત લાગ્યો અને પોતાના પતિ સાથે પર્યટને નીકળી પડી. સતારા ખાતેના તેમના મુકામ દરમિયાન તેઓ કષ્ટમય ત્યાગી જીવન જીવતી યુવાન વિધવા વેણુના સંપર્કમાં આવ્યાં.

વિનાયક અને યમુના નાગપુર આવ્યાં. ત્યાંની વિનાયકના મિત્રની યુવાન વિધવા બહેન તેને ધાર્મિક પ્રવચનો સંભળાવનાર પાદરી સાથે ભાગી ગઈ હતી. નવલકથાનું બીજું રસપ્રદ પાત્ર છે સતારાની એક ધનિક ઘરની કન્યા. તે ગ્વાલિયરના એક યુવાન સાથે પરણી હતી. તેના લગ્નના થોડા જ કલાક બાદ તે વિધવા બની ગઈ. તેના પર થનારા ત્રાસથી બચવા તે વેશ્યાગૃહનો આશ્રય લઈ વિલાસી જીવન જીવવા લાગી.

યમુના અને વિનાયકને તેમના પંઢરપુરના મુકામ દરમિયાન બીજી ધનિક વિધવા સાથે મેળાપ થયો. મોડી રાત્રે તે બુરખો ઓઢી ઘરમાંથી ભાગી છૂટી કામવાસના તૃપ્ત કરતી. સતારાના રસ્તે આ દંપતીને મળેલી એક વિધવા ભિખારણે તેમને ઘણી બધી વિધવાઓની દયાજનક કથની કહી સંભળાવી.

પ્રવાસ દરમિયાન વિનાયકને જીવલેણ અકસ્માત થયો. વિધવા બનેલી યમુનાએ પંઢરપુર આવીને પાછળથી એક ખ્રિસ્તી સાથે પુનર્લગ્ન કર્યું.

નવલકથા તરીકે ‘યમુનાપર્યટન’ની ગુણવત્તા ઓછી છે. તેનું નિરૂપણ ઉપદેશાત્મક છે અને તેમાંનું લેખકનું વલણ ઉદ્દંડતાવાળું લાગે છે. જોકે રેવરંડ તિલક જેવાએ તેમની કૃતિનાં વખાણ કર્યાં હતાં. સમાજમાં વિધવાઓની કફોડી હાલત સામેની ઝુંબેશ એ તેનું મુખ્ય જમા પાસું છે. ઐતિહાસિક રીતે મરાઠી સાહિત્યમાં પ્રથમ નવલકથા તરીકે તેનો નિર્દેશ થાય છે.

બળદેવભાઈ કનીજિયા