યત દૂરેઇ જાઇ (1962)

January, 2003

યત દૂરેઇ જાઇ (1962) : બંગાળી કવિ સુભાષ મુખોપાધ્યાય (1919) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1964ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો.

સુભાષ મુખોપાધ્યાય કોલકાતા યુનિવર્સિટીના સ્નાતક હતા. તેમના રાજ્યનાં રાજકીય આંદોલનોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થી અવસ્થાથી જ તેમાં સક્રિય ભાગ લેતા હતા. 1942માં તેઓ ભારતના સામ્યવાદી પક્ષમાં જોડાયા અને બંગાળના ફાસિઝમ વિરોધી મોરચાના તથા પ્રગતિશીલ લેખકોના આંદોલનના ચુસ્ત સમર્થક અને કાર્યકર બની રહ્યા. તેઓ બંગાળના સાહિત્યિક સામયિક ‘પરિચય’ના તંત્રીપદે રહ્યા. તેમણે ગદ્ય તથા પદ્યનાં અનેક પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેઓ પાકા માર્કસવાદી હોઈ તેમનાં કાવ્યોમાં ગરીબ તથા દલિત વર્ગ માટે ઊંડી સહાનુભૂતિ છલકાય છે.

પુરસ્કૃત કૃતિમાં તેમની સંવેદનશીલતા તથા પ્રૌઢિનો નવો વળાંક જોવા મળે છે. કાવ્યસંગ્રહની શીર્ષકદા કૃતિમાં કાળગ્રસ્તતા વિશેની કવિની સભાનતા તથા કવિતા પ્રત્યેના ચિરસ્થાયી આનંદનું વસ્તુ છે. તેમનાં સંખ્યાબંધ નગર-કાવ્યોમાં નગર-જીવનની કંગાળિયત તથા કદરૂપાપણું આલેખાયાં છે. આ સભ્યતાની આકાશ-આંબતી ઇમારતો માનવની પાશવતાના અંચળા જેવી છે. ‘કેન એલાન’ જેવા કાવ્યમાં વર્ણનશૈલી, નાટ્યાત્મક નિરૂપણ તથા મૉનોલૉગ જેવી વિવિધ રીતિઓનો કાવ્યોચિત સુંદર સમન્વય છે.

તેમણે પ્રયોજેલાં કલ્પનો સચોટ તથા મૌલિક છે. તેમના કાવ્યકસબની ઉત્તમતા કાવ્યસ્વરૂપના કલ્પનારંગી વિનિયોગમાં રહેલી છે. બોલચાલના ભાષા-પ્રયોગો, વાણીનો લય, મનોહર કલ્પન-સમૂહ, વિવિધ શૈલી-પ્રયુક્તિઓ તથા છટાદાર મૌન જેવી લાક્ષણિકતાઓ બદલ બંગાળી સાહિત્યમાં આ ગ્રંથ વિશિષ્ટ લેખાયો છે.

મહેશ ચોકસી