યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage)

January, 2003

યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage) : ગિરિનિર્માણ-ભૂસંચલન થયા અગાઉ જે તે પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતી નદીનો જળપરિવાહ ભૂમિ-ઉત્થાન થઈ ગયા પછી પણ લગભગ ત્યાં જ યથાવત્ જળવાઈ રહેવાની સ્થિતિ. ભૂસંચલન દરમિયાન અસરગ્રાહ્ય ભૂમિભાગોનું ક્રમશ: ઉત્થાન થતું જાય અને છેવટે ગિરિનિર્માણમાં પરિણમે એ પ્રસ્થાપિત થઈ ચૂકેલી ભૂસ્તરીય ઘટના ગણાય છે. આવા ભૂમિભાગોમાં વહેતી નદીઓના વહનમાર્ગો પર ભૂપૃષ્ઠમાં થતા ફેરફારોની અસર પહોંચે છે. ઉત્થાન પામતાં ભૂમિલક્ષણો સાથે જો નદીમાર્ગોનું પણ સંકલન થતું જાય તો નદીના પ્રવહનપથ ખાસ બદલાતા નથી; પરંતુ જે નદીઓ આ પ્રકારના વિક્ષેપો સાથે પોતાના પ્રવહનપથને ગોઠવવામાં અનુકૂલન સાધી શકતી નથી, તેમના જળમાર્ગો સમગ્રપણે બદલાઈ જાય છે અથવા તો તે લુપ્ત બની જાય છે. કોઈ પણ નદી ભૂમિ-ઉત્થાનની સાથે તે જ પ્રદેશમાં સુસંગત ત્યારે જ રહી શકે જ્યારે તે ભૂમિભાગના ઉત્થાનનો દર નદીખીણના ઘસારાના દર કરતાં ઓછો હોય. આમ ઉત્થાન પામતી જતી ભૂમિ પર્વતમાં ફેરવાય અને નદીનો પોતાનો મૂળ પ્રવાહપથ થોડાઘણા સ્થાનાંતર સહિત લગભગ ત્યાં જ ચાલુ રહે. શાખાનદીઓ સહિતની નદીરચના કે જે ઉત્થાન અગાઉ અસ્તિત્વ ધરાવતી હતી, તે ઉત્થાનના તબક્કાઓ દરમિયાન પણ અનુકૂલન સાધતી રહી હોય તેમજ આજે પણ પોતાનો પ્રવાહ લગભગ ત્યાં જ ચાલુ રાખ્યો હોય, એવી નદીરચનાને યથાપૂર્વ જળપરિવાહ રચના કહેવાય.

હિમાલયમાં સિંધુ-બ્રહ્મપુત્ર નદી, રહાઇનના ઉચ્ચસપાટપ્રદેશમાં  રહાઇન નદી, યુ.એસ.માં ટેનેસી નદી યથાપૂર્વ નદીનાં જ્વલંત ઉદાહરણો છે. તેમના ખીણવિભાગોમાં થતા ગયેલા ફેરફારો તેમના જૂના અસ્તિત્વનો ખ્યાલ આપે છે. હિમાલય હારમાળાની મુખ્ય નદીઓ હિમાલયના ઉત્થાન અગાઉ પણ અસ્તિત્વ ધરાવતી હતી, જે તેમની જળપરિવાહ-રચનામાં થયેલા ફેરફારો પરથી નક્કી થઈ શકે છે. જેમ જેમ હિમાલયનું ઉત્થાન થતું ગયું તેમ તેમ તેમના પ્રવહનમાર્ગો ફેરવાતા રહ્યા, તેમના કાયાકલ્પ થતા રહ્યા, ઘસારાનાં પરિબળોની કાર્યક્ષમતામાં વેગ આવતો ગયો, ઊંડાં કોતરો રચાતાં ગયાં, પોતાનાં જૂનાં પરિવાહલક્ષણો છૂટતાં ગયાં – જે આજે સિંધુ–બ્રહ્મપુત્રના ખીણપ્રદેશોમાં જોવા મળે છે. આવાં લક્ષણો પુરવાર કરે છે કે સિંધુ–બ્રહ્મપુત્ર નદીઓનો જળપરિવાહ યથાપૂર્વ પ્રકારનો છે, અર્થાત્ આ નદીઓ હિમાલયનું અસ્તિત્વ ન હતું ત્યારે પણ હતી.

ગિરીશભાઈ પંડ્યા