યજ્ઞ : વૈદિક સાહિત્યમાં રજૂ થયેલો, દેવોને હવિ આપી પ્રસન્ન કરવાનો ધાર્મિક વિધિ. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘યજ્ઞ’ના ‘પૂજા’, ‘ભક્તિ’, ‘દાન’, ‘બલિ’ વગેરે ઘણા અર્થો છે. પરંતુ સામાન્યત: આ શબ્દ ‘યજનકર્મ’ના અર્થમાં રૂઢ થયેલો છે એવી ‘નિરુક્ત’(3–4–19)માં નોંધ છે. ‘ભાટ્ટદીપિકા’ (4–2–12) આની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દેવતાને ઉદ્દેશીને જેમાં મુખ્યત્વે અગ્નિમાં દ્રવ્યત્યાગ કરવામાં આવે છે, તે ‘યજ્ઞ’ છે. ‘મત્સ્યપુરાણ’ (144–44) માને છે કે યજ્ઞ એટલે પંચસંયોગ. તેમાં દેવોનો, હવિર્દ્રવ્યોનો, ઋક્-સામ-યજુષ્નો, ઋત્વિજોનો અને દક્ષિણાઓનો સંયોગ (થાય) છે.

ભાગવત, વિષ્ણુપુરાણ અને દેવીભાગવતમાં યજ્ઞવૃત્તાન્ત આ રીતે આપ્યો છે : સ્વાયંભુવ મન્વન્તરમાં મનુની પુત્રી આકૂતિ હતી. તેનાં લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયેલ. આકૂતિ અને રુચિના પુત્ર તે યજ્ઞ. યજ્ઞ વિષ્ણુના સાતમા અવતાર હતા. આ મન્વન્તરમાં તેઓ સ્વર્ગમાં ઇન્દ્ર હતા. સ્વયંભૂ મનુ તેમને પોતાનો પુત્ર માનતા હતા. યજ્ઞની પત્નીનું નામ દક્ષિણા. તે બંનેને બાર પુત્રો થયા. તે દેવ અથવા સુયજ્ઞ તરીકે જાણીતા થયા. તેમનાં નામ આ પ્રમાણે છે – તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાન્તિ, ઇડાપતિ, ઇદ્ધ્મા, કવિ, વિભુ, સ્રદન, સુદેવ અને વિરોચક. જૉન ડૉસનની માન્યતા સાચી જણાય છે કે પુરાણોનો આ યજ્ઞદક્ષિણાવૃત્તાન્ત યજ્ઞની જ પ્રતીકાત્મક રજૂઆત છે. આ રીતે યજ્ઞ દ્વારા ‘યજનકર્મ’ જ અભીષ્ટ છે.

‘નિરુક્ત’(3–4–19)માં ‘યજ્ઞ’ની વૈકલ્પિક નિરુક્તિઓ આ પ્રમાણે છે :

(1) याञ्च्यो भवति इति वा । આમાં યજમાન વર્ષા વગેરેની યાચના કરે છે, તેથી આ ‘યજ્ઞ’ છે. દેવો જ યજમાન પાસે આમાં હવિ વગેરેની યાચના કરે છે.

(2) यजुहुन्नो भवति इति वा ।  આમાં યજુર્વેદના મંત્રો છવાયેલા હોય છે, તેથી આ ‘યજ્ઞ’ છે.

(3) बहुकृष्णाजिन: इत्यौपमन्यवः ।  શ્રુતર્ષિ ઉપમન્યુના અનુયાયી- ઓ માને છે કે આમાં કૃષ્ણ યજુર્વેદના મંત્રોની બહુલતા છે, તેથી આ ‘યજ્ઞ’ છે.

(4) यजूंषि एनं नयन्ति इति वा । યજુર્વેદના મંત્રો આ(યજ્ઞવિધિ)ને દોરે છે, તેથી આ ‘યજ્ઞ’ છે.

यज् ધાતુના મહર્ષિ પાણિનિ ત્રણ અર્થ આપે છે : देवपूजा, सङ्गतिकरण અને दान. આ રીતે यज्ञના અર્થો નીચે પ્રમાણે થાય છે :

(1) ઇન્દ્ર વગેરે દેવોનું આમાં પૂજન થાય છે, તેમને માટે આમાં અનુષ્ઠાન થાય છે. દેવોનો સત્કાર થાય છે.

(2) વર્ણાશ્રમધર્મોના રક્ષણ માટે અથવા વિશ્વકલ્યાણ માટે મહાપુરુષો અહીં એકત્રિત થાય છે. આ સત્કાર્યમાં ભાગ લેવા સ્વજનો અહીં એકત્રિત થાય છે.

(3) દેશકાળના સંજોગો અને પાત્રને ખ્યાલમાં રાખીને આમાં દાન થાય છે. દેવોને દ્રવ્યાદિનું શ્રદ્ધાપૂર્વક દાન થાય છે. યાચક સંતોષ પામે તેટલું દાન થાય છે. આચાર્ય લાયક શિષ્યોને તેમની જરૂરિયાત પ્રમાણે વિદ્યાદાન કરે છે.

આ રીતે આ પ્રક્રિયામાં દેવપૂજન છે, સંગતીકરણ છે અને દાન છે; તેથી આને ‘યજ્ઞ’ કહેવામાં આવે છે. ‘યજ્ઞ’નો અર્થવ્યાપ સીમિત નથી, તે પણ આમાંથી ફલિત થાય છે.

શ્રીમદભગવદગીતા ‘યજ્ઞ’ના 3 પ્રકાર ગણાવે છે : સાત્વિક (17–11), રાજસ (17–12) અને તામસ (17–13).

(1) સાત્વિક : ફળની આશા રાખ્યા વગર, (આ મારી) ફરજ છે એવું ખ્યાલમાં રાખીને, (મારે) યજ્ઞ કરવો જ જોઈએ, એ રીતે મનથી નક્કી કરીને, જે યજ્ઞ કરે છે, તે યજ્ઞ ‘સાત્વિક’ છે.

(2) રાજસ : ફળને લક્ષમાં રાખીને અને દંભ માટે  જ જે યજ્ઞ કરવામાં આવે છે, તે યજ્ઞ ‘રાજસ’ છે;

(3) તામસ : શાસ્ત્રવિધિ જેમાં ન જળવાય, જેમાં અન્ન આપવામાં ન આવે, જેમાં મંત્રો ન પ્રયોજાય, જેમાં દક્ષિણા ન અપાય, જે શ્રદ્ધા વગરનો હોય, તે યજ્ઞ ‘તામસ’ કહેવાય છે.

ધર્મશાસ્ત્રકાર મહર્ષિ અંગિરસ ‘અંગિરાસ્મૃતિ’માં યજ્ઞ અને મહાયજ્ઞ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે :

‘વ્યષ્ટિસંબન્ધને કારણે યજ્ઞ (કહેવાય) છે, સમષ્ટિસંબન્ધને કારણે મહાયજ્ઞ (કહેવાય) છે.’ માપદંડ કલ્યાણને આધારે છે. જેમાં ‘સ્વ’નું કલ્યાણ રહેલું છે, તે યજ્ઞ છે અને જેમાં ‘સર્વ’નું કલ્યાણ રહેલું છે, તે મહાયજ્ઞ છે. એકમાં સ્વ-અર્થ છે; બીજામાં પરમાર્થ. ‘અંગિરાસ્મૃતિ’ના આ અભિપ્રાયને મહર્ષિ ભારદ્વાજનું પણ સમર્થન છે : ‘(યજ્ઞ) સમષ્ટિ સાથે સંબદ્ધ હોય, તો ‘મહાયજ્ઞ’ કહેવાય છે.’

યજ્ઞના ત્રણ પ્રકાર છે : (1) કામ્ય, (2) નૈમિત્તિક અને (3) નિત્ય. પોતાના સંયોગોની અનુકૂળતા અને શ્રદ્ધાભક્તિને આધારે કામ્ય અને નૈમિત્તિક યજ્ઞો યાજ્ઞિક કરે અથવા ન પણ કરે; પરંતુ નિત્યમાં આવી છૂટછાટ નથી. તે તો કરવાના જ છે. પંચમહાયજ્ઞ આ પ્રકારના નિત્યયજ્ઞ છે. ગૃહસ્થ માટે તે અનિવાર્ય છે. પંચમહાયજ્ઞને જ પં. વેણીરામ ગૌડ ‘બલિવૈશ્વદેવ’ કહે છે. આમાં બધા દેવની પૂજા થાય છે. આથી ‘વૈશ્વદેવ’ કહેવાય છે.

મનુસ્મૃતિ 3/68–76 અને તેના પરના કુલ્લૂક ભટ્ટના ભાષ્ય ‘મન્વર્થમુક્તાવલી’ને અનુસરીને ‘પંચમહાયજ્ઞ’નું વિવરણ આ રીતે થઈ શકે તેમ છે :

ગૃહસ્થને પોતાનાં ગૃહકાર્યો દરમિયાન પાંચ પ્રકારનાં પાપો તો લાગવાનાં જ. તેમાં અજાણપણે પણ જીવહિંસા થવાની. હવે ગૃહસ્થાશ્રમી પોતાની શક્તિ મુજબ યથાસંભવ પંચમહાયજ્ઞ કરે તો તેને આ અજાણપણે પણ લાગતા પાપમાંથી છુટકારો મળે છે. તેથી તે નિત્યયજ્ઞ છે. તે અનિવાર્ય છે. આ પાપોના નિવારણ માટે જ મહર્ષિઓએ ‘પંચમહાયજ્ઞ’નું વિધાન ગૃહસ્થાશ્રમીઓ માટે કર્યું છે. આ पञ्चसूना: માટે અનુક્રમે पञ्चमहायज्ञનું વિધાન છે. આ પાંચ હિંસાસ્થાનો છે. તેનાં પાપો આ ક્રિયાઓમાં લાગે છે : (1) ચૂલો ફૂંકવો, (2) ઘંટીથી દળવું, (3) સાવરણીથી કચરો કાઢવો, (4) ખાંડણિયામાં ખાંડવું, (5) પાણી સીંચીને ઘડામાં ગાળીને નાખવું. મહાયજ્ઞો આ પ્રમાણે છે :

(1) બ્રહ્મયજ્ઞ : વેદોનું અધ્યયન અને અધ્યાપન. જપ કરવો. બીજા મુનિઓ આને ‘અહુત’ કહે છે.

(2) પિતૃયજ્ઞ : પિતૃઓનું અન્ન, જળ, દૂધ, ફળ-મૂળથી તર્પણ કરે, એમને સંતુષ્ટ કરે; નિત્ય શ્રાદ્ધ કરે. બીજા મુનિઓ આને ‘પ્રાશિત’ કહે છે.

(3) દેવયજ્ઞ : અગ્નિમાં હોમ કરવો. બીજા મુનિઓ આને ‘હુત’ કહે છે.

(4) ભૂતયજ્ઞ : બલિવૈશ્વદેવ કરવો તે. આ ‘ભૂતબલિ’ છે. બીજા મુનિઓ આને ‘પ્રહુત’ કહે છે.

(5) નૃયજ્ઞ : મનુષ્યયજ્ઞ. અતિથિઓનો ભોજન વગેરેથી સત્કાર કરવો. બ્રાહ્મણશ્રેષ્ઠની પૂજા કરવી. બીજા મુનિઓ આને ‘બ્રાહ્મ્ય હુત’ કહે છે. દરિદ્રતાને કારણે અતિથિને ભોજન વગેરે આપી શકાય તેમ ન હોય તો બ્રહ્મયજ્ઞ અને દેવયજ્ઞ તો કરવા જ.

યજ્ઞ મુખ્યત્વે બે પ્રકારના છે : શ્રૌત અને સ્માર્ત. શ્રુતિઓથી પ્રતિપાદિત હોય તે શ્રૌત છે. તેમાં શ્રુતિપ્રતિપાદિત મંત્રોનો જ પ્રયોગ હોય છે. સ્માર્ત સ્મૃતિપ્રતિપાદિત યજ્ઞ છે. તેમાં પૌરાણિક અને તાંત્રિક મંત્રોના પ્રયોગ હોય છે. આ બંનેમાં શ્રૌતયજ્ઞનું મહત્વ વધુ છે.

ગૌતમધર્મસૂત્ર(8–18)ના આધારે યજ્ઞોની યાદીને આ પ્રમાણે ગોઠવી શકાય :

હવિર્યજ્ઞ – 7 + સોમયજ્ઞ – 7 + પાકયજ્ઞ – 7 = 21

() શ્રૌતયજ્ઞ : ડૉ. શ્રીધર ભાસ્કર વર્ણેકર પાંચ શ્રૌતયજ્ઞને મુખ્ય ગણાવે છે : અગ્નિહોત્ર, દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુ, સોમ. ‘ઐતરેય બ્રાહ્મણ’ તો આ પાંચને જ શ્રૌતયજ્ઞ કહે છે.

(1) અગ્નિહોત્ર : અગ્નિને સિદ્ધ કર્યા પછી સાયંકાળે આનો આરંભ થાય છે અને બીજે દિવસે સવારે પૂરો થાય છે. જીવન પર્યંત આનું અનુષ્ઠાન કરવું જોઈએ. સ્ત્રી સાથે ત્રણેય વર્ણને આનો અધિકાર છે. આ કર્મ નિત્ય પણ છે, કામ્ય પણ. નિત્યનું અનુષ્ઠાન ન થાય, તો પ્રત્યવાય લાગે છે; કામ્યનું અનુષ્ઠાન ન થવાથી લાગતું નથી. આ કર્મમાં દ્રવ્ય તરીકે દૂધ, દહીં અથવા જવની કાંજી હોય છે. એના કર્તા માટે ‘અગ્નિહોત્રી’ શબ્દ છે, તેમ આ યજ્ઞ માટે દૂધ આપનારી ગાય માટે પણ ‘અગ્નિહોત્રી’ શબ્દ છે. અગ્નિહોત્ર વિના બીજા યજ્ઞોનાં અનુષ્ઠાન પણ થતાં નથી. વેદોમાં આની જેટલી પ્રશંસા છે એટલી બીજા કોઈની નથી. આ ઉત્કૃષ્ટ કર્મ છે. અન્ય મહાયજ્ઞોનાં અનુષ્ઠાનથી જે ફળ મળે છે, તે ફળ આજીવન અગ્નિહોત્ર કરવાથી મળે છે.

(2) દર્શપૂર્ણમાસ : આમાં દર્શ = અમાસનાં ત્રણ કર્તવ્ય છે અને પૂર્ણ = પૂર્ણિમાનાં ત્રણ કર્તવ્ય છે. આ છ યાગ માટે दर्शपूर्णमासौ પ્રયોગ છે. આ ‘પ્રકૃતિયાગ’ છે. આમાં અગ્નિનું આધાન પૂનમ અને અમાસે થાય છે; પરંતુ વાસ્તવિક યાગવિધિ પ્રતિપદાના દિવસે થાય છે. આ છ કર્મો સમવેત થઈને એક જ ફળ આપે છે. પૂનમના 3 – (ક) અષ્ટાકપાલ પુરોડાશયાગ, (ખ) ઉપાંશુયાગ, (ગ) એકાદશકપાલ પુરોડાશયાગ. અમાસના 3 – (ક) અગ્નિપ્રીત્યર્થ પુરોડાશયાગ, (ખ) ઇન્દ્રપ્રીત્યર્થ દધિદ્રવ્યક પુરોડાશયાગ, (ગ) ઇન્દ્રપ્રીત્યર્થ પયોદ્રવ્યકયાગ. અગ્નિહોત્રનો અધિકારી આનો અધિકારી છે. આ યાગ પણ નિત્ય અને કામ્ય છે.

(3) ચાતુર્માસ્ય : આ યજ્ઞમાં ચાર પર્વ છે  (ક) વૈશ્વદેવ : આ પર્વના દેવતા ‘વિશ્વદેવા:’ છે. (ખ) વરુણપ્રધાસ : આમાં વરુણને પ્રધાસ (હવિ) આપવામાં આવે છે. (ગ) સાકમેધ : હવિ પ્રાપ્ત કરીને દેવગણ વૃદ્ધિ પામે છે. (ઘ) શુનાસીરીય : આમાં દેવતા વાયુ અને આદિત્ય છે. આ ચારેય પર્વો અનુક્રમે ફાગણની પૂનમે, આષાઢની પૂનમે, કાર્તિકની પૂનમે અને ફાગણ સુદ એકમે થાય છે. આ ચારેય મળીને ‘ચાતુર્માસ્ય’ કહેવાય છે. આ યજ્ઞ રાજસૂયના ભાગરૂપે હોય તો તેનો અધિકાર ક્ષત્રિયને છે. સ્વતંત્ર હોય તો ત્રણેય વર્ણને અધિકાર છે. ચાતુર્માસ્ય ત્રણ પ્રકારના છે : (ક) ઐષ્ટિક, (ખ) પાશુક અને (ગ) સૌમિક. આ યજ્ઞ વિષે જુદા જુદા અભિપ્રાય છે – (ક) જીવનમાં એક વાર કરીને છોડી શકાય છે; (ખ) લાગલાગટ પાંચ વર્ષ કરવાના છે; (ગ) આજીવન કરવાના છે.

(4) પશુ : પ્રતિવર્ષ વર્ષાઋતુમાં, દક્ષિણાયનમાં અથવા ઉત્તરાયણમાં સંક્રાન્તિને દિવસે એક વાર પશુયાગ થાય છે. આને ‘નિરૂઢ પશુયાગ’ પણ કહેવામાં આવે છે. આમાં સોમયાગના એક ભાગ રૂપે પાંચ પશુનાં મસ્તક અથવા એમનાં માટીનાં મસ્તક ઉપયોગમાં લેવામાં આવે છે. સંપત્તિ, ગ્રામ, યશ વગેરેની પ્રાપ્તિ માટે પશુયાગ થાય છે. મહામહોપાધ્યાય પી. વી. કાણેનો મત છે કે આ યાગ સ્વતંત્ર પણ હોઈ શકે અને સોમયાગના ભાગ રૂપે પણ હોઈ શકે. સ્વતંત્ર પશુયાગ માટે ‘નિરૂઢ પશુયાગ’ શબ્દ છે.

(5) સોમ : સોમલતા દ્વારા આ યજ્ઞ થાય છે. સોમના અભાવે પૂતિક નામની લતાનો રસ પણ ચાલે. તે વસંતઋતુમાં થાય છે. પાંચ દિવસ વિધિ ચાલે છે. તેમાં મુખ્ય વિધિ એક દિવસની જ છે. આમાં સોળ ઋત્વિજો હોય છે. ગાયની દક્ષિણા આપવામાં આવે છે. આ યાગના સાત ભેદ છે : (ક) અગ્નિષ્ટોમ, (ખ) અત્યગ્નિષ્ટોમ, (ગ) ઉક્થ્ય, (ઘ) ષોડશીક, (ઙ) વાજપેય, (ચ) અતિરાત્ર અને (છ) આપ્તોર્યામ. આની સમાપ્તિ ત્રણ વેદ દ્વારા થાય છે. સોમને પીસીને રસ કાઢવામાં આવે, તે ગ્રહોના આકારના ઊખળ જેવા કાષ્ઠપાત્રમાં રેડવામાં આવે, પછી હોમ થાય છે; તેથી આનું નામ સોમયાગ છે.

ઉપર્યુક્ત શ્રૌતયજ્ઞ મુખ્ય છે. એ સિવાયના આ પ્રમાણે છે :

(6) શ્રૌતાધાન : વસંતમાં બ્રાહ્મણ, ગ્રીષ્મમાં ક્ષત્રિય અને વર્ષામાં વૈશ્ય દ્વારા અમાસને દિવસે સપત્નીક આ યજનકર્મ થાય છે. તે કર્યા પછી બીજા શ્રૌતયજ્ઞો માટેનો અધિકાર મળે છે.

(7) આગ્રયણેષ્ટિ : દરેક વર્ષે વસંત અને શરદમાં નવા જવ અને ચોખા પાકે છે. તેનાથી યજ્ઞ થાય છે. આને આગ્રયણ અથવા નવાન્ન કહે છે. આનાં બીજાં નામો ‘નવયજ્ઞ’, ‘નવશસ્યેષ્ટિ’ અથવા ‘નવાન્ના ઇષ્ટિ’ છે. જે તે ઋતુમાં પ્રતિપદા અથવા પૂનમે તે થાય છે. આ યજ્ઞ થયા પછી જ અનાજ ખાવાના ઉપયોગમાં લઈ શકાય.

(8) સૌત્રામણિ : આ ઇન્દ્ર સંબંધી પશુયાગ છે. તેના બે પ્રકારો છે : (ક) સ્વતંત્ર અને (ખ) અંગભૂત. સ્વતંત્ર માટે બ્રાહ્મણ અધિકારી છે. અંગભૂત બીજા યજ્ઞોના અંગરૂપે હોય છે, તેથી તેમાં ક્ષત્રિય અને વૈશ્ય પણ અધિકારી હોય છે. ચાર દિવસમાં તે સંપન્ન થાય છે. ગોદુગ્ધ અને પયોગ્રહનું વિધાન છે.

(9) દ્વાદશાહ : ‘સત્ર’ અને ‘અહીન’ એવા આના બે પ્રકારો છે. ‘સત્ર’માં સોમયાગના સોળ ઋત્વિજો આહિતાગ્નિ હોય છે, દક્ષિણા લેતા નથી. સોમરસથી એક દિવસ સવાર, બપોર અને સાંજ હવન કરવામાં આવે તે ‘સુત્યા’ કહેવાય છે. સત્રમાં આવી સુત્યાઓ 12થી 1,000 સુધીની હોય છે. ‘અહીન’માં 2થી 11 સુધીની સુત્યાઓ હોય છે. આમાં યજમાન એક પણ હોય, અનેક પણ હોય. આમાં 1,000 કે તેનાથી વધુ ગાયોની દક્ષિણા હોય છે. ત્રણેય વર્ણ આ યજ્ઞના અધિકારી છે.

(10) ગવામયન : ગાયો દ્વારા આ અનુષ્ઠિત છે; તેથી આવું નામ છે. 360 દિવસ અથવા 10 મહિના ચાલે છે. એક પ્રકારનો સોમયાગ છે. મહા મહિનાની સુદ અગિયારસ, વદ આઠમ, ફાગણની અથવા ચૈત્રની પૂનમ  આમાંના કોઈ એક દિવસથી તે શરૂ થાય છે. તેમાં સપત્નીક યજમાનો બેસે છે. તેમાં 361 સુત્યાઓ હોય છે.

(11) વાજપેય : એક પ્રકારનો સોમયાગ છે. રાજસૂય યજ્ઞને પ્રારંભે થાય છે. એનાથી ચડિયાતો છે. તેમાં અશ્વોની સ્પર્ધા છે, તેથી વાજપેય નામ મળ્યું છે. શરદઋતુમાં થાય છે અને 40 દિવસમાં પૂર્ણ થાય છે. આ યજ્ઞમાં ચાર અશ્વવાળા સોળ રથ, 17 દુંદુભિ, 17 બાણ વગેરેનાં વિધાન છે. તેમાં અન્ન એટલે જવનું પીણું બનાવાય છે.

(12) અગ્નિચયન : આમાં ઈંટો દ્વારા વેદિનિર્માણ થાય છે. ચયન = વિધિપૂર્વક ઈંટો ગોઠવવી. આનો આકાર ઊડતા બાજપક્ષી જેવો થાય છે. પછી યજમાન જ્યોતિષ્ટોમ કરે છે. એક વરસ અગાઉ અમાસ અથવા પૂનમે અગ્નિહોત્ર કરીને આનો સંકલ્પ લેવામાં આવે છે.

(13) અશ્વમેધ : આ એક મહાન સોમયાગ છે. દિગ્વિજયી ચક્રવર્તી રાજા યજમાન હોય છે. યજ્ઞનો અશ્વ શ્યામકર્ણ અને શ્વેતવર્ણ હોય છે. અશ્વના સંચાર સાથે ચાર સો રક્ષક હોય છે. ચૈત્રની પૂનમે શરૂ થાય છે. યજ્ઞને પૂરો થતાં બેથી વધુ વરસ થાય છે. યજ્ઞ સંપન્ન કરે તેને ‘અશ્વમેધયાજી’નું સન્માન મળે છે.

(14) પુરુષમેધ : ચૈત્ર સુદ દશમે શરૂ થાય છે. 40 દિવસ ચાલે છે. બ્રાહ્મણ વગેરે 48 પુરુષને યૂપ સાથે બાંધવામાં આવે છે. પુરુષ-સૂક્તનો પાઠ થાય છે. યજ્ઞ સંપન્ન થાય પછી તેમને છોડી મૂકવામાં આવે છે. યજ્ઞને અંતે યજ્ઞકર્તા વાનપ્રસ્થપ્રવેશ કરે છે અથવા આજીવન અગ્નિહોત્ર સ્વીકારી લે છે.

(15) પિતૃમેધ : એક જ ઋત્વિક અધ્વર્યું વડે થાય છે. ત્રણેય વર્ણને તેનો અધિકાર છે. મૃત પિતૃનાં અસ્થિને લઈને અરણ્યમાં જવાનું હોય છે. ત્યાં પુરુષાકૃતિમાં એમને ગોઠવીને તેને શેવાળ, કુશ વગેરેથી ઢાંકી દેવાનું હોય છે. પછી ગ્રામમાં આવી ગૃહપ્રવેશ કરવાનો હોય છે.

(16) સર્વમેધ : આ યાજુષ યાગ 34 દિવસનો છે. બધા પ્રકારનાં અનાજ અને વનસ્પતિઓનો હવન થાય છે, તેમાં 12 સુત્યાઓ અને 100 અગ્નિઓ હોય છે.

() સ્માર્તયજ્ઞ

(1) રુદ્રયાગ : ત્રણ પ્રકારના હોય છે — (i) લઘુરુદ્ર, (ii) મહારુદ્ર અને (iii) અતિરુદ્ર. આ ઉત્તરોત્તર શ્રેષ્ઠતા ધરાવે છે. 11 બ્રાહ્મણ રુદ્રાભિષેક કરે, તે લઘુરુદ્ર છે. તેમાં 121 नमस्तेનો પાઠ હોય છે. 11 મણ હવનસામગ્રી હોય છે. 11 લઘુરુદ્રથી એક મહારુદ્ર અને 11 મહારુદ્રથી એક અતિરુદ્ર થાય છે.

(2) વિષ્ણુયાગ : આમાં પણ ત્રણ પ્રકાર છે : (1) વિષ્ણુયાગ, (2) મહાવિષ્ણુયાગ અને (3) અતિવિષ્ણુયાગ. હવનસામગ્રી પહેલામાં 11 મણ, બીજામાં 21 મણ અને ત્રીજામાં 55 મણ હોય છે. અનુક્રમે 1 લાખ, 2 લાખ અને 3 લાખ પુરુષસૂક્તના પાઠ ગ્રહયજ્ઞપૂર્વક કરવાના હોય છે.

(3) હરિહરયજ્ઞ : આમાં પ્રાત:કાળે વિષ્ણુયાગ અને મધ્યાહ્ને રુદ્રયાગ હોય છે. સવારે પુરુષસૂક્તથી અને બપોરે રુદ્રસૂક્તથી આહુતિ હોય છે. કુલ હવનસામગ્રી 50 મણ હોય છે.

(4) શિવશક્તિયજ્ઞ : આમાં સવારે શિવયજ્ઞ અને બપોરે દુર્ગાયજ્ઞ હોય છે. હવનસામગ્રી 15 મણ હોય છે. સવારે રુદ્રસૂક્તનો પાઠ અને બપોરે ચંડીપાઠ કરવાનો હોય છે. 21 વિદ્વાન બ્રાહ્મણ 11 દિવસમાં તે સંપન્ન કરે છે.

(5) રામયજ્ઞ : આનું સ્વરૂપ વિષ્ણુયાગ જેવું છે. ‘ૐ रां रामाय नम:’ આ મંત્રથી આહુતિ અપાય છે. રામસહસ્રનામનો જપ થાય છે. 16 વિદ્વાન બ્રાહ્મણો 8 દિવસમાં તે કરે છે. પદ્મપુરાણનો મત છે કે આ યજ્ઞ શ્રેષ્ઠ છે.

(6) ગણેશયાગ : શુક્લ યજુર્વેદના 33/65-72 — આ મંત્રોથી આહુતિ અપાય છે. ગણેશસહસ્રનામનો પાઠ થાય છે. 1 લાખ આહુતિ છે. ગણેશજી કળિયુગમાં શ્રેષ્ઠ દેવ છે. 16 વિદ્વાન બ્રાહ્મણો 8 દિવસમાં તે કરે છે.

(7) સૂર્યયાગ : આનાથી પાપનિવૃત્તિ થાય છે, રોગશમન થાય છે. સૂર્યસહસ્રનામનો પાઠ થાય છે. શુક્લ યજુર્વેદના 7મા અને 33મા અધ્યાયના મંત્રોથી આહુતિ અપાય છે.

(8) દુર્ગાયજ્ઞ : દુર્ગાસપ્તશતી અને દેવીસહસ્ર નામનો વિનિયોગ થાય છે. 16 વિદ્વાન બ્રાહ્મણો 9 દિવસમાં 15 મણ હવનસામગ્રીથી તે યજ્ઞ કરે છે.

(9) લક્ષ્મીયજ્ઞ : આનું બીજું નામ અંબાયજ્ઞ છે. ઋણ, દરિદ્રતા વગેરેનો તે નાશ કરે છે. શ્રીસૂક્તથી હવન થાય છે; લક્ષ્મીસહસ્ર નામનો પાઠ થાય છે.

(10) લક્ષ્મીનારાયણયજ્ઞ : પ્રાત:કાળે લક્ષ્મીયાગ અને બપોરે વિષ્ણુયાગ હોય છે.

(11) નવગ્રહયજ્ઞ : ગ્રહો અને એમના અધિદેવતાઓને યજુર્વેદોક્ત 27 મંત્રોથી આહુતિ અપાય છે. ગ્રહપીડામાં શાંતિ પ્રાપ્ત થાય છે.

(12) વિશ્વશાન્તિયાગ : યજુર્વેદોક્ત 36મા અધ્યાયના મંત્રોથી દર વરસે ફાગણ માસમાં તે થાય છે. તેનાથી મનુષ્યમાત્રનું હિત થાય છે.

(13) પર્જન્યયાગ : આનું બીજું નામ ઇન્દ્રયાગ છે. ઋગ્વેદના 5, 7 અને 10મા મંડળના મંત્રોથી આહુતિ અપાય છે; તેનાથી વૃષ્ટિ થાય છે.

(14) ગાયત્રીયજ્ઞ : ગાયત્રીમંત્રથી આહુતિ હોય છે. ગાયત્રીસહસ્ર-નામનો પાઠ થાય છે. તેમાં 24 લાખ આહુતિ હોય છે.

(15) ગાયત્રીપુરશ્ચરણ : 24 દિવસ ગાયત્રીજાપ હોય છે. 33 બ્રાહ્મણ 99 હજાર જાપ કરે છે.

(16) શતચંડી : નવ દિવસની શતચંડીમાં દુર્ગાપાઠ માટે 10 બ્રાહ્મણ જોઈએ છે. પાંચ દિવસની શતચંડી પણ દુર્ગાપાઠ સાથે 10 બ્રાહ્મણ કરી શકે છે.

રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા