યજ્ઞસેન (ઈ. પૂ.ની બીજી સદી) : વિદર્ભનો રાજા. પુષ્યમિત્ર શુંગ(ઈ. પૂ. 187–151)નો હરીફ અને મૌર્ય સમ્રાટના સચિવનો બનેવી. સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કાલિદાસે જણાવ્યું છે કે અગ્નિમિત્ર(પુષ્યમિત્રનો પુત્ર)નો મિત્ર માધવસેન યજ્ઞસેનનો પિતરાઈ હતો. તે વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના અંતપાલે (સરહદ પરના સૂબાએ) તેની ધરપકડ કરી. તેથી અગ્નિમિત્રે તુરત જ તેને મુક્ત કરવા યજ્ઞસેનને જણાવ્યું. પોતાના સંબંધી મૌર્ય સચિવને મુક્ત કરવામાં આવે તો તે માધવસેનને મુક્ત કરશે એમ યજ્ઞસેને જણાવ્યું. તેથી અગ્નિમિત્રે સરહદના કિલ્લાના રક્ષક વીરસેનને વિદર્ભ પર આક્રમણ કરવા હુકમ કર્યો. વીરસેને યજ્ઞસેનને હરાવ્યો અને માધવસેનને મુક્ત કર્યો. પરિણામે વિદર્ભનું વિભાજન કરીને યજ્ઞસેન તથા માધવસેન બંને પિતરાઈઓ વચ્ચે તે પ્રદેશ વહેંચી આપવામાં આવ્યો. પુષ્યમિત્રના સાર્વભૌમત્વ હેઠળ તેઓ બંને રાજ્ય કરતા હતા.

જયકુમાર ર. શુક્લ