યજુર્વેદ : પ્રાચીન ભારતના ચાર વેદોમાંનો એક. તે યજ્ઞમાં ઉપયોગી યજુ:નો સંગ્રહ ધરાવે છે. તેનું મહત્વ યજ્ઞથી જરા પણ ઓછું નથી. તેનું બીજું નામ ‘અધ્વરવેદ’ – યજ્ઞને લગતો વેદ છે. યજ્ઞક્રિયા સાથે હોતા, ઉદગાતા, બ્રહ્મા અને અધ્વર્યુ આ ચાર પ્રકારના ઋત્વિજો સંકળાયેલા છે. આમાંથી અધ્વર્યુનો વેદ ‘યજુર્વેદ’ છે. તેથી તેનું બીજું નામ ‘આધ્વર્યવ વેદ’ પણ છે. કર્મની પ્રધાનતાને કારણે સમગ્ર વૈદિક સાહિત્યમાં તેનું પણ આગવું મહત્વ છે.
યજુર્વેદમાં યજ્ઞની સમગ્ર વિધિઓ વિશેના મંત્રો છે. યજુર્વેદનો અર્ધો ભાગ પદ્યમાં છે. આમાંની 700થી વધુ ઋચાઓ ઋગ્વેદમાંથી લેવાયેલી છે. આ સિવાયનો અર્ધો ભાગ ગદ્યાંશ યજુર્વેદની પોતાની રચના છે.
यजति यजते अनेन वा इति यजु: । આ વ્યુત્પત્તિ અનુસાર ‘યજુ:’નો અર્થ ‘યજ્ઞનું સાધન’ અથવા ‘યજ્ઞ’ પોતે એવો પણ થાય છે. શ્રી માધવાચાર્ય ‘ન્યાયવિસ્તર’માં લખે છે : વેદ ચાર છે ઋક્, યજુ:, સામ અને અથર્વ. આ વેદને ‘ત્રયી’ની સંજ્ઞા છે, કારણ કે તે ગદ્યાત્મક છે, પદ્યાત્મક છે, ગાનાત્મક છે. આમાંથી યજુ: પ્રાય: ગદ્યાત્મક છે. જૈમિનીસૂત્ર 2/1/35—36—37માં જણાવાયું છે : ‘અર્થને કારણે જેમાં પાદવ્યવસ્થા થઈ, તે ઋક્ છે. જે મંત્રોનું ગાન થઈ શકે, તે સામ છે. બાકીના બધા યજુસ્ છે.’ આ રીતે યજુ: ગદ્યાત્મક હોવાથી ઋક્ અને સામથી ભિન્ન છે. અક્ષરોની સંખ્યા, મર્યાદા, જેમાં નિશ્ચિત નથી, તે ‘યજુસ્’ છે (अनियताक्षरावसानो यजु: ।).
મહાભારત અને પુરાણોમાંથી કથા પ્રાપ્ત થાય છે તે મુજબ, વેદ એક હતો. તે અત્યંત મોટો હતો. તેથી તેનું સાંગોપાંગ અધ્યયન અશક્ય બનતું હતું. માણસો મંદમતિ હતા, તેથી સુખપૂર્વક તેને ગ્રહણ કરી શકે નહિ. આથી વેદવ્યાસે બ્રહ્મપરંપરાથી પ્રાપ્ત થયેલા આ વેદને ચાર સંહિતામાં વ્યવસ્થિત રીતે વિભક્ત કર્યો અને પોતાના ચાર શિષ્યોને ઉપદેશ્યો. અનુક્રમે પૈલને ઋક્, વૈશમ્પાયનને યજુ:, જૈમિનીને સામ અને સુમન્તુને અથર્વનો ઉપદેશ કર્યો. આ રીતે વૈશમ્પાયન યજુર્વેદના આચાર્ય બન્યા.
વૈશમ્પાયને યજુર્વેદ પોતાના શિષ્ય યાજ્ઞવલ્ક્યને ભણાવ્યો. એક વાર કોઈક કારણે અપ્રસન્ન થયેલા આચાર્યે શિષ્યને ભણેલી વિદ્યા પરત કરી દેવા આજ્ઞા કરી. યોગના સામર્થ્યથી એમણે વિદ્યાનું વમન કરી નાખ્યું. દુ:ખી થયેલા યાજ્ઞવલ્ક્યને લાગ્યું કે હવે કોઈ લૌકિક ગુરુ પાસે જવું નથી. તેથી હાટકેશ્વર ગયા, ત્યાં દ્વાદશ આદિત્યની મૂર્તિ બનાવી ઉપાસના આરંભી. એમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. તેથી તે શુક્લ યજુર્વેદ કહેવાયો. શતપથ બ્રાહ્મણ 14-9-5-33 આને આદિત્ય સમ્પ્રદાય કહે છે. આદિત્ય પાસેથી યાજ્ઞવલ્ક્યે વિદ્યા પ્રાપ્ત કરી. સમ્પ્રદાયનું પ્રવર્તન એમના દ્વારા થયું છે. યજુર્વેદનો આ પાઠ આર્ષેય છે. વ્યવસ્થિત છે. અનુષ્ઠાન માટે ઉપયોગી છે. શુદ્ધ અમિશ્રિત છે. આમાં શુદ્ધ મંત્રોનો જ સંગ્રહ છે. શુક્લત્વ સંહિતાના શુદ્ધત્વમાં સંનિહિત છે. આ આર્ષેય પરંપરા છે. ગુરુ-શિષ્યની કથા બીજા સ્વરૂપે પણ મળે છે. વૈશમ્પાયનના ભાણેજ યાજ્ઞવલ્ક્ય ઋગ્વેદના અધ્યયન માટે શાકલ્ય પાસે ગયા. શાકલ્ય રાજા સુપ્રિયના પુરોહિત હતા. સુપ્રિયે વિલાસિતા અને મદમાં એક વાર યાજ્ઞવલ્ક્યનો અનાદર કર્યો. એક વાર ગુરુએ રાજા પાસે શિષ્યને જવાનું કહ્યું ત્યારે શિષ્યે સવિનય ઇન્કાર કર્યો. ગુરુએ રોષથી વિદ્યા પાછી માગી અને અભિમંત્રિત જળ પાઈ દીધું. શિષ્યને વમન થયું તેમાં વિદ્યા વાન્ત થઈ ગઈ.
શુક્લ યજુર્વેદને પ્રારંભે (1—1) મહીધરના ભાષ્યમાં વૈશમ્પાયન—યાજ્ઞવલ્ક્ય—વૃત્તાન્ત છે. યાજ્ઞવલ્ક્યે વિદ્યાનું વમન કરી નાખ્યું. એટલે ગુરુએ બીજા શિષ્યોને આદેશ આપ્યો કે તમે આ વાન્ત યજુસનો સ્વીકાર કરી લો. આ ફરીથી જે સંગૃહીત થયો તેને કૃષ્ણ યજુર્વેદ નામ મળ્યું. સર મૉનિયેર વિલિયમ્સ ‘કૃષ્ણ’ને આ રીતે સમજાવે છે : શુક્લ યજુર્વેદમાં કેવળ શુદ્ધ મંત્રોનો જ સંગ્રહ હતો; તેથી તે ‘શુક્લ’ હતો. આ મંત્રોનો વિનિયોગ જુદા જુદા યજ્ઞમાં કઈ રીતે કરવો તે ‘કૃષ્ણ’માં છે. આમ મંત્રની સાથે બ્રાહ્મણ અંશ સંમિશ્રિત છે, તેથી તેને ‘કૃષ્ણ’નું નામ મળ્યું છે. ‘તૈત્તિરીય આરણ્યક’માં એક સારસ્વત પુત્રની કથા છે. તેને આધારે યજુર્વેદમાં સારસ્વત પાઠપરંપરા પ્રવર્તિત છે. તે કૃષ્ણ યજુર્વેદ છે. સામાન્યત: ક્રમ એવો છે – સંહિતા, બ્રાહ્મણ અને આરણ્યક. ‘શુક્લ’માં સંહિતા શુદ્ધ સ્વરૂપે જળવાઈ રહી, ‘કૃષ્ણ’માં બ્રાહ્મણ અને આરણ્યક અંશો ભળી ગયા. વાચક ભ્રાન્તિ દ્વિધાના અંધકારમાં આવી જાય તેવી શ્યામત્વની, કૃષ્ણત્વની સ્થિતિ સર્જાય છે. શતપથ બ્રાહ્મણ કૃષ્ણ-યજુર્વેદને બ્રહ્મસંપ્રદાય સાથે સાંકળે છે. બ્રાહ્મણ અંશના સંહિતા સાથેના સંમિશ્રણને કારણે આ બ્રહ્મસંપ્રદાય છે. અહીં એક મતાન્તર નોંધવું જરૂરી છે. વેદવ્યાસનું નામ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ હતું. તેથી એમનાથી પ્રવર્તિત શિષ્યપરંપરામાં જે યજુર્વેદ સચવાયો તે કૃષ્ણ યજુર્વેદ કહેવાયો. ‘કૃષ્ણ’ કરતાં ‘શુક્લ’ યજુર્વેદ પ્રતિપાદ્ય વિષયને કારણે વધુ મહત્વનો છે.
‘મહાભાષ્ય’માં ભગવાન પતંજલિ યજુર્વેદની શાખાઓ 101 હોવાનું જણાવે છે. શૌનક ‘ચરણવ્યૂહ’માં વર્ગીકરણ આપે છે કે ‘શુક્લ’ની 86 શાખાઓ છે, ‘કૃષ્ણ’ની 15 છે; પરંતુ તેમાંથી અત્યારે યજુર્વેદની માત્ર છ શાખાઓ ઉપલબ્ધ છે :
વાજસનેયી પૂર્ણ સ્વરૂપે ઉપલબ્ધ છે. તેનો પ્રચાર પણ સૌથી વધુ છે. સામાન્યત: યજુર્વેદ દ્વારા આ સંહિતા જ સમજવામાં આવે છે. યાજ્ઞવલ્ક્યે સૂર્ય પાસેથી અશ્વ સ્વરૂપમાં રહીને વિદ્યા ગ્રહણ કરેલી. તે સમયે દિવસનો મધ્યભાગ હતો. તેથી આ શાખા વાજસનેયી અથવા માધ્યંદિની કહેવાય છે. અહીં મતાન્તર નોંધવું જોઈએ. યાજ્ઞવલ્ક્યના પિતા બ્રહ્મર્ષિ બ્રહ્મરાત હતા. તે વાજસનિ = અન્નનું વધુ પ્રમાણમાં દાન કરનારા હતા. તેથી યાજ્ઞવલ્ક્ય ‘વાજસનેયી’ હતા. આ સંહિતાનું સર્વપ્રથમ પ્રકાશન ઈ. સ. 1852માં વેબરે લંડન અને બર્લિનથી કર્યું હતું. આ સંહિતામાં 40 અધ્યાય, 303 અનુવાક્, 1,975 કંડિકા (‘યજુર્વેદ’ના મંત્ર માટે આ શબ્દ છે), 29,652 શબ્દ અને 88,875 અક્ષર છે. આના ઉપર ઉવ્વટ અને મહીધરનાં ભાષ્ય ઉપલબ્ધ છે.
કાણ્વશાખાનું વાજસનેયીથી ઘણું ઓછું અંતર છે. એનો પ્રચાર પણ ઓછો છે. ચેન્નાઈથી પ્રકાશિત કાણ્વ સંહિતામાં 40 અધ્યાય, 328 અનુવાક્ અને 2,086 મંત્ર છે.
તૈત્તિરીય સંહિતાનું સર્વપ્રથમ પ્રકાશન વેબરે ઈ. સ. 1871–72માં કર્યું છે. આ સંહિતા પર સાયણાચાર્યનાં, ભટ્ટ ભાસ્કર અને બાલકૃષ્ણ દીક્ષિતનાં ભાષ્ય મળે છે. તેમાં 7 કાણ્ડ, 4 અધ્યાય, 44 પ્રપાઠક, 631 અનુવાક્ અને 2,168 કંડિકા (મંત્રને બદલે અહીં પણ આ શબ્દ છે.) છે. સંહિતાના આ પ્રકારના નામકરણ માટે બે કારણો છે : (1) વૈશમ્પાયને બાકીના શિષ્યોને તેતર થઈને યાજ્ઞવલ્ક્યની વાન્ત વિદ્યા સ્વીકારી લેવા કહ્યું હતું. (2) નિરુક્તકાર યાસ્કનના શિષ્ય તિત્તિર હતા. તે આના પ્રવર્તક હતા.
મૈત્રાયણી સંહિતાનું પ્રથમ પ્રકાશન લાઇપઝિગથી ઈ. સ. 1881–86માં વાન શ્રોડરે કર્યું છે. આ સંહિતા ગદ્યપદ્યાત્મક છે. આમાં 4 કાણ્ડ, 54 પ્રપાઠક, 2,144 મંત્ર છે. આમાંની 1,701 ઋગ્વેદની ઋચાઓ છે.
કઠ અથવા કાઠક સંહિતાનું પ્રથમ પ્રકાશન લાઇપઝિગથી વાન શ્રોડર દ્વારા ઈ. સ. 1910માં થયું છે. તેમાં 5 ખંડ, 40 સ્થાનક, 843 અનુવાક્ અને 3,091 મંત્ર છે. આમાં બ્રાહ્મણ અંશ મિશ્રિત છે. કાશ્મીરમાં આનો પ્રચાર છે.
કાપિષ્ઠલ-કઠ સંહિતાની એકમાત્ર હસ્તલિખિત પ્રત વારાણસીના સંસ્કૃત વિશ્વવિદ્યાલય પાસે હતી. તેને આધારે લાહોરથી ઈ. સ. 1932માં ડૉ. રઘુવીરે પ્રકાશિત કરી છે. તેનું વિભાજન અષ્ટક અને અધ્યાયમાં છે, તે ઋગ્વેદના પ્રભાવને કારણે છે. કઠ અથવા કાઠક કરતાં તેનામાં ભિન્નતા છે. આ સંહિતા અપૂર્ણ છે.
દરેક વેદને મંત્રની સાથે બ્રાહ્મણ–આરણ્યક–ઉપનિષદ હોય છે. યજુર્વેદને આ રીતે છે :
યજુર્વેદનો વર્ણ્યવિષય સંક્ષેપમાં આ રીતે છે : (1) અધ્યાય 1, 2 – દર્શ પૌર્ણમાસ યજ્ઞ; (2) અ. 3 – અગ્નિહોત્ર અને ચાતુર્માસ્ય યજ્ઞ; (3) અ. 4થી 8 – સોમયાગ; (4) અ. 9, 10; વાજપેય, રાજસૂય યજ્ઞો; (5) અ. 11થી 18 – અગ્નિચયન અને વેદીનિર્માણ; (6) અ. 19થી 21 – સૌત્રામણિ યજ્ઞ; (7) અ. 22થી 25 – અશ્વમેધ; (8) અ. 26થી 29 ખિલ મંત્રો; (9) અ. 30 – પુરુષમેધ; (10) અ. 31 – પુરુષસૂક્ત; (11) અ. 32, 33 – સર્વમેધ; (12) અ. 34 – શિવસંકલ્પ; (13) અ. 35થી 38 – પિતૃમેધ, પ્રવર્ગ્ય યાગ; (14) અ. 39 – પ્રાયશ્ચિત્ત મંત્ર; (15) અ. 40 – ઈશાવાસ્ય ઉપનિષદ.
યજ્ઞાદિ કર્મકાંડના આધારભૂત વેદ તરીકે યજુર્વેદનું મહત્વ વધુ છે.
રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા