યગાના ચંગેઝી (જ. 17 ઑક્ટોબર 1884, અઝીમાબાદ, પશ્ચિમ બંગાળ; અ. 4 ફેબ્રુઆરી 1956, લખનઉ) : ઉર્દૂ કવિ અને સમીક્ષક. તેમનું પૂરું નામ મિર્ઝા વાજિદહુસેન હતું. તેમણે પ્રારંભમાં ‘યાસ’ તખલ્લુસ સાથે લેખનકાર્ય શરૂ કર્યું. પાછળથી તેઓ ‘યગાના ચંગેઝી’ના નામે જાણીતા થયા. તેમનો વંશીય સંબંધ ચંગેઝખાન સુધી પહોંચતો હોવાનું તેઓ માને છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અઝીમાબાદમાં લીધા બાદ 1903માં કોલકાતા યુનિવર્સિટીમાંથી પ્રવેશ-પરીક્ષા પસાર કરી. તત્કાલીન જાણીતા ઉસ્તાદ શાહ અઝીમાબાદી પાસેથી કાવ્યરચના સંબંધી માર્ગદર્શન મેળવ્યું. 1904માં કોલકાતા ગયા. બીમાર પડતાં ઇલાજ માટે તેઓ લખનઉ આવ્યા અને ત્યાંના શેરો-શાયરીના માહોલમાં ઓતપ્રોત થઈ ગયા. વચ્ચે વચ્ચે નોકરીને કારણે હૈદરાબાદ, લાતુર જેવાં સ્થળોએ તેમને જવું પડ્યું હતું.
તેઓ ઉર્દૂના સિદ્ધ કવિ અને સમીક્ષક તરીકે ઊભર્યા હોવા છતાં, જેમની ગઝલો લોકહૃદયે વસી હતી તેવા જાણીતા ઉર્દૂ કવિઓ સફી, આરઝૂ, સાકિબ અને અઝીઝની શૈલી અને કાવ્યકૃતિઓની તેમણે સખત ટીકા કરી, વળી ગાલિબની ટીકા કરતું એક પુસ્તક પણ પ્રગટ કર્યું અને પોતાને ‘ગાલિબશિકન’ (‘ગાલિબભંજક’) તરીકે ઓળખાવવા લાગ્યા ! પરિણામે સાહિત્યરસિકો તેમનાથી ખૂબ નારાજ થયા અને તેમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી.
તેમણે કેટલીક રસપ્રદ ગઝલો અને રુબાઈઓ પ્રગટ કરી છે, જે બહુમૂલ્ય છે. ‘નશ્તરે યાસ’; ‘આયાતે વજદાની તરાના’ અને ‘ગંજીના’ જેવા કાવ્યસંગ્રહો તેમણે આપ્યા છે. તે ઉપરાંત કાવ્યશાસ્ત્ર અંગેનું તેમનું પુસ્તક ‘ચિરાગે સુખન’ ખૂબ જાણીતું છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા